બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના સીઈઓ પુરુષોત્તમ પીપળીયા દ્વારા કરવામાં આવ્યો છે અને તેમને પોતાના સોસીયલ મીડિયા એકાઉન્ટ પર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને તાંત્રિક ગણાવ્યા હતા. જેની સામે આજે તેઓને અલગ-અલગ ફોન તેમજ મેસેજ કરી ધમકી આપવામાં આવી રહી છે. જો કે, આમ છતાં તેઓ પોતાનો પક્ષ યથાવત રાખશે અને ધર્મ નહીં પરંતુ ધતિંગનો વિરોધ કાયમી માટે યથાવત રાખશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે આગામી 1 અને 2 જૂનના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જે માટેની તડામાર તૈયારીઓ પણ આયોજકો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.
પીપળીયાએ એફબી પોસ્ટ પર પોસ્ટ મૂકી હતી
અવારનવાર પોતાના નિવેદનના કારણે વિવાદમાં રહેતા અને હિન્દુ રાષ્ટ્રનું અભિયાન છેડનારા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર હવે રાજકોટ શહેરમાં પણ યોજાવા જઇ રહ્યો છે. જેના માટે આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ગઈકાલે રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના સીઈઓ પુરુષોત્તમ પીપળીયાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર જુદી જુદી ચાર જેટલી પોસ્ટ મૂકવામાં આવી છે. જેને લઇ તેમને અલગ અલગ ફોન તેમજ મેસેજ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે.
હું કોઈ ધમકીથી ડરવાનો નથી- પુરુષોત્તમ પીપળીયા
આજે ધમકીઓ આવતા તેમને જણાવ્યું હતું કે, મને અલગ અલગ ફોન મેસેજથી ધમકી મળી રહી છે. હું કોઈ ધમકીથી ડરવાનો નથી. મારો વિરોધ ધર્મ સામે નથી માત્ર ને માત્ર ધતિંગ સામે મારો વિરોધ છે. હું કોઈ પોલીસ ફરિયાદ પણ કરવાનો નથી અને પોલીસ પ્રોટેક્શન પણ માંગવાનો નથી. રાજકીય લોકોના સમર્થન મામલે તેઓએ જણાવ્યું હતું કે, રાજકીય લોકોને મતની જરૂર હોય છે, માટે તેઓ વિરોધ નહીં કરે. મારે મતથી કોઈ લેવા દેવા નથી માટે હું ધતિંગનો વિરોધ હંમેશા કરીશ અને ધર્મમાં સમર્થન કરીશ.
પીપળીયા માફી માગે તેવી સુરતમાં શાસ્ત્રીના સમર્થકોની માગ
ગઈકાલે સુરત ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થકો તેમજ આયોજકોએ પુરુષોત્તમ પીપળીયા માફી માગે તેવી વાત કરી હતી. જો કે પીપળીયાએ આ મામલે સ્પષ્ટ કહ્યું છે કે હું કોઈ ધર્મ વિરુદ્ધ નથી બોલ્યો માટે માફી માંગવાની નથી. હું ધતિંગનો વિરોધ કરું છું ધર્મનો નહીં.
પીપળીયાએ ચાર એફબી પોસ્ટ કરી સવાલ ઉઠાવ્યા હતા
પુરુષોત્તમ પીપળીયાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, તાંત્રિક બાગેશ્વર બાબા જણાવે કે રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે ને કોના ઇશારે આવે છે, પાંચ લાખનું ઇનામ. જ્યારે કે અન્ય પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, તાંત્રિક બાબા બાગેશ્વરના રાજકોટના દરબારથી ભારત સહિત વિશ્વના દેશો રાજકોટની જનતાની બુદ્ધિમતા માપી લેશે. તો સાથે જ ત્રીજી પોસ્ટમાં લખ્યું છે કે, હિન્દુ ધર્મના ઓઠા હેઠળ સનાતન ધર્મને વિવાદાસપદ કરવાના કાવતરામાં રાજકીય પક્ષોએ બિન સનાતનની ફોજ કાર્યરત કરી છે. જ્યારે કે ચોથી પોસ્ટમાં લખ્યું છે કે, બિલિવ ઓર નોટ? રાજકોટના પ્રમુખ શ્રેષ્ઠીઓએ તાંત્રિક બાબા બાગેશ્વરના આયોજકો!