રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે આગામી તારીખ 1 અને 2 જૂનનાં રોજ બાગેશ્વરધામ સેવા સમિતિનાં ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરનાં દિવ્ય દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના આ કાર્યક્રમની તૈયારીઓ અંગે આજરોજ આયોજકો દ્વારા એક પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી. જેમાં જણાવ્યા મુજબ 31 મેના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં આવશે અને તા. 1 અને 2 જૂને તેનો સનાતન ધર્મ અંગેનો કાર્યક્રમ યોજાશે. આ માટે 32 સમિતિ અને 600 જેટલા કાર્યકરો ખડેપગે રહેશે.
બે દિવસ ધર્મસભા સહિતના કાર્યક્રમો
સમગ્ર આયોજનનાં અધ્યક્ષ યોગીન છનીયારાએ જણાવ્યું હતું કે, બાગેશ્વર સેવા સમિતિ દ્વારા સનાતન ધર્મનાં પ્રચાર માટે આગામી 1 અને 2 જૂન એમ બે દિવસ ધર્મસભા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 31 તારીખે જ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવી જશે. આ કાર્યક્રમ માટે રેસકોર્સ મેદાનમાં સમિતિ દ્વારા વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે જુદી-જુદી 32 સમિતિ બનાવી અને તેના 600 જેટલા કાર્યકરોને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ કાર્યક્રમમાં અંદાજે 75 હજારથી વધુ લોકો હાજર રહેવાની સંભાવના છે.
હિન્દુ સંગઠન અમારી સાથે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બાબા ક્યાં રોકવાનાં છે એ સ્થળ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. તેમજ બાબાની સુરક્ષામાં પણ અલગ અલગ સમાજ અને લોકો પણ સ્વયંભૂ આવશે. અસંતુષ્ટ લોકો બાબાની લોકપ્રિયતાને લઈને પણ વિઘ્ન નાખવા તત્પર હોય છે. પરંતુ હિન્દુ સંગઠન અમારી સાથે છે. જેમાં મુખ્યત્વે વીએચપી, કરણી સેના, તેમજ હિન્દુ જાગરણ મંચનાં કાર્યકરો તમામ પ્રકારની સેવા આપવા માટે તૈયાર છે. તેમજ પોલીસ દ્વારા પણ જરૂરી તમામ મદદ મળી રહી છે. અને સરકારી તંત્ર પણ સંપૂર્ણપણે સહયોગ આપી રહ્યું હોવાથી આ કાર્યક્રમ ખૂબ સફળ રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.