આત્મીય યુનિવર્સિટીના ત્યાગ વલ્લભ સ્વામી સહિત ટ્રસ્ટીઓ સામે થયેલ 33 કરોડથી વધુ રકમની છેતરપિંડી કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર ડો. સમીર કૌશિક વૈદ્યનું નામ ખુલ્યું હતું. જેમાં તેણે કરેલી આગોતરા જામીનની અરજી સેસન્સ કોર્ટે ના મંજૂર કરતા તેઓએ સ્વૈચ્છીક રાજીનામુ પોસ્ટ મારફત મોકલી આપ્યું હતું. જો કે, હવે આ સ્વૈચ્છિક રાજીનામુ ના મંજૂર કરવા બાબતે કોંગ્રેસ દ્વારા ઉચ્ચતર શિક્ષણ વિભાગના કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.
પ્રોફેસર છેલ્લા 18 દિવસથી ફરારઃ રોહિતસિંહ
આ મામલે કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર અને ગણિતશાસ્ત્રના વડા ડો.સમીર કૌશિક વૈદ્યએ સ્વૈચ્છિક રાજીનામુ ધરી દીધા હોવાનું યુનિવર્સિટીના રજીસ્ટરએ માહિતી આપી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ કર્મચારીનું રાજીનામુ ઉચ્ચતર શિક્ષણ વિભાગમાં મંજૂરી અર્થે મોકલી દીધેલ છે. માટે ઉચ્ચતર શિક્ષણ વિભાગના કમિશનરને પત્ર લખી જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર ડો. સમીર વૈદ્ય વિરુદ્ધ આત્મીય યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો કેસ રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે. તેમજ આ કેસનો મુખ્ય આરોપી તરીકે આ પ્રોફેસર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવેલ છે. તેમજ આ પ્રોફેસર છેલ્લા 18 દિવસથી ફરાર છે.
રાજીનામુ મંજૂર ન કરવા અમારી માંગ
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને અમે પોલીસ કેસની નકલ સાથે પગલાં લેવા રજૂઆત તા. 26-06-2023ના કરેલ છતા પણ યુનિવર્સિટી કક્ષાએથી આ રાજીનામુ મંજૂર કરી પોલીસ કેસની માહિતીનો ઉલ્લેખ કર્યા વગર જ આપની કચેરી સુધી રાજીનામુ મંજૂરી અર્થે મોકલી દીધેલ છે. ઉપરોક્ત ગંભીર પોલીસ કેસની તપાસ ચાલુ હોય, પ્રોફેસર આરોપી હાલ ફરાર હોય તેમજ તેઓના સેસન્સ કોર્ટએ આગોતરા જામીન ના મંજૂર કરેલ હોવાની બાબતો ધ્યાને રાખી સરકારના નિયમ મુજબ આ કર્મચારીનું સ્વૈચ્છિક રાજીનામુ મંજૂર ન કરવામાં આવે તેવી અમારી માંગ છે.
દેશ છોડી ફરાર થવાની પુરી શક્યતાઓ
વધુમાં તેમને જણાવ્યું હતું કે, આ પોલીસ કેસની તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી રાજીનામુ મંજૂર કરવામાં આવશે તો તેઓ સરકારના નિવૃર્તિના મળવાપાત્ર લાભો મેળવી, દેશ છોડી ફરાર થવાની પુરી શક્યતાઓ છે. સરકાર દ્વારા આ પ્રોફેસર કર્મચારીને નિવૃર્તિના લાભો જેમ કે પેન્શન, ભથ્થું, ગ્રેચ્યુટી સહિત માતબાર સરકારી રકમ મળી શકે તે અર્થે તેઓએ ચાલાકી વાપરી કેસની બાબતોને અંધારામાં રાખી તેણે રાજીનામુ આપી દીધેલ છે. જેથી આપને વિનંતી છે કે આ જ્યાં સુધી પોલીસ કેસની તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી આરોપી પ્રોફેસર ડો. સમીર કૌશિક વૈદ્યનું રાજીનામુ નામંજૂર કરવામાં આવે.