‘સલામત સવારી એસ.ટી અમારી’ આ સ્લોગન તો તમે ઘણી જગ્યાએ સાંભળ્યું અને વાંચ્યું હશે, પરંતુ આજે આ સ્લોગનથી કંઈક ઊંઘો જ બનાવ ગોંડલ એસ.ટી.ના બસ સ્ટેન્ડ પર બનવા પામ્યો છે. જ્યાં ઉપલેટાથી રાજકોટ જતી બસ ગોંડલ બસ સ્ટેન્ડમાં અંદર આવે છે અને તરત જ સ્ટેન્ડ પર ઊભી રહેવાની જગ્યાએ બેરિકેડ્સ તોડી સીધી પૂછપરછની બારીમાં ધૂસી જાય છે. આ ઘટનામાં એકને ઈજા પણ પહોંચી છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેને લઈ પોલીસ અને ડેપો મેનેજરે વધુ તપાસ હાથ ધરી છે.
બસના ડ્રાઈવરે બસ સીધી બેરિકેડ્સ તોડી….
ગોંડલ બસ સ્ટેન્ડ પર રોજની જેમ લોકોની ભીડ જામી હતી. કેટલાક પોતાના કામ અર્થે જવા એસ.ટીની રાહ જોઈને ઊભા હતા. તો કેટલાક વેકેશન હોવાથી વેકેશન કરવા જવા અર્થે અથવા અન્ય પોતાના કામ અર્થે બહાર જવા બસની રાહ જોઈને ઊભા હતા. થોડીવાર બાદ પૂછપરછની બારીએથી એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે, ઉપલેટાથી રાજકોટ જતી બસ પ્લેટફોર્મ નંબર 8 પર ઊભી રહેશે. જે સૂચના હજુ પૂરી જ થઈ હતી. ત્યાં જ ઉપલેટાથી આવતી બસે બસ સ્ટેન્ડમાં ઘૂસતા એક મોટો વળાંક લીધો અને પોતાની નિર્ધારિત જગ્યાએ, એટલે કે પ્લેટફોર્મ નંબર 8 પર ઊભી રાખવા બસ વાળી અને ઓચિંતા જ ડ્રાઈવરે બસ ઊભી રાખવાની જગ્યાએ સીધી બેરિકેડ્સ તોડી પૂછપરછની બારીમાં જ ધુસાડી દીધી.
એસ.ટી.બસ આખી પૂછપરછ બારી સુધી પહોંચી
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ, શહેરમાં બસ સ્ટેન્ડમાં ઉપલેટા-રાજકોટ રૂટની બસમાં બ્રેક ના લાગતા ગોંડલ બસ સ્ટેન્ડના પ્લેટફોર્મ નંબર 8 પર બસ સ્ટોપ કરવાના બદલે પૂછપરછની બારી સુધી પહોંચી ગઇ હતી. જોકે એસટી બસ સ્ટેન્ડની અંદર ઘૂસતા મુસાફરોમાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં એક 12 વર્ષનો બાળક ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત યુવક ખુશાલ ભરતભાઈ સાદિયા (ઉ.વ.12 હાલ પીપળિયા, મૂળ પોરબદર)ને 108 એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
22 વર્ષથી ડ્રાઇવિંગ કરે છે, આ પહેલી ઘટના બની
રાજકોટ-ઉપલેટા રૂટના ડ્રાઈવર અતુલભાઈ કે. લુણાગરિયા (રહે. ઉપલેટા)એ જણાવ્યું હતું કે, હું 22 વર્ષથી એસ.ટી. ડ્રાઇવિંગ કરું છું. એસ.ટી.બસમાં બ્રેક ના લાગવાના કારણે આ ઘટના બની હોવાનું જણાવ્યુ છે. જોકે આ સમગ્ર ઘટનાના CCTV સામે આવતા ડેપો મેનેજર અને પોલીસે તપાસ હાથ ધરી છે. કયા કારણોસર ઘટના બની તે તપાસ બાદ બહાર આવશે.
ડ્રાઈવરની બેદરકારીના કારણે આ ઘટના બની
અકસ્માતની ઘટના બન્યા બાદ એસ.ટી. ડેપો મેનેજરે તપાસ હાથ ધરી હતી. જે બાદ ડેપો મેનેજર બસમાં બ્રેક બરોબર જ છે. કદાચ ડ્રાઈવરની બેદરકારીના કારણે આ ઘટના બની હોઈ શકે. કદાચ ડ્રાઈવર બ્રેક મારી ન શક્યો હોય અથવા તો તેણે બ્રેકની જગ્યા પર લીવર પર પગ મૂકી દીધો હોઈ શકે. એસ.ટી.બસમાં બ્રેક અને બધું તો વ્યવસ્થિત જ છે.