રાજકોટ શહેરમાં વધુ એક વખત નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ દ્વારા કોઠારીયા રોડ ચોકડી પાસેથી શાપરના બે શખ્સોને 20 કિલો ગાંજાના જથ્થા સાથે પકડી પાડી તેમની પાસેથી રોકડ અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ.2.17 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા શાપર વેરાવળના બન્ને શખ્સો ગાંજાનો જથ્થો શાપરની મહિલા માટે સુરતથી લઈ આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
2.17 લાખનો મુદ્દામાલ મળ્યો
રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે કોઠારીયા રોડ ચોકડી પાસેથી બે શખ્સો ગાંજાનો મોટો જથ્થો લઈ નીકળવાના છે જેના આધારે બાતમી વાળી જગ્યા થી નજીક અલગ અલગ વિસ્તાર પર વોચ ગોઠવી આરોપીઓને ઝડપી લેવા ઉભા હતા દરમિયાન બે શંકાસ્પદ શખ્સો ત્યાંથી નીકળતા તેને પકડી ત્યારબાદ બંને શખ્સોની પૂછપરછ કરતા એકનું નામ બલવીર હરનારાયણ અહિરવાલ (ઉ.વ.19) અને બીજાનું નામ મહેશ મનસુખ ઉર્ફે મનુંભાઈ બાબરીયા (ઉ.વ.18) હોવાનું જણાવ્યું હતું. જેની અંગ જડતી લેતા તેની પાસેથી રૂ.2 લાખનો 20 કિલો ગાંજો તેમજ બે મોબાઈલ અને રોકડ સહિત કુલ 2.17 લાખનો મુદ્દામાલ મળી આવતા તે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
3 વખત ગાંજાનો જથ્થો લેવા માટે ગયા
એસીપી મનોજ શર્માના જણાવ્યા મુજબ પકડાયેલ બન્ને આરોપીઓ આ અગાઉ પણ 3 વખત ગાંજાનો જથ્થો લેવા માટે ગયા હતા અને આ વખતે પણ તેઓ સુરતમાં એક હોટેલમાં રોકાયા હતા જ્યાં આવી તેમને એક શખ્સ દ્વારા ગાંજો આપવામાં આવ્યો હતો. એક વખત ગાંજો લેવા જવા માટે મહિલા પેડલર દ્વારા રૂપિયા 5000ની ટીપ આપવામાં આવતી હોવાનું પણ પોલીસ પુછપરછમાં સામે આવ્યું છે.
શબાનાનું નામ ખૂલ્યું
પકડાયેલા બલવીર અને મહેશની પૂછપરછ કરતા બંને શખ્સો આ ગાંજાનો જથ્થો સુરતના શખ્સ પાસેથી લઇ આવ્યા હતા અને શાપર વેરાવળમાં રહેતી શબાના સામીદ બુખારી નામની મહિલાને આપવાનો હોવાનું જાણવા મળતા પોલીસે હાલ તેમની શોધખોળ હાથ ધરી છે.