બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરની ગુજરાત યાત્રા હાલ ગુજરાતભરમાં ચર્ચાનો મુદ્દો બની ગઈ છે. ત્યારે આ મામલે આજે સુરત ખાતે ગુજરાતના પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે ‘ધર્મના નામે ધતિંગ કરતા આ બાબા બીજેપીનું માર્કેટિંગ કરે છે.’ આ મુદ્દે ભાજપના પ્રવકતા યજ્ઞેશ દવેએ જણાવ્યુ હતું કે બાપુને કોઈએ ગેરમાર્ગે દોર્યા છે. ભાજપે બાબાના કાર્યક્રમનું આયોજન નથી કર્યું.
ધર્મનો રાજકારણમાં ઉપયોગ ન કરવો જોઈએ
સુરતના ભરાટ વિસ્તાર ખાતે એક સંબંધીના બેસણામાં પૂર્વ CM શંકરસિંહ વાઘેલા આવ્યા હતા. ત્યારે બાબા બાગેશ્વરની ગુજરાત યાત્રા અંગે તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ધર્મના નામે ધતિંગ કરવાવાળા ઓછા નથી અને તેઓ ક્યારેય ભૂખ્યા નથી મરતા. તેમનો આ પ્રકારે જ ઉપયોગ થાય છે. ધર્મનો રાજકારણમાં ઉપયોગ ન કરવો જોઈએ.
ભગવાધારીનો દુરુપયોગ કરે છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ધર્મના નામે આ પ્રકારના નાટક બંધ કરી દેવા જોઈએ. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ રીતે ભગવાધારીનો દુરુપયોગ કરવામાં આવે છે અને ચમત્કારના નામે ખોટાં નાટક કરવામાં આવે છે. આ પ્રકારની વાહિયાત વાતોનો કોઈ અવકાશ નથી. આવા બધા બાબાઓના જે ભક્તો હોય તેમને આગળ જતાં ઘણુંબધું ભોગવવું પડે છે.
રાજકારણમાં આ બધું યોગ્ય નથી
તેમણે જણાવ્યું હતું કે ધર્મના નામે ધતિંગ કરવાવાળા લોકો તો કલ્પનાની બહાર હોય છે. આ બધું બીજેપી જ કરે છે. કર્ણાટકમાં ‘ધ કેરલ સ્ટોરી’ હોય કે બજરંગબલી.. આ બધું બીજેપીનું જ કોલાબ્રેશન છે. રાજકારણમાં આ બધું યોગ્ય નથી.
બાપુને કોઈએ ગેરમાર્ગે દોર્યા છે
શંકરસિંહ વાઘેલાના આ નિવેદન મામલે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે શંકરસિંહ બાપુને કોઈએ ગેરમાર્ગે દોર્યા છે. બાપુ ભૂતકાળમાં હિન્દુવાદી આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા. પ્રથમ તો એ સમજી લેવું જરૂરી છે કે ભારતીય જનતા પાર્ટી એ સનાતન ધર્મ સાથે જોડાયેલો પક્ષ છે, જેથી કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાઈ એવાં કામ ન કરે એટલે સનાતન ધર્મની વાત આવે ત્યારે પક્ષાપક્ષીની વાત નથી આવતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કોઈ તંત્ર-મંત્ર સાથે જોડાયેલી વ્યક્તિ નથી. તેઓ કોઈપણ પ્રકારના ચમત્કાર નથી કરતા. તેમની જે સભા થતી હોય એમાં જવા માટે કોઈપણ પ્રકારની ફી વસૂલવામાં નથી આવતી. નાણાં લેવામાં આવતાં નથી.
ભાજપે સભાનું આયોજન નથી કર્યું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ત્યાં આવનારી વ્યક્તિ પોતાની સમસ્યાના નિરાકરણ માટે આવે છે અને બાગેશ્વર બાબા પોતાની રીતે યોગ્ય લાગે એ પ્રમાણે જવાબ આપે છે, પરંતુ અહીં એ વાતની ચોખવટ આવશ્યક છે કે ભારતીય જનતા પાર્ટી આ પ્રકારની કોઈપણ સભાનું આયોજન કરતી નથી. હા, એવું શક્ય હોય કે આ કાર્યક્રમના આયોજનમાં જે લોકો જોડાયેલા છે એ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે પણ જોડાયેલા હોય, પરંતુ પક્ષ દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવતું નથી.
ભારતના બંધારણમાં અધિકાર છે
તેમણે જણાવ્યું હતું કે ભારત અને ગુજરાતમાં મોટા ભાગનો જનસમૂહ ભાજપ સાથે જોડાયેલો છે ત્યારે જનસમુદાયને અનુલક્ષીને સનાતન ધર્મનો કાર્યક્રમ યોજાય એમાં કોઈ ને કોઈ પક્ષની વ્યક્તિ હોય એ સ્વાભાવિક છે, પરંતુ તેને પક્ષ સાથે સીધું જોડી દેવું એ યોગ્ય નથી, તેવી મારી શંકરસિંહ બાપુને નમ્ર વિનંતી છે. એવું નથી કે આ કાર્યક્રમમાં માત્ર ભાજપના જ લોકો જોડાયેલા હોય, કોંગ્રેસ પક્ષના લોકો પણ આ કાર્યક્રમમાં જોડાયેલા છે. જે લોકો સનાતન ધર્મમાં માનતા હોય તેઓ આ કાર્યક્રમમાં જોડાઈ શકે છે. બાબાસાહેબ આંબેડકરે ભારતના બંધારણમાં દરેક નાગરિકને એ અધિકાર આપ્યો છે કે પોતાની ઈચ્છા અનુસાર જે ધર્મમાં માનવું હોય એમાં માની શકે છે અને પોતાના ધર્મને અનુલક્ષીને કાર્યક્રમનું આયોજન કરી શકે છે.
વિરોધ વંટોળ ગુજરાતમાં ઊઠ્યો
નોંધનીય છે કે અવારનવાર પોતાના નિવેદનને કારણે વિવાદમાં રહેતા અને હિન્દુરાષ્ટ્રનું અભિયાન છેડનારા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતમાં આવી રહ્યા છે. પ્રથમ 27-28ના રોજ સુરત, 29-30મીના રોજ અમદાવાદ અને એ બાદ 1-2 જૂનના રોજ રાજકોટ ખાતે તેમનો દિવ્ય દરબાર યોજાશે. એને લઈને આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ, વિવાદોથી ઘેરાયેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનો વિરોધ વંટોળ ગુજરાતમાં ઊઠ્યો છે.
200 જેટલા સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવશે
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી બે દિવસ સુધી અમદાવાદમાં રોકાવાના છે, ત્યારે તેમની રહેવા, જમવા સહિતની વ્યવસ્થાનું આયોજન સભાસ્થળની એકદમ નજીક કરવામાં આવ્યું છે. મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીને રહેવા માટે એક ખાસ બંગલો તૈયાર કરવામાં આવી રહ્યો છે. દિવ્ય ભાસ્કરે આ બંગલાની મુલાકાત લીધી હતી. એમાં 10 જેટલા રૂમ સાથે બે માળના બંગલામાં ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના સચિવ સાથે રહેશે. બંગલાની સુરક્ષા માટે 200 જેટલા સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવશે.
શાસ્ત્રી માટે અત્યાધુનિક એસી સાથેનો બંગલો
નવા બની રહેલા આ બંગલામાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઇને બે માળ સુધી અલગ અલગ રૂમ બનાવવામાં આવ્યા છે. એમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને પહેલા માળે બે વિશાળ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પહેલા માળે ઉપરના બે રૂમમાં તેમના સચિવ સાથે જ રહેશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના રહેવા માટે બંગલામાં તમામ નવી વસ્તુઓ મૂકવામાં આવશે. પલંગ, એસી, કબાટ, ફર્નિચર વગેરે તદ્દન નવાં મૂકવામાં આવશે.
એક વર્ષ પહેલાં શાસ્ત્રીએ મુલાકાત લીધી
અમદાવાદમાં દિવ્ય દરબારના આયોજક અને મૂળ ઉત્તરપ્રદેશના જિનેન્દ્ર શાસ્ત્રીના નજીકના ગણાતા એવા પુરુષોત્તમ શર્માએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી એક વર્ષ અગાઉ આ જગ્યા પર આવી ચૂક્યા છે અને ફરીથી તેઓ આવવાના હતા, તેમણે સંકલ્પ કર્યો હતો. એને લઇ 29 અને 30 મેના રોજ બે દિવસ અહીં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના રહેવા માટે ખાસ બંગલાની વ્યવસ્થા કરવામાં આવી છે. આખો નવો બંગલો તૈયાર કરવામાં આવ્યો છે. તેમના સચિવ સાથે તેઓ રહેશે. બંગલાની સિક્યોરિટી માટે 200 જેટલા સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવશે.
સ્ટાફ માટે 20 જેટલાં મકાનોની વ્યવસ્થા
મહારાજના સ્ટાફ માટે પણ અલગથી 20 જેટલાં આસપાસનાં મકાનોની વ્યવસ્થા કરી છે. અંદાજે રૂ. રૂપિયા 80 લાખના ખર્ચે બનનારા બે માળના બંગલામાં 10થી વધુ રૂમ બનાવવામાં આવ્યા છે. બંગલામાં એક મંદિર બનાવવામાં આવશે. આ બંગલાની તમામ કામગીરી થોડા દિવસમાં પૂર્ણ થઈ જશે. 25થી વધુ રસોઈયા સવાર-સાંજ ચાર દિવસ માટે રસોઈ માટે હાજર રહેશે. તદ્દન નવાં પલંગ, ગાદલાં, એસી વગેરે મૂકવામાં આવશે.