રાજકોટના કાલાવડ રોડ પર કણકોટ ગામ નજીક રહેતા વૃદ્ધા ઉપર તેના જ જમાઈએ કાર ચડાવી જાનથી મારી નાખવા કોશિશ કરી હોવાની ઘટના સામે છે. રિસામણે આવેલી દીકરી પાસેથી તેના દીકરા-દીકરીને પરત લઈ જવા માટે જમાઈએ તેમના મિત્રો સાથે મળી ઘરે આવી ગાળો બોલી ધમાલ મચાવી હતી. બાદમાં બળજબરીથી દીકરા-દીકરીને કારમાં બેસાડ્યા હતા. જેને રોકવા જતા સસરા ઉપર જમાઈએ પૂરઝડપે કાર ચલાવી જાનથી મારી નાખવા કોશિશ કરી હતી જો કે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આથી પોલીસે ઈજાગ્રસ્ત સસરાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાંચ મહિનાથી રિસામણે હતી દીકરી
ફરિયાદી માલદેભાઈ કરશનભાઇ પાંડાવદરા (ઉં.વ.55)એ જણાવ્યું હતું કે, હું સેન્ટિંગ કામ કરું છું અને પરિવાર સાથે કાલાવડ રોડ પર કણકોટ ગામ પાસે હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરની સામે મફતિયાપરા ક્વાર્ટર સામે રહું છું. મારે સંતાનમાં છ દીકરીઓ અને એક દીકરો છે. મારી મોટી દીકરી સંધ્યાબેનના લગ્ન જામનગર રહેતા હિતેષ સોમાભાઇ ચાવડા સાથે 10 વર્ષ પહેલા થયા છે. તેને સંતાનમાં 9 વર્ષની દીકરી અને 6 વર્ષનો દીકરો છે. દીકરી સંધ્યાને તેના પતિ હિતેશ સાથે ઝઘડા થતા પાંચ મહિનાથી રિસામણે મારી ઘરે રહે છે અને તેના દીકરી અને દીકરો જમાઈ હિતેષ સાથે જામનગર રહેતા હતા.
જમાઈએ મિત્રો સાથે ઘરે આવીને ધમાલ મચાવી
ગઈકાલે સવારના સાડા આઠેક વાગ્યે મારી દિકરી સંધ્યા તેની દિકરીનો જન્મદિવસ હતો એટલે જામનગર તેના સસરાના ઘરે જવા માટે નીકળેલ હતી અને બપોરના સાડા ત્રણેક વાગ્યે મને સંધ્યાનો ફોન આવેલ કે, હું મારી દિકરી અને દિકરાને લઇને રાજકોટ આવું છું અને તે સાંજે સાડા છ વાગ્યે ઘરે રાજકોટ આવેલ હતી. જે પછી સાંજના સાડા સાતેક વાગ્યે મારા ઘરે બધા બેઠા હતા ત્યારે અચાનક મારો જમાઇ હિતેષ તથા તેનો મિત્ર વીકી ઉર્ફે ખાડો તથા બીજા બે અજાણ્યા વ્યક્તિઓ ઘરની બહાર આવી અપશબ્દો બોલવા લાગ્યા હતા.
રોકવા જતા સસરા ઉપર જ ગાડી ચડાવી
હિતેષે ઉશ્કેરાઈ સંધ્યાને વાળ પકડી મારવા લાગ્યો હતો અને કહેતો હતો કે, મારા છોકરા મને આપ. આ દરમિયાન વીકીના હાથમાં લાકડાનો ધોકો હતો. આ ધોકા વડે સંધ્યા તથા મારી દીકરીઓ આશા તથા પ્રીતિને માર મારવા લાગ્યા હતા. તેની સાથેના અજાણ્યા શખ્સો અપશબ્દો બોલતા હતા. તે દરમિયાન જમાઈ સંધ્યાના દીકરા-દીકરીને ગાડીમાં બળજબરીપૂર્વક બેસાડીને નીકળી રહ્યા હતા એટલે તેને રોકવા માટે હું દોડીને રોડ ઉપર જતા હિતેષે તેની ગાડી સ્પીડમાં ચલાવી અને મને જાનથી મારી નાખવાના ઇરાદે સામે આવવા દેતા કાર મારી ઉપર આવી અને હું પડી ગયો હતો.
પાડોશીએ 108ને ફોન કરી હોસ્પિટલમાં ખસેડ્યા
કાર મારા પગે તથા કમરના ભાગે ફરેલ હતી જેથી મને પગે કમરે તથા શરીરે ઇજાઓ થઈ હતી. આ પછી કાર પુરપાટ ઝડપે ચલાવી એ લોકો જતા રહ્યા હતા. પાડોશીના લોકો ભેગા થઈ જતા તેમણે 108ને ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી મને સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. હાલ રાજકોટ તાલુકા પોલીસે હિતેશ, વિકી અને તેની સાથેના બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી 307, 323, 504, 114 વગેરે મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પાડોશીએ 108ને ફોન કરી હોસ્પિટલમાં ખસેડ્યા
કાર મારા પગે તથા કમરના ભાગે ફરેલ હતી જેથી મને પગે કમરે તથા શરીરે ઇજાઓ થઈ હતી. આ પછી કાર પુરપાટ ઝડપે ચલાવી એ લોકો જતા રહ્યા હતા. પાડોશીના લોકો ભેગા થઈ જતા તેમણે 108ને ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી મને સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. હાલ રાજકોટ તાલુકા પોલીસે હિતેશ, વિકી અને તેની સાથેના બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી 307, 323, 504, 114 વગેરે મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.