અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યનાં તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. વાવાઝોડું દક્ષિણ પ્રશ્ચિમ પોરબંદરથી 580 કિલોમીટર દૂર છે. હવે ધીમે ધીમે નજીક આવી રહ્યુ છે. વાવાઝોડું ગુજરાતને ઘસરકો કરશે પણ જખૌ પર જોખમ હજુ પણ છે. આગામી ત્રણ દિવસ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠે વિમાન મારફત હવાઈ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. દરિયા તોફાની બનતા 15 ફૂટથી પણ વધુ મોજા ઉછળી રહ્યા છે. જ્યારે જામનગરમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા.
જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના વાતાવારણમાં એકાએક પલટો
જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. શહેરમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો છે. જામનગર તાલુકાના સચાણા ગામની જેટી પર વરસાદી ઝાપટા પડ્યા બાદ જામનગર શહેરમાં પણ બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો થતાં વરસાદી માહોલ સર્જાયો હતો. વીજળીના કડાકા ભડાકા તેમજ ગાજવીજ સાથે શહેરમાં વરસાદ પડી રહ્યો છે. જામનગર શહેરમાં વરસાદની સાથે સાથે પવન આવતા ઘર તથા એપાર્ટમેન્ટ ઉપર ફીટ કરેલા સોલાર પેનલ હવામાં ઉડીને રસ્તા પર પડી ગયા હતા. આ ઉપરાંત વૃક્ષો પણ ધરાશાયી થયા છે. જામનગર જિલ્લાનાં તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ યથાવત્ રાખવામાં આવ્યું છે અને લોકોને સલામત સ્થળે રહેવા સૂચના આપવામાં આવી છે. તૈયારીઓના ભાગરૂપે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.
વાવાઝોડુ પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયું
ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વલસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો હતો. ત્યારે દેશનાં પશ્ચિમી રાજ્યો માટે ચિંતાનું કારણ બનેલા બિપરજોય વાવાઝોડાએ પોતાની દિશામાં આંશિક બદલાવ કરી દેતાં ફરી કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યુ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હવે ‘બિપરજોય’ પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયું છે.
શું કહે છે હવામાન વિભાગ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યારે વાવાઝોડું દક્ષિણ પ્રશ્ચિમ પોરબંદરથી 580 કિલોમીટર દૂર છે. હવે ધીમે ધીમે નજીક આવી રહ્યુ છે. વાવાઝોડાનો માર્ગ વારંવાર બદલાતાં ફરી ચિંતા વધી રહી છે. હવે જખૌ તરફ ફંટાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે. આગામી તારીખ 11થી 14 જૂન સુધી તેજ પવન સાથે ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. અમદાવાદના હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે વાવાઝોડાને કારણે 10, 11 અને 12 જૂને પવન 80થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે તેમજ પવન 120 કિમી પ્રતિ કલાકની ઝડપ પણ પકડી શકે છે. આ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે.
વાવાઝોડુ પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયું
ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વલસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો હતો. ત્યારે દેશનાં પશ્ચિમી રાજ્યો માટે ચિંતાનું કારણ બનેલા બિપરજોય વાવાઝોડાએ પોતાની દિશામાં આંશિક બદલાવ કરી દેતાં ફરી કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યુ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હવે ‘બિપરજોય’ પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયું છે.
શું કહે છે હવામાન વિભાગ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યારે વાવાઝોડું દક્ષિણ પ્રશ્ચિમ પોરબંદરથી 580 કિલોમીટર દૂર છે. હવે ધીમે ધીમે નજીક આવી રહ્યુ છે. વાવાઝોડાનો માર્ગ વારંવાર બદલાતાં ફરી ચિંતા વધી રહી છે. હવે જખૌ તરફ ફંટાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે. આગામી તારીખ 11થી 14 જૂન સુધી તેજ પવન સાથે ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. અમદાવાદના હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે વાવાઝોડાને કારણે 10, 11 અને 12 જૂને પવન 80થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે તેમજ પવન 120 કિમી પ્રતિ કલાકની ઝડપ પણ પકડી શકે છે. આ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે.
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે માછીમારોને સાવચેત કર્યા
વાવાઝોડાની શક્યતાને પગલે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે દરિયામાં માછીમારોને સાવચેત કર્યા છે તેમજ ઉત્તરપશ્ચિમ અને ગુજરાત, દમણ અને દીવના માછીમારોને જરૂરી સાવચેતી અને સલામતીનાં પગલાં લેવાની સલાહ આપવા માટે આઉટરીચ શરૂ કર્યું છે. ભારતીય કોસ્ટ ગાર્ડ એકમો જહાજો, એરક્રાફ્ટ અને રડાર સ્ટેશન દ્વારા સમુદ્રમાં જહાજોને નિયમિત સલાહ સૂચનો આપી રહ્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડની તમામ કોસ્ટ એસ્ટાબ્લિશમેન્ટ્સ ચક્રવાતને ધ્યાનમાં રાખીને પૂરતી સાવચેતી રાખવા એર ક્રાફટથી સૂચના આપવામાં આવી રહી છે. વાવાઝોડાને લઇ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વહીવટીતંત્ર દ્વારા વલસાડના તિથલને બીચ સહેલાણી માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તિથલ બીચ પર આવેલી દુકાનો અને સ્ટોલ- સંચાલકોને એનો જરૂરી સામનો કાઢી લેવા માટે સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લાનાં 28 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ મામલતદાર તેજલબેન પટેલે જણાવ્યું હતું કે સાવચેતીના ભાગરુપે 14 જૂન સુધી બીચ સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવશે.
જામનગર જિલ્લાની તમામ માર્કેટિંગ યાર્ડમાં આવક બંધ કરાઈ
જામનગર જિલ્લામાં વાવાઝોડાંની શક્યતાને પગલે અગમચેતીના ભાગરૂપે હાપા યાર્ડ ઉપરાંત લાલપુર, જામજોધપુર, ધ્રોલ અને કાલાવડની માર્કેટિંગ યાર્ડમાં તમામ પ્રકારની હરાજીની પ્રક્રિયાઓ બંધ રાખવામાં આવી છે. ખેડૂતોએ પોતાની જણસ માર્કેટિંગ યાર્ડમાં નહીં લાવવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલના જણાવ્યાં અનુસાર આવતીકાલ રવિવાર તારીખ 11-6-2023થી તમામ જણસીની આવક નવી જાહેરાત ન થાય ત્યાં સુધી સદંતર બંધ કરવામાં આવી છે. વાવાઝોડું અને વરસાદની આગાહીના અનુસંધાને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરતના દરિયાકાંઠાનાં ગામોની મુલાકાતે અધિકારીઓ
‘બિપરજોય’ વાવાઝોડાની શક્યતાને પગલે દરિયાઈ કાંઠા વિસ્તારનાં ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. સુરત નજીકના કાંઠા વિસ્તારોમાં ખાસ કરીને સુવાલી, ડુમસ અને ડભારી દરિયાઈ કિનારા બંધ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓ દ્વારા પણ મુલાકાત લેવાનું શરૂ કરાયું છે. વાવાઝોડાની અસર દરિયાઈ કાંઠા વિસ્તારમાં થવાની છે, ત્યારે અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાતનો દૌ શરૂ કરાયો છે. સુરત જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં આવતાં કુલ 42 ગ્રામ પૈકી ઓલપાડ તાલુકાનાં કેટલાંક મહત્ત્વનાં ગામોની અધિકારી દ્વારા મુલાકાત લેવામાં આવી છે. ઓલપાડ તાલુકાના ટીડીઓ દ્વારા ડભારી ખાતે દરિયાઈ વિસ્તારની મુલાકાત કરવામાં આવી હતી.
દરિયાકાંઠાનાં 42 ગામ પર સતત નજર
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને લઈને અસર દેખાવા માંડી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વાતાવરણમાં કેટલેક અંશે બદલાવ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને પણ સાવધ રહેવા માટે સૂચન કરી દીધું છે. આ અંગે સુરતના ઈન્ચાર્જ કલેક્ટરે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં 12 તારીખ સુધીમાં પહોંચે એવી શક્યતા છે. હાલ અમે એલર્ટ મોડ પર જ છીએ અને વહીવટીતંત્રને પણ એલર્ટ રાખ્યું છે. આ સાથે જ વહીવટી કચેરીઓના મુખ્ય અધિકારીઓને મુખ્ય મથક ન છોડવા સૂચના આપી દેવામાં આવી છે. દરિયાકાંઠાનાં 42 ગામ પર સતત નજર રાખી રહ્યા છીએ.
વડોદરાથી NDRFની બે ટીમ પોરબંદર, ગીર-સોમનાથ અને વલસાડ રવાના
અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઈને ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. ત્યારે સંભવતઃ ચક્રવાતને લઈને વડોદરાના જરોદ ખાતે આવેલી NDRFની 6 બટાલિયનને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. અને આજે જરોદ ખાતેથી NDRFની 6 બટાલિયનની બે ટીમો સંભવત ચક્રવાતને લઈને જરોદ કેમ્પથી અત્યાધુનિક સાધનો સાથે સજ્જ થઇ રેસ્ક્યૂ સામગ્રી સાથે રવાના થઇ હતી. જયારે એક ટીમ આરઆરસી ગાંધીનગર ખાતેથી રવાના થઇ હતી. ચક્રવાતને પગલે વડોદરા જિલ્લા વહીવટી તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું હતું.
ભારે પવન ફૂંકાતાં જૂનાગઢમાં રોપ-વે બંધ
જૂનાગઢના ગિરનારમાં વાતાવારણમાં પલટો આવતાં અને ભારે પવન ફૂંકાતાં રોપ-વે બંધ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ દૂર દૂરથી ભવનાથમાં આવતા હોય છે તેમજ રોપ-વેની સફર કરતા હોય છે. ત્યારે આજે વહેલી સવારે ભારે પવન ફૂંકાતા રોપ વે બંધ કરવામાં આવ્યો છે. પ્રવાસી વિકી જાદવે જણાવ્યું હતું કે અમે લોકો પરિવાર સાથે ગુજરાતમાં ફરવા માટે આવ્યા હતા, ત્યારે ભવનાથ ખાતે વાવાઝોડાની શક્યતા તેમજ ભારે પવન ફૂંકાતાં રોપવે બંધ રાખવામાં આવ્યો છે.
જાફરાબાદનો દરિયો તોફાની બન્યો
અમરેલી જિલ્લામાં આજે પણ બે નંબરનું સિગ્નલ યથાવત્ રાખવામાં આવ્યું છે અને સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર સતત એલર્ટ મોડમાં છે. અમરેલીના જાફરાબાદનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં કરંટ સાથે 15 ફૂટ કરતા પણ વધુ મોજા ઉછળ્યા હતા. દરિયા કાંઠે પવનની ગતિ પણ વધી છે. જેથી સાંજ સુધીમાં બંદર પર લગાવેલા સિગ્નલમાં ફેરફાર થઈ શકે છે, જાફરાબાદના દરિયામાં હાઇટાઈટનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજુલા પ્રાંત અધિકારી, બે મામલતદાર, ટીડીઓ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ પીપાવાવ પોર્ટ જેટી પર પહોંચ્યા હતા. શિયાળબેટ આસપાસ દરિયાની સ્થિતિ અંગે વિઝીટ કરી હતી. દરિયામાં કરંટ વધી રહ્યો છે, ત્યારે શિયાળ બેટ ગામ સમુદ્રના ટાપુ પર આવેલું ગામ છે જેના કારણે તંત્ર સીધી નજર રાખી રહ્યું છે. ઉપરાંત પીપાવાવ પોર્ટ પણ દરિયા કાંઠે આવેલું છે, જેથી તંત્રનો મોટો કાફલો આજે દરિયાકાંઠે જોવા મળી રહ્યો છે.
દરિયાકાંઠે વિમાન મારફત હવાઈ નિરીક્ષણ
ગુજરાત ઉપર વાવાજોડાનો ખતરો જોવા મળી રહ્યો છે. ત્યારે ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. પોરબંદરથી લઈ જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, દરિયાકાંઠે વિમાન મારફત હવાઈ નિરીક્ષણ કર્યું હતું. માછીમારો માછીમારી ન કરે એ માટે તમામ ગતિવિધિ પર ખાનગી રાહે નજર રાખી રહ્યા છે.
દાંડીના દરિયાકિનારે સહેલાણી ઊમટી પડ્યા
બિપરજોય વાવાઝોડાને કારણે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને ગઈકાલે નવસારી જિલ્લા અધિક નિવાસી કલેકટર કેતન જોશી દ્વારા દરિયાના બીચ પર સહેલાણીઓને મનાઈહુકમ ફરમાવ્યો હોવા છતાં પણ સહેલાનીઓ બિનધાસ્તપણે દાંડીના દરિયાકિનારે સેલ્ફી લેતા નજરે પડ્યા હતા. ગુજરાતના દરિયાકાંઠા પર બિપરજોય નામનું વાવાઝોડું ત્રાટકવાની શક્યતા જોવા મળી રહી છે. ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા સાવચેતીનાં પગલાં લઈને સહેલાણીઓના જાનમાલને નુકસાન ન થાય તેવા હેતુથી બીચ પર મનાયહુકમ ફરમાવ્યો હોવા છતાં પણ સહેલાણીઓ જાણે વાવાઝોડાને માણવા માટે નવસારીના ઐતિહાસિક દાંડી દરિયાકિનારે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.
વાવાઝોડું પોરબંદરથી 640 કિલોમીટર દૂર
બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 640 કિલોમીટર દૂર છે. વાવાઝોઝાને લઈને વહીવટી તંત્ર અને પોર્ટ પ્રશાસન એલર્ટ મોડ પર છે. કંડલા પોર્ટમાં કાર્ગો અને ઓઇલ જેટ્ટી પર સામાન્ય કામ કરી રહ્યા છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન એસ.કે. મહેતાએ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સાથે મિટિંગ હતી. એને તમામ કર્મચારીઓ અધિકારીઓને એલર્ટ મોડ પર રહેવા જણાવ્યું હતું. સાવચેતીના ભાગરૂપે પોરબંદર બંદર પર હાલમાં 2 નંબરનું સિગ્નલ યથાવત્ રાખવામાં આવ્યું છે અને માછીમારોને દરિયામાં ન જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે.
ભાવનગરમાં તાપમાનનો પારો 40 ડીગ્રીએ પહોંચ્યા
બિપરજોય વાવાઝોડાન પગલે તંત્ર દ્વારા તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી હતી, જેને લઈ માછીમારો દ્વારા પોતાની બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે, આમ, ઘોઘા બંદરે 2 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે અને પોલીસનો પણ સુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભાવનગરમાં આજે ન્યૂનતમ તાપમાન 27.7 ડીગ્રી રહેવા પામ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ 41 ટકા જેટલું રહ્યું હતું અને 30 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો, જ્યારે આજે મહત્તમ તાપમાન 40.1 ડીગ્રી નોંધાયું હતું, આમ, એક અઠવાડિયા બાદ ભાવનગરમાં તાપમાનનો પારો 40 ડીગ્રીને પાર થયો હતો.
માંડવી બીચ 12 જૂન સુધી સદંતર બંધ કરાયો
અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડુંની શક્યતાને પગલે માંડવી બીચને 9થી 12 તારીખ સુધી સદંતર બંધ કરાયો છે. દરિયાકિનારા પર ખાણીપીણી સહિતનો વેપાર કરતા લોકોને માલસામાન સાથે ત્યાંથી સ્થાનાંતર થવા તંત્રએ સૂચના આપી દીધી છે. આ ઉપરાંત કરછ વહીવટી તંત્ર દ્વારા જિલ્લાનાં તમામ નાનાં-મોટાં સાતેય બંદર પર બહાર લોકોની અવરજવર બંધ કરાવી છે. આગળની સૂચના ના મળે ત્યાં સુધી દરિયાકિનારા પર પ્રવેશ પ્રતિબંધ કરાયો છે. દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ ગત રાતથી પોલીસ દ્વારા બેરીકેડ લગાવીને બંદોબસ્ત ગોઠવાયો હતો. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પ્રવેશબંધી છતાં અનેક પ્રવાસીઓ દરિયામાં ન્હાવાની મોજ માણતા જોવા મળ્યા હતા.
વલસાડનો તિથલ બીચ સહેલાણી માટે બંધ, 28 ગામને એલર્ટ
વાવાઝોડાને લઇ વલસાડ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. વહીવટીતંત્ર દ્વારા શુક્રવાર વલસાડના તિથલને બીચ સહેલાણી માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તિથલ બીચ પર આવેલી દુકાનો અને સ્ટોલ- સંચાલકોને એનો જરૂરી સામનો કાઢી લેવા માટે સૂચના આપવામાં આવી છે. બીચ પરથી સહેલાણીઓને દૂર કરવામાં આવ્યા છે અને તિથલ બીચ ઉપર પોલીસ- બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લાનાં 28 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ મામલતદાર તેજલબેન પટેલે જણાવ્યું હતું કે, સાવચેતીના ભાગરુપે 14 જૂન સુધી બીચ સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવશે.
દમણમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
દમણના દરિયાકિનારે પણ 2 નંબરનું સિગ્નલ યથાવત્ રાખવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વાવાઝોડાની પરિસ્થિતિ દરમિયાન જરૂરી તકેદારી રાખવા અંગે જાણકારી આપી છે. વાવાઝોડામાં વધુ કરંટ જોવા મળે તો દરિયાકિનારાનાં ગામોમાં બનાવેલા સેલ્ટર હોમ પર પહોંચી જવા જાગૃતિ શાળાઓમાંથી શિક્ષકો દ્વારા સૂચના આપવામાં આવી રહી છે.
નવાબંદર દરિયાકાંઠે 700થી વધુ બોટ લાંગરી દેવાઈ
અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઈ ઉનાના નવાબંદર દરિયાકાંઠે 2 નંબરનું સીગ્નલ યથાવત્ રાખવામાં આવ્યું છે. હાલ નવાબંદર દરિયાકાંઠે નાની-મોટી 700થી વધુ બોટ, જ્યારે સૈયદ રાજપરા બંદરકાંઠે 600 જેટલી બોટો લાંગરી દેવામાં આવી છે. નવાબંદર મરીન પોલીસ તેમજ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા બિપરજોય વાવાઝોડું સક્રિય થયું હોવાથી માછીમારોને સૂચના આપી દેવામાં આવી છે આગામી દિવસોમાં ભયંકર વાવાઝોડાને લઇ માછીમારોને જાનમાલની હાનિ ન થાય એની તકેદારી રાખવા ફિશીરીઝ ઓફિસ બહાર સૂચના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે.
લોકોની સલામતી માટે શાળામાં વ્યવસ્થા કરાઈ
નવાબંદરના સરપંચ સોમવારભાઇ મજીઠિયાએ જણાવ્યું હતું કે, નવાબંદર મરીન પોલીસ અને ફિશરીઝ દ્વારા જાણ કરવામાં આવી છે કે બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાંથી પસાર થાય છે, જેથી વાવાઝોડાને પગલે લોકોની સલામતી માટે વ્યવસ્થા કરવા અને તકેદારી રાખવા જણાવ્યું હતું. તાઉતે વાવાઝોડામાં તો ભારે નુકસાન થયું હતું. ત્યાં આ વખતે ફરીવાર વાવાઝોડું આવે તો અતિભારે નુકસાન થવાની સંભાવના છે. હાલ સરપંચે માછીમાર આગેવાનો અને ગ્રામજનો સાથે મિટિંગ બોલાવી વાવાઝોડાની વધુ અસર વર્તાય તો ઝૂંપડપટ્ટીના લોકોની સલામતી માટે શાળા તેમજ ગામના ચોરામાં વ્યવસ્થા કરવામાં આવી છે.
મરીન પોલીસ દ્વારા લોકોને તકેદારી રાખવા સૂચના
નવાબંદર ગામના માછીમાર આગેવાન મોહનભાઇએ જણાવ્યું હતું કે હાલ તો માછીમારીની સીઝન બંધ છે, પરંતુ જો વાવઝોડુ આવે તો તેમની કફોડી પરિસ્થિતિ થાય, કેમ કે પાર્કિગ કરેલી બોટો છે એ બધી ભાંગી પડે. જેમ અગાઉ બે વર્ષ પહેલાં આવેલા તાઉતે વાવાઝોડામાં ભારે નુકસાની થઇ હતી અને માછીમારોને આર્થિક રીતે ફટકો પડ્યો હતો. એમાંથી માંડ માંડ બહાર આવ્યા તો બીજું વાવાઝોડુ માથે આવે છે, જેથી માછીમારોને મોટે પાયે નુકસાન થાય એમ છે. પોલીસ એન ફિશીરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા સૂચના આપવામાં આવી છે કે બિપરજોય વાવાઝોડુ અહીંથી પસાર થશે. અહીં વાવાઝોડા માટે સિગ્નલ પણ મૂકી દેવામાં આવ્યું છે.
કચ્છના દરિયાકિનારે પવનની ગતિ વધી
આ તરફ કચ્છના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જિલ્લાનાં તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ યથાવત્ રાખવામાં આવ્યું છે, જ્યારે કંડલા દીન દયાળ પોર્ટ બહાર ખાણીપીણીનો વેપાર કરતા લારી-ગલ્લાધારકોને તંત્ર દ્વારા દૂર ખસેડવાની નોટિસ અપાઈ છે.