
ગૃહમંત્રીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનો કર્યો ઉલ્લેખ, જિલ્લા કલેક્ટરએ મંદિરની પ્રત્યક્ષ મુલાકાત લઈ કર્યું નિરિક્ષણ
વાવાઝોડાની પરિસ્થિતિને અનુલક્ષી પર્યટકો માટે લાઈટ એન્ડ સાઉન્ડ શો તેમજ સમુદ્ર દર્શન વૉક વે બંધ


બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને લક્ષમાં લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, જામનગર, રાજકોટ, મોરબી જિલ્લાની વાવાઝોડા સંદર્ભે તૈયારીઓ તેમજ રાહત બચાવ, સ્થળાંતર, વીજ પૂરવઠો વગેરે કામગીરીની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. ગૃહમંત્રીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કલેકટર એચ.કે વઢવાણિયાએ જનપ્રતિનિધિઓ સાથે સોમનાથ મંદિરની મુલાકાત લઈ યાત્રિકોની સુરક્ષા તેમજ આગોતરા આયોજન અંગે માહિતી મેળવી હતી.
ગીર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી એચ.કે વઢવાણિયા, ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડ, પ્રદ્યુમનભાઈ વાજા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજાએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની પ્રત્યક્ષ મુલાકાત લઈ જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા પાસેથી મંદિરની વ્યવસ્થા, યાત્રિકોની સુરક્ષા, સગવડતા તેમજ વાવાઝોડા સંદર્ભે આગોતરા આયોજન અંગે માહિતી મેળવી હતી.
ઉપરાંત ગૃહમંત્રીશ્રી દ્વારા સંભવિત બિપોરજોય વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખી આગોતરું આયોજન કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રભારી સચિવ જેનુ દેવાન, અધિક કલેક્ટર શ્રી બી.વી.લિંબાસિયા સહિત શીર્ષ અધિકારીઓએ પણ વાવાઝોડા સંદર્ભે જરુરી તકેદારીઓ રાખવા માટે માર્ગદર્શન મેળવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સોમનાથ મંદિર દ્વારા જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી પર્યટકો માટે લાઈટ એન્ડ સાઉન્ડ શો તેમજ સમુદ્ર દર્શન વૉક વે તેમજ રેલવે સ્ટેશનથી સોમનાથ આવતી જતી બસ પણ બંધ કરવામાં આવી છે. ઉપરાંત યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ ભારે હોર્ડિંગ્સ પણ ઉતારી લેવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન પડે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ સતત સુવિધાયુક્ત પગલા લઈ રહ્યું છે પરંતુ બહારથી આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે દર્શને ન આવવા અપીલ કરવામાં આવી છે.
અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)