એમ્બુલન્સ વ્યવસ્થા, મહેકમ વગેરે બાબતો તેમજ સંસાધન અંગે કામગીરીની કરી સમીક્ષા
મંત્રીએ નવજાત શિશુના માતાને ‘બેબી કિટ’ આપી સ્વાસ્થ્ય અંગે પૃચ્છા કરી
મહિલા અને બાળવિકાસ અને આયુષ કેન્દ્રીય રાજયમંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાએ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આદ્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ દરિયાઈ વિસ્તારની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ સંભવિત બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર્સ, હેલ્થવર્કર તેમજ કર્મચારીઓને આવશ્યક સૂચનો આપ્યા હતા અને તૈયારીઓનું નિરિક્ષણ કર્યુ હતું.
મંત્રીએ આરોગ્ય કેન્દ્રની એમ્બુલન્સ વ્યવસ્થા, મહેકમ વગેરે બાબતો તેમજ સંસાધન અંગે કામગીરીની સમીક્ષા કરી હતી અને પ્રાથમિક જરૂરિયાતની તમામ દવાનો સ્ટોક પૂરતા પ્રમાણમાં રાખવા તાકીદ કરી હતી. મુલાકાત દરમિયાન મંત્રીએ આરોગ્ય કેન્દ્રમાં નવજાત શિશુના માતાને ‘બેબી કિટ’ આપી સ્વાસ્થ્ય અંગે પૃચ્છા કરી હતી.
આ તકે, પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા, પૂર્વ બીજ નિગમ ચેરમેન રાજશીભાઈ જોટવા તેમજ અગ્રણીઓ મહેન્દ્રભાઈ પીઠિયા, માનસિંહભાઈ પરમાર તેમજ મેડિકલ ઓફિસર એ.જે.અંકલેશ્વરિયા સહિત આરોગ્યકેન્દ્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા.
અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)