News Updates
RAJKOT

સુરક્ષા કરતાં ફાયરના જ 100 જવાનો ભયના ઓથારમાં!:રાજકોટમાં ફાયર વિભાગની મુખ્ય કચેરી જ ખખડધજ, ઠેર ઠેર તિરાડો, ગેલેરીમાંથી પડે છે પોપડા, રૂમોમાં ભેજ લાગતા બાંધકામ નબળું પડ્યું

Spread the love

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જર્જરિત બિલ્ડિંગોને લઈને ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પરંતુ દીવાતળે અંધારું હોય તેમ મનપાના ફાયર વિભાગની મુખ્ય કચેરી જ ખખડધજ હાલતમાં જોવા મળી રહી છે. આ બિલ્ડિંગમાં ઠેર-ઠેર તિરાડો પડી ગઈ છે. ગેલેરીમાંથી પોપડા પડતા જવાનોના જીવ જોખમમાં મુકાયા છે. તેમજ રૂમોમાં ભેજ લાગતા બાંધકામ નબળું પડ્યું છે. આ કચેરીમાં ફાયર વિભાગના 100 જવાન કામ કરી રહ્યા છે જે ખખડધજ બિલ્ડિંગને કારણે ભયના ઓથાર હેઠળ મુકાયા છે.

સલામત સ્થળે ખસેડતો ફાયર વિભાગ જ જોખમમાં
ફાયર વિભાગની આ મુખ્ય કચેરીનું નવીનીકરણ કરવા અનેક વખત ચર્ચાઓ થઈ છે. પણ હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ફાયર વિભાગનો જ સ્ટાફ શહેરભરમાં જર્જરિત આવાસમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાનું કામ કરે છે. છતાં ફાયર વિભાગની જ મુખ્ય કચેરી જર્જરિત હાલતમાં હોવાથી લોકોમાં અનેક સવાલો ઊઠી રહ્યા છે.

આ કચેરીમાં બે વિંગ, બંનેની હાલત નબળી
મનપાની આ કચેરીમાં પહેલા માળે ગેલેરી જર્જરિત થઈ છે અને તેમાંથી પોપડા ખરે છે. પ્લાસ્ટરના સળિયા દેખાઈ રહ્યા છે. છતમાંથી પણ ગમે ત્યારે પોપડા પડવાની ઘટનાઓ રોજિંદી બની છે. આ કચેરીમાં બે વિંગ છે અને બંનેની હાલત નબળી હોઇ અહીં કામ કરનારો સ્ટાફ જોખમ વચ્ચે કામ કરી રહ્યો છે. માત્ર ગેલેરી જ નહીં અંદરના રૂમમાં પણ ભેજ ઊતરતા બાંધકામ નબળું થઈ ગયાનું સાબિત થાય છે. વરસાદ, વાવાઝોડા, આગ કે કુદરતી આફત સમયે 24 કલાક ધમધમતી રહેતી ફાયર શાખામાં નબળી ઈમારત હોવાથી સ્ટાફ ભયના ઓથાર હેઠળ કામ કરે છે.

રિનોવેશન માટે બજેટમાં દરખાસ્ત મૂકી હતી
આ અંગે ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેરે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાનું મુખ્ય ફાયર સ્ટેશન કનક રોડ પર આવેલું છે. જે જર્જરિત હાલતમાં હોવાથી તેના રિનોવેશન અંગે આ બજેટમાં દરખાસ્ત મૂકી હતી. જેની મંજૂરી પણ મળી છે અને ટૂંક સમયમાં આ કચેરીનું નવીનીકરણ શરૂ થશે. આ ફાયર સ્ટેશનમાં 100 જેટલા જવાનો કાર્યરત છે.

નવું બિલ્ડિંગ બનાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ
વધુમાં જણાવ્યું હતું કે, નવું બિલ્ડિંગ બનાવવા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેમજ હાલ બિલ્ડિંગનો જે ભાગ જર્જરિત છે ત્યાના સ્ટાફને સલામત સ્થળે ખસેડવા ટૂંક સમયમાં કાર્યવાહી શરૂ થશે. મનપાના સિટી ઇજનેર વિભાગ દ્વારા નવું બિલ્ડિંગ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.


Spread the love

Related posts

RAJKOT:ધોધમાર વરસાદ ખાબક્યો  જસદણ પંથકમાં ગાજવીજ સાથે,ખેતરો પાણીમાં ગરકાવ

Team News Updates

વાવાઝોડાના કપરા સમયમાં ખુશીના સમાચાર:રાજકોટ જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં 12થી 17 જૂન દરમિયાન 107 સગર્ભાઓની સલામત ડિલિવરી, પદ્મકુંવરબા હોસ્પિ.માં 42 કલાકમાં 22 બાળકનો જન્મ

Team News Updates

Rajkot:મામાના હાથે ભાણેજની હત્યા આડા સંબંધની શંકાએ :સાંજે ફોન કરીને ધમકાવ્યો હતો,વિંછિયાના 22 વર્ષીય યુવકને ધારદાર હથિયારોના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

Team News Updates