- રત્ન કલાકારનો પગાર 10 લાખ ને રાજકીય પક્ષને 5 લાખનું દાન, ITએ તપાસ્યું તો કંપની જ લપેટાઈ ગઈ
- શહેરની અન્ય મોટી ફેક્ટરીઓના પણ હિસાબ આઇટી તપાસશે
આઇટીએ તાજેતરમા જ કેટલીક હીરા કંપનીઓના હિસાબો પર મૂકેલા બિલોરી કાચના લીધે કેટલાંક ચોંકાવનારા ટેકનિકલ લોચા ખુલ્યા છે. કેટલાંક શંકાશીલ લાગી રહ્યા હોય આઇટીએ ઊંડાણપૂર્વક તપાસ કરતા બે કંપનીઓના 40 કરોડથી વધુના ખર્ચા રદ કરી દેવામાં આવ્યા છે. કંપનીઓએ કર્મચારીઓને એક ટાઇમ ખવડાવવાનો જંગી ખર્ચ બતાવ્યો હતો અને તેની પર ટેક્સ બાદ માગ્યો હતો.ઉપરાંત તેની પર ટીડીએસ સુધ્ધા ભર્યું ન હતુ. હવે આઇટીએ અંદાજે 5 કરોડથી વધુની રિકવરી કાઢી છે.
આ સાથે જ અન્ય કંપનીઓ પણ આ જ મોડસ ઓપરેન્ડીથી કામ કરી રહી હોવાની માહિતી આઇટીને મળતા આવનારા સમયમાં અનેક ડાયમંડ કંપનીઓ સાણસામાં આવી શકે છે. ડાયમંડ બુર્સની શરૂઆત અગાઉ ડાયમંડ કંપનીઓનું હિસાબોનું મીસમેનેજમેન્ટ સામે આવતા આઇટી અધિકારીઓ પણ સતર્ક થઈ ગયા છે. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરની હીરા કંપનીઓમાંથી અંદાજે 400 કરોડથી વધુની રિકવરી નિકળી શકે છે.
શું છે સમગ્ર મામલો: ખવડાવીને સેવા, પાછળથી ટેક્સમાં માફી
આઇટી અધિકારીઓએ જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી તો કેટલાંક ખર્ચા એવા હતા જે ચોંકાવનારા હતા. ખાસ કરીને કર્મચારીઓનો જમવાનો ખર્ચ 15થી 20 કરોડ બતાવવામાં આવ્યો હતો. બાદમાં આ ખર્ચા પર ટેક્સ બાદ માંગવામાં આવ્યો હતો. એક અધિકારીએ કહ્યું કે આ ખર્ચા પર ટીડીએસ પણ ભરવામાં આવ્યું ન હતું. એક રીતે ડિપાર્ટમેન્ટને ખર્ચા પર ટેક્સ પણ ભરવામાં આવ્યો હતો. આથી ડિપાર્ટમેન્ટ દ્વારા બાકી ટેક્સ ભરવા માટે નોટિસ આપવામાં આવી હતી. કંપનીઓ દ્વારા ખર્ચા બાદી કરીને રિટર્ન પણ ફાઇલ કરી દેવામાં આવ્યું હતું. હાલ આ સમગ્ર મામલો એક નાણાકીય વર્ષ પૂરતો છે, આઇટી કંપનીઓના છ વર્ષના હિસાબો તપાસવાની પ્રોસિજરમાં છે. આ ઉપરાંત અન્ય ડાયમંડ કંપનીઓના ખર્ચાઓના ક્લેઇમ પર પણ નજર દોડાવવામાં આવી હતી.
5 લાખનું દાન આપી કર્મચારીએ આઇટી રિટર્ન 10 લાખ ભર્યું
આઇટીએ માત્ર ફંડ ઉઘરાવતી પોલિટિકલ પાર્ટીઓને અને કેટલીક એનજીઓમાં તપાસ કરી હતી જેમાં દાન આપનારાઓના રિટર્ન પણ ચકાસવામાં આવ્યા હતા. તેમાં સામે આવ્યું હતું કે સુરતની એક ડાયમંડ પેઢીના કર્મચારીએ રૂપિયા 5 લાખનું દાન આપ્યું હતું. તેનું આઇટી રિટર્ન ચેક કરવામાં આવ્યું તો તે રૂપિયા 10 લાખ હતું. એટલે અધિકારીઓ ચોંક્યા હતા અને તપાસ આગળ ધપાવતાં કંપનીના જ હિસાબોમાં કેટલીક આશંકાઓ સામે આવી હતી.
છ વર્ષના હિસાબો ચકાસવામાં આવે તો તપાસ લંબાશે
એક અધિકારીએ કહ્યું કે હાલ 1 વર્ષના હિસાબોમાં આ ભૂલો સામે આવી છે. આથી 6 વર્ષના હિસાબો પણ ચકાસવામાં આવી શકે છે. કેમકે શંકા એ વાતની છે કે જે ખર્ચા હાલ બાદ લેવામાં આવ્યા છે કે માંગવામાં આવ્યા છે તે અગાઉના વર્ષોમાં પણ હશે. ડિપાર્ટમેન્ટ વધુમાં વધુ 6 વર્ષના હિસાબો જ ચેક કરી શકે છે એટલે એ રીતે તપાસ આગળ વધી શકે છે. હવે અન્ય ડાયમંડ કંપનીઓ રિટર્ન ફાઇલ કરશે ત્યારે આવા ક્લેઇમ પર આપોઆપ બિલોરી કાચ મૂકાશે.