News Updates
AHMEDABAD

ચોટીલા દર્શન કરી પરત ફરી રહેલા પરિવારનો છોટાહાથી ટ્રક પાછળ ઘૂસ્યો, 5 મહિલા, 3 બાળક, 2 પુરુષનાં ઘટનાસ્થળે મોત, 10ને ઈજા, CMએ દુઃખ વ્યક્ત કર્યું

Spread the love

અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માત થયો છે, જેમાં 5 મહિલા, 3 બાળક સહિત 10 લોકોનાં મોતની આશંકા છે. ટ્રક પાછળ મિની ટ્રક ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં 10 વ્યક્તિનાં મોત થયાંનું જાણવા મળ્યું છે, જ્યારે 10 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ અકસ્માત બાવળા-બગોદરા વચ્ચે અને અમદાવાદથી 50 કિમી દૂર થયો છે.

CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કરતાં લખ્યું છે કે અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલા અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોનાં પરિવારજનોની સાથે છે.

પંચર થયેલી ટ્રક પાછળ છોટાહાથી ઘૂસ્યો
અકસ્માતમાં 10 લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. કપડવંજ અને બાલાસિનોરના 17 લોકો છોટાહાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બાવળા-બગોદરાની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઊભી હતી. ત્યારે અચાનક ઊભેલી ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતાં ઘટનાસ્થળે 10 લોકોએ દમ તોડી દીધો હતો. આ અંગે અમદાવાદ જિલ્લા ડીએસપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે હાલ તમામ મૃતકોના પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે

3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
છોટાહાથીની અંદર આગળ 3 લોકો અને પાછળ 10 લોકો બેઠા હતા. ચોટીલા દર્શન કરી પરત ઘરે જઈ રહ્યા હતા, ત્યારે બગોદરા-બાવળા વચ્ચે હાઈવે પર અકસ્માત નડ્યો હતો, જેમાં 10નાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં, જ્યારે 10ને ઈજા પહોંચી છે. 10માંથી 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ લોકો કપડવંજના સુણદા ગામના રહેવાસીઓ છે.

ઈજાગ્રસ્તોને અમદાવાદ હોસ્પિટલ ખસેડાયા
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ લોકોને અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં અને પાંચ ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં કુલ આઠ લોકો હાલ ઇજાગ્રસ્ત છે. સિવિલ હોસ્પિટલમાં મીડિયા ઉપર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. હોસ્પિટલ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, કોઈ પણ મીડિયા કર્મીને અંદર પ્રવેશ આપવો નહીં.

અકસ્માતથી ટ્રાફિકજામની સ્થિતિ
અકસ્માતના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે તેમજ લોકોનાં ટોળાં પણ ઊમટ્યાં છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાઈવે પર લોહીની નદી વહી હોય એવું જાણવા મળ્યું છે. હાલ વધુમાં જણાવા મળ્યું છે કે ચોટીલાથી દર્શન કરી પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે ટ્રક પાછળ છોટાહાથી ઘૂસી જતાં 10 વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે.


Spread the love

Related posts

મેઘરાજા 2 દિવસ ધમરોળશે:ઉત્તર ગુજરાતમાં એક્ટિવ થનારા સાઇક્લોન સર્ક્યુલેશનની અસર દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળશે, 4-5 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

Team News Updates

વડાપ્રધાનની ડિગ્રી માગવાનો કેસ:દિલ્હીના CM કેજરીવાલે વકીલ મારફત ગુજરાત હાઇકોર્ટમાં ચુકાદા પર રિવ્યૂ પિટિશન દાખલ કરાવી, 30 જૂને સુનાવણી

Team News Updates

બિસ્માર રસ્તાઓ રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે થયેલી અરજી પર કોર્ટમાં થઈ સુનાવણી, બેફામ ટ્રાફિકની વ્યવસ્થા સામે હાઈકોર્ટે કરી ટકોર

Team News Updates