ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં નવા કુલપતિની નિમણૂક કરવામાં આવી છે. પરંતુ અગાઉ ઇન્ચાર્જ કુલપતિ હતા ત્યારે પરીક્ષા, પરિણામ અને પ્રવેશ એકેડેમિક કેલેન્ડર મુજબ ચાલ્યું નહોતું ત્યારે નવા કુલપતિ સામે આ તમામ મુદ્દા ચેલેન્જ સમાન છે. નવા કુલપતિ ટેકનિકલ ક્ષેત્રેથી આવે છે જેથી ઇજનેરી ક્ષેત્રના અધ્યાપકોએ નવા કુલપતિને મળીને આ અંગે રજૂઆત કરી હતી.
જૂના કુલપતિ વખતે અનેક સમસ્યા હતી
GTUમાં જાન્યુઆરીથી લઈને ઓગસ્ટ સુધી ઇન્ચાર્જ કુલપતિ હતા. ત્યારે અનેક સમસ્યાઓ સર્જાઇ હતી. જેમ કે, એકેડેમિક કેલેન્ડર મુજબ સમયસર પરીક્ષા ન લેવાય, સમયસર પરીક્ષાનું પરિણામ તૈયાર ન થાય, પરીક્ષાના પ્રશ્નપત્રો અને તેના પરિણામ માટેની અવ્યવસ્થાઓ, ઈ-એસેસમેન્ટનું સોફ્ટવેર અને પ્રાયોગિક પરીક્ષાના પ્રશ્નો તથા અન્ય પરીક્ષા સંચાલનને લગતી બાબતે અનેક મુશ્કેલી થઈ હતી. આ અંગે અનેક વિદ્યાર્થીઓએ રજૂઆત પણ કરી હતી.
નવા કુલપતિ હકિકતથી વાકેફ છે
GTUમાં નવા કુલપતિ રાજુલ ગજ્જર ટેકનિકલ ક્ષેત્રથી જ આવે છે. તે અગાઉ એલ.ડી. એન્જિનિયરિંગના પ્રિન્સીપાલ પણ રહી ચૂક્યા છે. તેઓ હકિકતથી વાકેફ છે. જેથી તેમની સામે પણ અગાઉની જેમ એકેડેમિક કેલેન્ડર પુર્વનિયોજીત રીતે અમલી થાય, સમયસર પરીક્ષા લેવાય, સમયસર પરીક્ષાનું પરિણામ તૈયાર થાય, પરીક્ષાના પ્રશ્નપત્રો અને તેના પરિણામ માટેની વ્યવસ્થાઓ સારી રીતે ચાલે, ઈ-એસેસમેન્ટનું સોફ્ટવેર અને પ્રાયોગિક પરીક્ષાના પ્રશ્નો તથા અન્ય પરીક્ષા સંચાલનને લગતી બાબતો ચેલેન્જરૂપ છે.
18 જેટલા પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવો
ઇજનેરી કોલેજોના અધ્યાપક મંડળ પણ નવા કુલપતિને મળ્યું હતું અને અગાઉના પ્રશ્નોનું હવે સારી રીતે નિરાકરણ આવે તે માટે રજૂઆત કરી હતી. મંડળના હોદ્દેદારોએ વિવિધ 18 જેટલા પ્રશ્નોનું સત્વરે નિરાકરણ આવે એ માટે એક પત્ર પણ પાઠવ્યો છે. આ પત્રમાં એકેડેમિક કેલેન્ડર મુજબ GTUનું સંચાલનને લગતી બાબતો વગેરેનું વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના હિતમાં આ પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે રજૂઆત કરી છે.