અમદાવાદમાં એક અકસ્માતની એક અજીબ ઘટના બની છે. ચાલુ રિક્ષાએ આગળનું ટાયર અચાનક જ નીકળી જતા રિક્ષા હવામાં ઉછળી ફંગોળાઈ ત્યારબાદ ગલોટ્યું મારી ઊંધેકાંધ પટકાઈ હતી. જોકે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. રિક્ષાચાલકને સામાન્ય ઈજા થઈ છે. આસપાસ અન્ય વાહનચાલક ન હોવાથી મોટી દુર્ઘટના પણ ટળી છે. આ સમગ્ર અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે.
સીસીટીવીમાં શું દેખાય છે?
સીસીટીવીમાં જોવા મળતી વિગત મુજબ રોડ પર રિક્ષા પૂરપાટ ઝડપે ચાલી રહી છે. ત્યારે આગળ-પાછળ પણ વાહનો દોડી રહ્યા છે. પરંતુ રિક્ષાનું આગળનું ટાયર અચાનક નિકળી જતા પહેલા રિક્ષા આગળથી ઊંચી થાય છે પરંતુ બીજી જ ક્ષણે રિક્ષા હવામાં ફંગોળાઈ ફૂટબોલની જેમ ગલોટ્યું મારી ઊંધેકાંધ પટકાઈ હતી. બાદમાં આપોઆપ રિક્ષા ફરી સીધી થઈ ગઈ હતી. બાદમાં આસપાસમાંથી લોકો દોડી આવે છે અને રિક્ષાચાલકને સહી સલામત બહાર કાઢે છે.
રિક્ષા ચંડોળા તળાવથી નારોલ તરફ જતી હતી
વિગત જાણે એવી છે કે, ચંડોળા તળાવથી નારોલ તરફ જતા રસ્તા પર 21 સપ્ટેમ્બરે બપોરના સમયે એક રિક્ષાચાલક રિક્ષા લઈને જઈ રહ્યો હતો, ત્યારે અચાનક જ રિક્ષાનું આગળનું ટાયર ચાલુ રિક્ષાએ નીકળી ગયું હતું. જેના કારણે રિક્ષા ફિલ્મની જેમ હવામાં ઉછળી અને પલટી ગઈ હતી. અકસ્માત થતાં રિક્ષાચાલકનો જીવ તાળવે ચોંટી ગયો હતો. પરંતુ આસપાસ અન્ય કોઈ વાહન ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી અને અન્ય વાહનચાલકને પણ કોઈ નુકસાન થયું નથી.
રિક્ષાચાલકને સામાન્ય ઈજા પહોંચી
રિક્ષાચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી. આસપાસના લોકોએ દોડીને રિક્ષા ઊભી કરીને રિક્ષાચાલકની મદદ કરી હતી. અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતાં પોલીસ ચોપડે પણ કોઈ નોંધ લેવાઈ નથી. અકસ્માત થયો ત્યારે પાસેની દુકાનના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. અન્ય વાહનચાલક પાસે હોત તો મોટી જાનહાનિ થઈ શકતી હતી, પરંતુ સદનસીબે જાનહાનિ ટળી છે.