લોકોની આતુરતાનો હવે અંત આવશે, કારણ કે આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જૂનાગઢની શાન ગણાતા ઉપરકોટના કિલ્લાના ખુલ્લો મુકશે. જેને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારી કરી દેવામાં આવી છે. જૂનાગઢના રોડ રસ્તાઓને રીપેર કરવામાં આવ્યા છે તેમજ ઉપરકોટના કિલ્લાને પણ સફાઈ કરી આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
જૂનાગઢ ભાજપ શહેર પ્રમુખ પુનિત શર્માએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 28 તારીખે જૂનાગઢ પધારવાના હોય ત્યારે ઉપરકોટનો કિલ્લો લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. તેમજ વહીવટી તંત્ર અને કોર્પોરેશન દ્વારા વિવિધ લોકાર્પણના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહેવાના છે તેમજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાનું સંમેલન પણ યોજાશે.
આવતીકાલે મુખ્યમંત્રી સવારે 10:00 કલાકે પીટીસી હેલીપેડ ખાતે આગમન કરશે અને ત્યારબાદ બગડું ખાતે એક સમારંભમાં હાજરી આપશે અને ત્યાંથી મુખ્યમંત્રી ગિરનાર ખાતે માં અંબાના દર્શને જશે અને દર્શનથી પરત ફરિયાદ રીનોવેશન કરેલા અને જૂનાગઢની શાન સમાન ઉપરકોટના કિલ્લાને લોકો માટે ખુલ્લો મુકશે. ટાઉનહોલ ખાતે વહીવટી તંત્ર અને કોર્પોરેશન દ્વારા વિવિધ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિ મોરચાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજરી આપશે.