દેશમાં અને ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. રોજે રોજ અનેક લોકો હાર્ટ એટેકનો શિકાર બને છે અને તેમાં પણ નાના બાળકોથી લઈ યુવક યુવતીઓ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. હાર્ટ એટેકના આટલા બધા કેસો પાછળ કયું કારણ જવાબદાર છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. કસરત કરતાં, ગરબા રમતા કે અન્ય કોઈ કામ કરતી વેળાએ હાર્ટ એટેકનો ભોગ બનનારા લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે ભાવનગરમાં 18 વર્ષીય એક યુવતીને હાર્ટ એટેકનો (Heart Attack) હુમલો આવતા યુવતીનું મૃત્યુ થયાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કોરોનાકાળ પછી નાની વયના લોકોમાં હાર્ટ એટેક સામાન્ય બાબત બની ગઈ છે ત્યારે ભાવનગરના તળાજા તાલુકાના નવા દેવળી ગામમાં જીજ્ઞા બારૈયા નામની યુવતી ખેતરેથી ઘરે આવી અને તેની માતાને ભવાઈ જોવા જવાનું કહ્યું. ભવાઈ જોવા જતાં પહેલાં થોડોક આરામ કરવા યુવતી પલંગમાં ઊંઘી ગઈ હતી. જીજ્ઞાને ઊંઘમાં જ હાર્ટ એટેકનો હુમલો આવતા યુવતીનું હૃદય બંધ પડી ગયું હતું. યુવતીને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી. એકાએક યુવતીનું મૃત્યુ થતાં પરિવારજનોએ પણ હતપ્રભ થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, જામનગરના સિક્કા ગામે પણ 37 યુવકને હાર્ટ એટેક આવતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવકનુ મૃત્યુ થયું હતું. 11 વર્ષનું બાળક પણ હાર્ટ એટેકનો ભોગ બને ત્યારે હાર્ટ એટેકની સમસ્યા ગંભીર બની રહી હોવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.