પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે કહ્યું- ભારત આપણી જમીન પર આતંકવાદ વધારી રહ્યું છે. તેઓ હવે એટલી હદે આવી ગયા છે કે તેઓ દેશમાં ઘુસીને પાકિસ્તાની નાગરિકોને મારી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન એ ભારતની આદત બની રહી છે.
હવે ઘણાં દેશો પણ આની સામે અવાજ ઉઠાવી રહ્યા છે. અમે અમારા નાગરિકોની સુરક્ષા માટે આ ષડયંત્રોને નિષ્ફળ બનાવતા રહીશું. વાસ્તવમાં સોમવારે પાકિસ્તાનમાં કાશ્મીર એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ દરમિયાન આર્મી ચીફ ભારત-પાકિસ્તાન બોર્ડર લાઇન ઓફ કંટ્રોલ (LOC) પર પહોંચ્યા હતા. તેમણે કહ્યું- જો કોઈ દેશ પર હુમલો કરે છે અથવા અમારી પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન કરે છે, તો સેના પૂરી તાકાતથી જવાબ આપશે.
આર્મી ચીફે કહ્યું- ભારતે ઘણી વખત LOC પર યુદ્ધવિરામનો ભંગ કર્યો
પોતાના સંબોધનમાં જનરલ મુનીરે કહ્યું- અમારી સેના જોખમથી સારી રીતે વાકેફ છે. અમે કોઈપણ હુમલાનો જવાબ આપવા માટે હંમેશા તૈયાર છીએ. પાક આર્મી ચીફે એવો પણ આરોપ લગાવ્યો છે કે ભારત દ્વારા ઘણી વખત એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
આ પહેલા પાકિસ્તાનના કેરટેકર પીએમ અનવર-ઉલ-હક કાકર, પીઓકેના વડાપ્રધાન ચૌધરી અનવારુલ હક અને આર્મી ચીફ PoKના મુઝફ્ફરાબાદ પહોંચ્યા હતા. અહીં તેમણે પાકિસ્તાનના શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી હતી.
કેરટેકર પીએમે કહ્યું- કાશ્મીરીઓ ભારત સામે લડી રહ્યા છે
કાકરે કહ્યું- છેલ્લાં 76 વર્ષમાં ઘણા કાશ્મીરીઓએ બલિદાન આપ્યા છે. આજે તેમને શ્રદ્ધાંજલિ આપવાનો અવસર છે. ભારતીય સેના કાશ્મીરમાં સતત અત્યાચાર કરી રહી છે. ત્યાંના લોકો તેની સામે સંઘર્ષ કરી રહ્યા છે. કાશ્મીરમાં હાજર ખતરો સમગ્ર વિસ્તારની શાંતિ અને સ્થિરતા પર પ્રતિકૂળ અસર કરી રહ્યો છે.
આ પહેલા 25 જાન્યુઆરીએ પાકિસ્તાને ભારત પર તેના બે નાગરિકોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમના નામ શાહિદ લતીફ અને મોહમ્મદ રિયાઝ છે. પાકિસ્તાનના વિદેશ સચિવ સાયરસ કાઝીએ કહ્યું- અમે ભારત વિરુદ્ધ UNSC સભ્ય દેશો સાથે વાત કરીશું. ભારત એ પાકિસ્તાનીઓને નિશાન બનાવી રહ્યું છે જેઓ તેમના દેશમાં વોન્ટેડ છે.
કાઝીએ આ મુદ્દો અમેરિકા અને કેનેડા સમક્ષ ઉઠાવવાની પણ માગ કરી હતી. છેલ્લા કેટલાક મહિનાઓમાં કેનેડાએ દાવો કર્યો હતો કે ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા પાછળ ભારતીય એજન્ટોનો હાથ હતો અને અમેરિકાએ દાવો કર્યો હતો કે આતંકવાદી પન્નુની હત્યાના પ્રયાસ પાછળ ભારતીય એજન્ટોનો હાથ છે. હાલ બંને કેસમાં તપાસ ચાલી રહી છે.
પાકિસ્તાને કહ્યું- ભારત દેશમાં ઘૂસીને તેના વોન્ટેડ ગુનેગારોને મારી નાખ્યા
પાકિસ્તાને ભારત પર આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા તેના નાગરિકોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. શાહિદ ભારતમાં પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં સિયાલકોટમાં તેની હત્યા કરવામાં આવી હતી. રિયાઝ એક કાશ્મીરી ઉગ્રવાદી હતો, જેની સપ્ટેમ્બર 2023માં પીઓકેના રાવલકોટમાં એક મસ્જિદની બહાર હત્યા કરવામાં આવી હતી.
આ પછી પાકિસ્તાને જાન્યુઆરીમાં દાવો કર્યો હતો કે તેના નાગરિકોને મારવાનું કામ ભારતીય એજન્ટ યોગેશ કુમાર અને અશોક કુમારને સોંપવામાં આવ્યું હતું. વિદેશ સચિવે એમ પણ કહ્યું હતું કે તેમની પાસે ભારત વિરુદ્ધ પૂરતા પુરાવા છે. ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના દાવાને ફગાવી દીધા હતા.
ભારતે કહ્યું- પાકિસ્તાનના આરોપો ખોટા છે, તેનાથી મામલો નહીં ઉકેલાય
મંત્રાલયે કહ્યું- પાકિસ્તાન ભારત વિરોધી પ્રચાર ચલાવવાનો નવો પ્રયાસ કરી રહ્યું છે. આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાન લાંબા સમયથી આતંકવાદ, સંગઠિત ગુનાઓ અને અન્ય ગુનાઓમાં સામેલ છે અને તેનો ગઢ રહ્યો છે. માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોએ પણ પાકિસ્તાનને આ અંગે ચેતવણી આપી છે. હવે પાકિસ્તાન અન્ય દેશો પર આરોપ લગાવી રહ્યું છે. આનાથી કોઈ સમસ્યા હલ થશે નહીં.