અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધિશો દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનર દ્વારા મૂકવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં રૂ. રૂ. 1461.83 કરોડનો વધારો કરી રૂ. 12262.83 કરોડનું બજેટ મૂકવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીના વર્ષમાં ભાજપના બજેટમાં ખાસ કોઈ વધારો કે જોગવાઈ મૂકવામાં આવી નથી. એકદમ સરળ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. એસજી હાઈવે ઉપર ખૂબ જ મોટું લોટસ ગાર્ડન બનાવવામાં આવશે. કમળની થીમ પર આધારિત આ વિવિધ રાજ્યોના ફૂલોની પ્રતિકૃતિ વાળું ગાર્ડન બનશે. ગાર્લેન્ડ ઓફ ઇન્ડિયા નામ આપવામાં આવ્યું છે. ફ્લાવર શોને જે રીતે પ્રતિસાદ મળ્યો છે તેને લઈને હવે શહેરીજનોને આ અદ્યતન ગાર્ડન મળશે. ધાર્મિક સંસ્થાઓના ટ્રસ્ટની પ્રાથમિક સુવિધાઓ માટે 25 કરોડ ફાળવવામાં આવ્યા છે.
પોલ્યુશનમુક્ત અને ગ્રીન અમદાવાદ બનાવવાનું આયોજન
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આજે બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરને સ્વચ્છ, પોલ્યુશન મુક્ત, આરોગ્યપ્રદ અને ટેકનોલોજીયુક્ત બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં રૂપિયા 1461 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. નાગરિકો અને ટેકનોલોજીયુક્ત, પોલ્યુશનમુક્ત અને ગ્રીન અમદાવાદ બનાવવાનું આયોજન છે.
હવે ફળ અને શાકભાજીનું પણ ટેસ્ટિંગ કરાશે
શહેરમાં ફૂડની એક અદ્યતન લેબોરેટરી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચીજવસ્તુઓ ઉપરાંત હવે ફળ અને શાકભાજીઓનું પણ ટેસ્ટિંગ કરવામાં આવશે. જો કેમિકલયુક્ત કોઈ પણ હશે તો તેની તરત માહિતી મળી રહેશે. શહેરમાં રોડ-રસ્તા, ગાર્ડન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના કાંકરિયા વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવ્યા છે. પરંતુ હવે શહેરના પૂર્વ વિસ્તારમાં પણ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવશે. મીઠાખળી ખાતે બે ટાવરના એક અર્બન હાઉસ આમાં આવશે. એક જ જગ્યાએ પ્લાન પાસથી લઈ તમામ પ્રક્રિયા થઈ શકે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે.
વિવિધ પ્રકારની એપ્લિકેશનને વિકસાવાશે
અમદાવાદ બનાવવાના ભાગરૂપે વિવિધ પ્રકારની એપ્લિકેશનને વિકસાવવામાં આવશે. બીયુ પરમિશન અને પ્લાન પાસિંગ માટેની એપ્લિકેશન વગેરે પ્રકારની એપ્લિકેશન બનાવવામાં આવશે. જેથી નાગરિકોને સરળતા રહેશે. શહેરમાં સીસીટીવી નેટવર્કને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. થર્ડ આઈ પ્રોજેક્ટ તરીકે નવા અદ્યતન સીસીટીવી કેમેરા શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવશે.
પ્રોપર્ટી ટેક્સમાં 12 ટકા રિબેટ અપાશે
મ્યુનિસિપલ કોર્પોરેશનને નાગરિકો દ્વારા ચૂકવવામાં આવતા પ્રોપર્ટી ટેક્સમાં અગાઉ 10 ટકા રિબેટ આપવામાં આવતું હતું. જેમાં 12 ટકા રિબેટ આપવામાં આવશે. જે નાગરિકો એડવાન્સ ઓનલાઈન ટેક્સ ચૂકવશે તેમાં એક ટકા ઓનલાઇન એમ 13 ટકા રીબેટ આપવામાં આવશે. જે ટેક્સ ધારકે સળંગ ત્રણ વર્ષ એડવાન્સ ટેક્સ ચૂકવે તેને વધુ બે ટકા અને ઓનલાઈન 1 ટકા આમ કુલ 15 ટકા રીબેટ આપવામાં આવશે. એપ્રિલ મહિનાથી વર્ષ 2024-25ના વર્ષ માટે એડવાન્સ ટેક્સની સ્કીમ મૂકવામાં આવશે.
15 કરોડના ખર્ચે વધુ નવા સીસીટીવી કેમેરા લગાવાશે
શહેરમાં વિવિધ જગ્યાએ સીસીટીવી કેમેરાઓને લઈ ભૂતકાળમાં અનેક સવાલ ઊભા થયા હતા જેથી આગામી વર્ષે શહેરમાં 15 કરોડના ખર્ચે વધુ નવા સીસીટીવી કેમેરા લગાવવા માટે જોગવાઈ કરવામાં આવી છે. શહેરના ગ્રીન કવરમાં વધારો કરવા માટે વાવેલા વૃક્ષોની સચોટ ગણતરી કરવા માટે રૂ. પાંચ કરોડ ફાળવવામાં આવ્યા છે.
દરેક વોર્ડમાં ટોપિંગ રોડ બનાવાશે
વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણે ભાજપના સત્તાધીશો દ્વારા સુધારા સાથે વર્ષ 2024-25ના રજૂ કરેલા રૂ.12262 કરોડના બજેટ ને માત્ર જાહેરાતોનું બજેટ કે આ બજેટમાં કંઈ જ છે નહીં. કોંગ્રેસ પક્ષ આ બજેટને 10માંથી માત્ર એક જ માર્ક આપે છે. છેલ્લા દસ વર્ષમાં ભાજપના સત્તાધીશો દ્વારા 78 હજાર કરોડથી વધુનું બજેટ મૂકવામાં આવ્યું છે પરંતુ તેમાંથી 14 હજાર કરોડ રૂપિયા તેઓ વાપરી શક્યા નથી. ભાજપના સત્તાધીશો દ્વારા બજેટમાં જાહેરાતો કરવામાં આવી હતી કે 250 કરોડના ખર્ચે દરેક વોર્ડમાં ટોપિંગ રોડ બનાવીશું. પરંતુ તે રોડ બન્યા નથી. વરસાદી પાણીના નિકાલ માટે લાઈનો નાખવામાં આવશે. પરંતુ માત્ર એક ઈંચ વરસાદમાં શહેરમાં પાણી ભરાઈ જાય છે.
વીએસ હોસ્પિટલને નવી બનાવવાની ખાલી વાતો
સાબરમતી નદીને શુદ્ધ કરવાની વાત હોય કે શહેરને સ્વચ્છ બનાવવાની વાત હોય તમામ બાબતોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો નિષ્ફળ છે. વીએસ હોસ્પિટલને નવી બનાવવામાં આવશે પરંતુ આજે આ હોસ્પિટલ ભૂતિયા હોસ્પિટલ બની ગઈ છે. વર્ષ 2007થી ઓક્ટ્રોયની રૂ. 34000 કરોડની ગ્રાન્ટ સરકાર પાસેથી મેળવવાની છે. પરંતુ ભાજપ દ્વારા મેળવવામાં આવી નથી. ભાજપના સતાધીશોના રાજમાં નિષ્ફળ રહી છે અને તેઓ ટેક્સમાં વધારો કરે છે.
2780 કરોડ વધુનું બજેટ રજૂ કરાયું
ગત વર્ષે રૂ. 9482 કરોડનું બજેટ મૂકવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે ગત વર્ષ કરતાં રૂ. 2780 કરોડ વધુનું બજેટ રજૂ કરાયું છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા બજેટમાં નાગરિકોના પ્રોપર્ટી ટેક્સમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી.
બજેટ હાઈલાઈટ્સ
- એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને રિબેટ આપવા જોગવાઈ
- નવા વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત
- વાહન વ્યવહાર ટેક્સ યથાવત
- રૂ. 45 કરોડના ખર્ચે કઠવાડામાં ગૌશાળા
- રૂ. 50 લાખના ખર્ચે રિવરફ્રન્ટ ખાતે ફાયર ચોકી
- રૂ. 1 કરોડના ખર્ચે રાજપથ ક્લબથી બોપલને જોડતો અંડર પાસ બનાવવા આયોજન
- 10 કરોડના ખર્ચે બાળ વાટિકાથી ધો. 4 સુધીના બાળકોને દૂધ અને પાવડર અપાશે
- રૂ. 20 કરોડના ખર્ચે શહેરમાં લોટસ(કમળ) ગાર્ડન બનશે
- રૂ. 20 કરોડના ખર્ચે AMCની હોસ્પિટલમાં કેન્સર યુનિટ ઊભું કરવામાં આવશે
- રૂ. 2 કરોડના ખર્ચે વસ્ત્રાલ, વટવા, ચાંદલોડિયા, જોધપુર અને સરદારનગરમાં પર્યાવરણ વન બનશે
- ધાર્મિક સંસ્થાઓના ટ્રસ્ટોને પ્રાથમિક સુવિધાઓના કામ માટે AMC રૂ. 25 કરોડ ફાળવ્યા