ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી હવામાન વિભાગ દ્વારા આગાહી તો કરવામાં આવે છે, પરંતુ વરસાદ વરસતો નથી. ત્યારે ગઈકાલે પણ હવામાન વિભાગે અમદાવાદ શહેર માટે ભારે વરસાદની આગાહી કરી હતી, તેમ છતાં સમગ્ર અમદાવાદ જિલ્લામાં કયાય પણ વરસાદ વરસ્યો ન હતો. તેનું કારણ જણાવતા હવામાન વિભાગના ડાઇરેકટરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વરસાદ લાવતી જે સિસ્ટમ છે, એટલે કે, અરબ સાગર તરફથી આવતી અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને બંગાળની ખાડી પરથી આવતી સિસ્ટમ નબળી પડી જતા વરસાદ વરસ્યો નથી. મહત્વનું છે કે, બંગાળની ખાડી પર જે સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, પૂર્વ ભાગમાં આવેલી બંગાળની ખાડીથી ગુજરાત સુધી આવતા સુધીમાં નબળી પડી ગઈ હતી, જેને કારણે વરસાદ વરસી રહ્યો નથી.
આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ આજે (11 જુલાઈ) વરસાદની શકયતા છે. તદુપરાંત રાજ્યના દક્ષિણ ભાગમાં અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં આજે વરસાદની શક્યતા બાબતે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના દક્ષિણ ભાગથી કેરળ સુધી એક ઓફસોર ટ્રફ સર્જાયો છે, જેને કારણે વરસાદની શક્યતા છે. આજે અમદાવાદ શહેરમાં પણ વરસાદ વરસી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આજે (11 જુલાઈ) રાજ્યના વિવિધ ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. જેમાં નર્મદા, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારે વરસાદની શક્યતા છે. તદુપરાંત હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી આગામી પાંચ દિવસ ( 12 જુલાઈથી 16 જુલાઈ) માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. જેમાં 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે આ પવન 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. તેથી સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદમાં વરસાદ ન પડવા બાબતે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતવાસીઓને હજુ પણ આગામી ચાર દિવસ ગરમી અને બફારો સહન કરવો પડશે. મોનસૂન ટ્રફ દેશના ઉત્તર ભાગમાં પર્વતીય વિસ્તારમાં સરકી જતાં ગુજરાતમાં વરસાદની રાહ જોવી પડશે. પરંતુ 11થી 15 જુલાઈ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના ભાગોમાં છુટાછવાયા વરસાદી ઝાપટાં વરસી શકે છે.
હાલમાં રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે, તેનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, અરબસાગર પરના ભેજયુક્ત પવનો નબળા પડતા હાલમાં ગુજરાત પર મેઘ મહેર થવાની શક્યતા ઓછી છે. આ ઉપરાંત બંગાળની ખાડી પરના વાદળો નિષ્ક્રિય થતા ગુજરાતમાં વરસાદની શક્યતા થોડા દિવસો માટે નહિવત પ્રમાણમાં છે. મેઘ વાદળો બંધાતા ન હોવાથી ગુજરાતમાં હાલ વરસાદ વરસી રહ્યો નથી, પરંતુ આગામી 17થી 24 જુલાઈ દરમિયાન મેઘરાજા ફરી એકવાર ગુજરાત પર મહેરબાન થશે. કેમ કે, તારીખ 14 અને 15 જુલાઈના રોજ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે, જે બાદ 24 જુલાઈ સુધી ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થશે.