રાજકોટના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાકાંડમાં પોલીસ તપાસ દરમિયાન ખુલેલા મુખ્ય ત્રણ આરોપીઓના નામ પૈકી 2 આરોપીની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ચકચાર મચાવનાર સટ્ટાકાંડમાં નામચીન બુકીના નિકટતમ સંબંધીની સંડોવણી ખૂલ્યા બાદ આ કેસમાં 3માંથી 2 આરોપીઓની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. જેમાં પોલીસે નિરવ દિપકભાઈ પોપટ અને તેનો ભાઈ અમિત ઉર્ફે મોન્ટુ ખમણની ધરપકડ કરી પૂછતાછ કરતા વધુ એક ગોવાના ચંદ્રેશ નામના શખ્સનું નામ ખુલતા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ દરોડાની તપાસ દરમિયાન 3 બુકીના આઈડીમાંથી 24 કરોડથી વધુના વહીવટમાં રાજ્યભરના 24 બુકી અને પંટરોના નામ ખુલવા પામ્યા હતા. જેમાં વાંકાનેર ધારાસભ્યના ભાઈ અને રા.લો.સંઘના પૂર્વ પ્રમુખ સહિતના શખસોના નામ ખુલવા પામ્યા હતા.
શું છે સમગ્ર મામલો
ગત 23 જાન્યુઆરીના રોજ રાજકોટ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ગરચર સહિતની ટીમે અલગ અલગ 3 દરોડા પાડી નિશાંત હરશભાઈ ચગ, સુકેતુ કનૈયાલાલ ભૂત અને ભાવેશ અશોકભાઈ ખખ્ખરની ધરપકડ કરી હતી. તેની પાસેથી 12 લાખની મતા કબજે કરી હતી. તપાસ કરતા તેની પાસેથી ચેરીબેટ 9 અને મેજિક એકસ કોમ. નામની આઈડીઓ મળી આવી હતી. જેમાં સુત્રધાર પી.એમ. આંગડિયા પેઢીના સંચાલક તેજસ રાજુભાઈ રાજદેવ અને નિરવ દિપકભાઈ પોપટ અને તેનો ભાઈ અમિત ઉર્ફે મોન્ટુ ખમણ સહિતના નામો ખુલ્યા હતા તેમજ આઇડીમાં 24 કરોડથી વધુના વ્યવહારો બહાર આવ્યા હતા. જેમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીના ભાઈ રાજુ સોમાણી અને રા.લો. સંધના પૂર્વ પ્રમુખ મહેશ આસોદરીયા સહિત 24 શખસના નામ ખુલ્યા હતા.
સટ્ટા માટે યુકેની કંપનીના સીમકાર્ડનો ઉપયોગ
પોલીસ તપાસમાં સટ્ટાકાંડના મુખ્ય સૂત્રધાર તેજસ રાજદેવ, નીરવ પોપટ અને તેનો ભાઈ મોન્ટુ ઉર્ફે અમિત યુકેની કંપનીના સીમકાર્ડનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓ વિદેશ ભાગી ન જાય તે માટે લુક આઉટ નોટિસ ઇસ્યુ કરવાની કાર્યવાહી પણ કરી હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાંચે નિરવ પોપટ અને તેનો ભાઈ મોન્ટુ ઉર્ફે અમીતને સકંજામાં લઈ તેની ધરપકડ કરી પૂછતાછ કરતા વધુ એક ગોવાના ચંદ્રેશ નામના શખ્સનું નામ ખુલતા પોલીસે આ કેસમાં ફરાર આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.
તપાસમાં નવા ખુલાસાઓની શક્યતા
ઉલ્લેખનીય છે કે, આ ચકચારી પ્રકરણમાં નામચીન બુકીના સંપર્કો કામ કરી જતાં જ્યારથી પોલીસ તપાસ શરૂ થઈ છે, ત્યારથી જ દબાણનો પણ દોર શરૂ થઇ ગયો છે અને આજ કારણે તેજસ રાજદેવ પોલીસના હાથથી દૂર સરકી ગયો હોવાની ચર્ચા ચાલી રહી છે, ત્યારે મુખ્ય ત્રણ સૂત્રધાર પૈકી 2ને ઝડપી પાડવામાં પોલીસને મળેલી સફળતા બાદ તેની તપાસ પુછપરછમાં શું નવા ખુલાસા થશે તે જોવું મહત્વનું રહેશે.