વિદેશ મંત્રાલયે કહ્યું- રશિયા-યુક્રેન યુદ્ધમાંથી ઘણા ભારતીયોને બચાવ્યા
વિદેશ મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે રશિયન સેનામાં ભરતી થયેલા ઘણા ભારતીયોને બચાવી લેવામાં આવ્યા છે. સેનાએ તેમને રિલીવ કર્યા છે. યુદ્ધ લડવા માટે યુક્રેન મોકલવામાં આવેલા એક ભારતીયના મોત બાદ મંત્રાલયનું આ નિવેદન આવ્યું છે.
વિદેશ મંત્રાલયે કહ્યું- કેટલાક દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે રશિયન આર્મીમાં ભરતી થયેલા ઘણા ભારતીયો પાછા આવવાની માગ કરી રહ્યા છે. અમે આ મામલે રશિયન સરકાર સમક્ષ ઉઠાવ્યો હતો. આ પછી ઘણા ભારતીયોને રશિયન સેનામાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.
23 ફેબ્રુઆરીએ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે – કેટલાક ભારતીયોએ રશિયન આર્મીમાં હેલ્પરની નોકરી માટે કરાર કર્યા હતા. બાદમાં તેમને યુદ્ધ લડવા મોકલવામાં આવ્યા. ભારતીય દૂતાવાસ આ મામલે રશિયન અધિકારીઓના સંપર્કમાં છે. અમે તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ દરમિયાન અમે તમામ ભારતીયોને સાવચેત રહેવા અને યુદ્ધથી દૂર રહેવાની અપીલ કરીએ છીએ.
માર્યા ગયેલો ભારતીય ગુજરાતનો હતો
ગુજરાતના સુરતમાં રહેતા હેમિલ અશ્વિનભાઈ માંગુકિયાનું યુક્રેનમાં અવસાન થયું હતું. હેમિલને રશિયન કંપનીમાં નોકરી અપાઇ હતી. બાદમાં કંપનીએ તેને યુદ્ધ લડવા માટે મોકલી દીધો. હેમિલને છેતરીને વેગનરની સેનામાં જોડી દેવાયો હતો. તેના મૃત્યુના થોડા કલાકો પહેલાં હેમિલે તેના પરિવાર સાથે લગભગ 2 કલાક વાત કરી હતી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, મૃતકના પરિવારના સભ્ય અતુલ માંગુકિયાએ કહ્યું- 23 ફેબ્રુઆરીના રોજ હેમિલના પિતાને ફોન આવ્યો હતો. તેમને તેમના પુત્રના મૃત્યુ અંગેની માહિતી મળી હતી. અમને વિશ્વાસ ન થયો, તેથી અમે આ અંગે તપાસ કરાવી. હેમિલ રશિયા-યુક્રેન યુદ્ધમાં મૃત્યુ પામ્યો છે, તેની ખાતરી 25 ફેબ્રુઆરીએ થઇ હતી.
હેલ્પરની નોકરી માટે રશિયા ગયો હતો
અતુલ માંગુકિયાએ કહ્યું- હેમિલ 14 ડિસેમ્બરે ચેન્નઈથી રશિયા જવા રવાના થયો હતો. તેને સોશિયલ મીડિયાના માધ્યમથી રશિયન આર્મીમાં હેલ્પરની નોકરી અંગે માહિતી મળી હતી. રશિયન કંપનીના એજન્ટોના કહેવાથી તે રશિયા ગયો હતો. ગયા મહિને તેના ખાતામાં 2.3 લાખ રૂપિયાનો પગાર જમા થયો હતો.
હેમિલે કહ્યું- હું ઠીક છું
અતુલે કહ્યું- હેમિલ દરરોજ તેના પરિવારના સભ્યોને ફોન કરતો હતો. મૃત્યુ પહેલાં પણ તેણે તેના પરિવારના સભ્યો સાથે લગભગ 2 કલાક વાત કરી હતી. કહ્યું- હું ઠીક છું. કોલ કર્યાના થોડા કલાકો પછી તેનું મૃત્યુ થયું.
હેમિલના પરિવારે ભારત સરકાર પાસે માગ કરી છે કે તેઓ રશિયન સરકારનો સંપર્ક કરે અને હેમિલના મૃત્યુ અંગે સંપૂર્ણ માહિતી મેળવે. પોલીસનું કહેવું છે કે હેમિલ સામાન્ય વિઝા પર રશિયા ગયો હતો. તેણે ત્યાં કેવી રીતે કામ કરવાનું શરૂ કર્યું એની કોઈ માહિતી નથી. વાસ્તવમાં અન્ય દેશોમાં કામ કરતા લોકોને વર્ક વિઝા આપવામાં આવે છે.
4 દિવસ પહેલાં નકલી આર્મી જોબ રેકેટનો પર્દાફાશ થયો હતો
22 ફેબ્રુઆરીના રોજ પ્રકાશિત થયેલા ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલે નકલી આર્મી જોબ રેકેટનો પર્દાફાશ કર્યો હતો, જે ભારતીયોને શિકાર બનાવી રહ્યું હતું. રિપોર્ટ અનુસાર, રશિયન કંપનીઓના એજન્ટો ભારતીયોને લાખોના પગાર સાથે હેલ્પરની નોકરીનું વચન આપીને રશિયા મોકલી રહ્યા છે. રશિયા પહોંચ્યા પછી ભારતીયોને રશિયાની ખાનગી સેના કહેવાતા વેગનર ગ્રુપમાં ભરતી કરવામાં આવી રહ્યા છે અને તેમને યુદ્ધના મેદાનમાં મોકલવામાં આવી રહ્યા છે.
રિપોર્ટ- 60 ભારતીય પણ છેતરાયા હતા
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયોને વિઝિટર વિઝા પર રશિયા લઈ જવામાં આવી રહ્યા છે. આ મુજબ અન્ય 60 ભારતીયોને પણ છેતરીને વેગનરની આર્મીમાં સામેલ કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રની એક વ્યક્તિએ આ લોકોને રશિયન ભાષામાં લખેલા કરાર પર સહી કરાવી હતી. તેમને કહેવામાં આવ્યું કે આ હેલ્પરની નોકરી માટે છે.