News Updates
VADODARA

વડોદરામાં હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં મોડીરાત્રે વિકરાળ આગ લાગી, 5 કિમી દૂર જ્વાળાઓ દેખાઇ, સ્ટાફમાં અફરાતફરી મચી

Spread the love

વડોદરા નજીક આવેલ પોર GIDC સ્થિત હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં મોડીરાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાતા તુરંત જ 3 ગાડી સ્થળ પર દોડી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. આગ એટલી વિકરાળ હતી કે જ્વાળાઓ 5 કિમી દૂરથી દેખાઇ રહી હતી. આગને પગલે કંપનીમાં કામ કરતા સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ હતી.

આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ, કંપનીમાં ફાઇબર મટીરીયલ હોવાના કારણે આગ કાબૂમાં આવ્યા બાદ પણ આખી રાત કુલિંગની કામગીરી ચાલુ રહી હતી. ભીષણ આગમાં કંપની ખાક થઈ ગઈ હતી. વડોદરા GIDC ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર નિકુંજ આઝાદ પણ સ્ટાફ સાથે દોડી ગયા હતા.

કંપનીમાં POP હોવાથી આગ વધુ પ્રસરી
આગની જ્વાળાઓને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતા અટકાવી દીધી હતી. આગને કાબૂમાં લેવા માટે 3 ફાયરની ગાડી અને 10થી વધુ ફાયરના જવાનો કામે લાગ્યા હતા. પરંતુ, કંપનીમાં POP મટીરીયલ હોવાના કારણે આખી રાત પાણી મારો ચલાવી કુલિંગની કામગીરી કરવામાં આવી હતી.

કંપનીના સંચાલકોમાં ગભરાટ ફેલાયો
આ બનાવને પગલે પોર GIDCમાં આવેલી કંપની સંચાલકોમાં પણ ગભરાટ ફેલાઇ ગયો હતો. મોડીરાત્રે લાગેલી આગના રૌદ્ર સ્વરૂપને જોવા માટે GIDCમાં નોકરી કરતા કર્મચારીઓના ટોળા ઉમટી પડ્યા હતા. ફાયર બ્રિગેડને આગને કાબૂમાં લેવા માટે દૂરથી પાણીનો મારો ચલાવવાની ફરજ પડી હતી. સદભાગ્યે આગના આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ, આગમાં કંપની ખાખ થઈ ગઈ હતી.

પોલીસ દોડી ગઈ
હિંદુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પરંતુ, આગના આ બનાવે GIDCમાં ચકચાર જગાવી મૂકી હતી. આગના આ બનાવની જાણ થતાં વરણામા પોલીસ મથકના પી.એસ.આઇ. વી.જી. લાંબરીયા સ્ટાફ સાથે દોડી ગયા હતા. પોલીસે આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.

પોર GIDCમાં 400 કંપની પણ ફાયર સ્ટેશન જ નથી
ઉલ્લેખનીય છે કે, પોર GIDCમાં આશરે 400થી વધુ કંપનીઓ આવેલી છે અને બાજુમાં 30થી વધુ ગામડાઓ છે. ત્યારે પોર GIDCમાં ફાયર સ્ટેશન ન હોવાને કારણે ઉદ્યોગકારોને આગની ઘટનામાં મોટી નુકસાનીનો સામનો કરવો પડે છે. પોર GIDCમાં વારંવાર મોટી આગ લાગવાની ઘટના બને છે અને ફાયર સ્ટેશન ન હોવાને કારણે વડોદરાથી ફાયરની ગાડીઓ બોલાવવાની ફરજ પડે છે. વડોદરાથી ફાયર આવે તે પહેલા કંપનીમાં લાગેલી આગમાં કંપની ભસ્મિભૂત થઈ જાય છે.


Spread the love

Related posts

Vadodara:ટીવીમાં બ્લાસ્ટ: બે ઝુપડા બળીને ખાખ, સ્થાનિકોએ ધાબા પરથી પાણીનો મારો ચલાવ્યો, વારસીયામાં ઝુપડપટ્ટીમાં આગ લાગતા દોડધામ

Team News Updates

મહારાણી ચિમણાબાઇની મૂર્તિ માટે 17 વર્ષથી રાજવી પરિવારનો સંઘર્ષ

Team News Updates

 વડોદરા ની IOCL રિફાઇનરીમાં ભીષણ આગ  ,ધુમાડાના ગોટેગોટા દેખાયા 6 કિમી દૂર સુધી

Team News Updates