સવારે વેડરોડ વિસ્તારમાં રોડ પર જતી સીએનજી રિક્ષામાં એકાએક આગ ભભૂકી ઊઠી હતી. મુસાફરો ભરેલી રિક્ષામાં આગ લાગતાની સાથે જ રિક્ષાચાલકે સમય સુચકતા વાપરીને મુસાફરોને બહાર કાઢી લેતા તમામનો બચાવ થયો હતો. રિક્ષાના રબ્બરના કાપડને લઈને આગે જોતજોતામાં આખી રિક્ષાને ઝપેટમાં લઈ લીધી હતી. દરમિયાન સીએનજીના બાટલામાંથી ગેસ પણ લીકેજ થવા લાગ્યો હતો.
રિક્ષાના ડ્રાઇવર દ્વારા આગ લાગતા જ રિક્ષાને સાઈડમાં પાર્ક કરી દેવામાં આવી હતી. દરમિયાન આગમાં એક સાયકલ પણ ઝપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા કતારગામ ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ગણતરીની મિનિટોમાં રિક્ષામાં લાગેલી આગ પર કાબૂ મેળવી લીધો હતો.
રિક્ષામાં આગના કારણે થોડો સમય માટે વાહન-વ્યવહાર પણ બંધ થઈ ગયો હતો. લોકો જોવા માટે એકઠા થઈ ગયા હતાં. રિક્ષામાં લાગેલી આગનો હાલ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જોકે, ફાયર વિભાગ આગ પર કાબુ મેળવી તે પહેલા જ આખી રિક્ષા અને એક સાયકલ બળીને ખાખ થઈ ગઈ હતી.