સુરતમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 13 વર્ષની હિન્દુ બાળાને ભગાડી જઈ અલગ અલગ રાજ્યોમાં લઈ જઈ 25 વર્ષના વિધર્મીએ દુષ્કર્મ આચર્યું હતું. આરોપી મોહમ્મદ નૂરબાબુ બદરુદ્દીન સૈયદની સુરત મહીધરપુરા પોલીસે તેલંગાણાના હૈદરાબાદ ખાતેથી ધરપકડ કરી છે. આરોપી મૂળ બિહારનો છે અને છેલ્લા પાંચ વર્ષથી સુરત રહેતો હતો અને બાળાને તે હૈદરાબાદ લઈ ગયો હતો. જે સમગ્ર મામલે ષડયંત્ર હોવા અંગે પોલીસ તપાસ કરી રહી છે.
મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં 14મી ઓગસ્ટના રોજ એક ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, 13 વર્ષની સગીરાને લઈ એક આરોપી ફરાર થઈ ગયો છે. સગીરાનું અપહરણ કરી અલગ અલગ રાજ્યોમાં આરોપી ફરતો હતો. ટેકનિકલ સર્વેલેન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્ટના આધારે આખરે સુરત મહિધરપુરા પોલીસે આરોપીને તેલંગણાથી ઝડપી પાડ્યા છે અને સગીરાને મુક્ત કરાવી પરિવારને સુપ્રત કરી છે. ભોગ બનનાર સગીરાને ભગાડી જનાર આરોપી મોહમ્મદ નૂરબાબુ બદરૂદ્દીન સૈયદ બિહારના પુરનીયા જિલ્લાના મીરપુર ગામનો રહેવાસી છે અને છેલ્લા પાંચ વર્ષથી સુરત રહે છે.
ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે, મહીધરપુરા પોલીસ મથકમાં એક સગીરાના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. ગુનાની ગંભીરતા જોઈને તપાસ આરંભી ટેકનિકલ સર્વેન્સની મદદ અને અન્ય માહિતીના આધારે પોલીસની ટીમ દ્વારા હૈદરાબાદથી સગીરા તેમજ તેને ભગાવી જનાર સુરત પોલીસ લઈ આવી છે. ભગાવી જનાર વ્યક્તિનું નામ મોહમ્મદ નૂરબાબુ છે. આ મૂળ બિહારનો રહેવાસી છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં રહે છે. ઝરી કામનું મજૂરી કામ કરતો હતો. પોક્સો સહિતની અન્ય કલમો લગાવીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શું નામ બદલીને આરોપીએ સગીરા સાથે સંપર્ક કર્યો હતો સહિતના અન્ય પાસાઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે.