સુરતના પાલ ગૌરવપથ વિસ્તારમાં આજે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. સુડા ચાર રસ્તા પાસે આવેલા સર્કલ પર ધડાકાભેર કાર અથડાઈ હતી. કારચાલકે એકાએક જ સ્ટીયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હોય તેવું જાણવા મળ્યું હતું. સર્કલ સાથે ધડાકાભેર અથડાતા આસપાસના લોકો પણ એકત્રિત થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. માત્ર બે સેકન્ડમાં કાર બે ગોથા ખાતી નજરે પડે છે. આ અકસ્માતમાં સર્કલ પણ તૂટી ગયું હતું. બીજી તરફ કારનો પણ કચ્ચરઘાણ નિકળી ગયો હતો.
વહેલી સવારે પૂરપાટ ઝડપે ઓવર સ્પીડમાં જઈ રહેલા કારચાલક દ્વારા સ્ટીયરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવતા કાર સર્કલ સાથે અથડાઈ હતી. આથી આખી કાર પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં સર્કલ પણ તૂટી ગયું હતું. કારની સ્પીડ પણ ખૂબ વધુ હોય તેવું જણાય આવ્યું હતું. કાર સર્કલ સાથે અથડાયા બાદ બેથી ત્રણ ગોથા મારી ગઈ હતી, ગાડીનો પણ કચ્ચરઘાણ નિકળી ગયો છે.
ગૌરવપથ રોડ ઉપરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઈ હતી. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે કે, કાર કેટલી ઝડપે આવી હતી અને સર્કલ સાથે કેવી રીતે ટક્કર મારે છે. ત્યારબાદ કાર પલટી ખાઈ જાય છે. સામાન્ય રીતે વહેલી સવારે મોર્નિંગ વોક કરવા માટે લોકો ખૂબ મોટી સંખ્યામાં નીકળતા હોય છે. પરંતુ આ ઘટના બની ત્યારે કોઈપણ વ્યક્તિ આસપાસ ન હોવાને કારણે મોટો અકસ્માત થતા પણ રહી ગયો છે. આ બનાવની જાણ પોલીસને થતા પાલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી તપાસ કરી હતી. આ અકસ્માતમાં કારચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો છે. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.