News Updates
SURAT

સુરતમાં મોટી દુર્ઘટના ટળી:ઓલપાડ રોડ પર સિટી બસનો ડ્રાયવર નશામાં બસ ચલાવતા પલટી મારી, લોકોએ ડ્રાયવર-કંડકટરને ખેતરમાંથી શોધીને ધુલાઈ કરી

Spread the love

સુરતમાં સિટી બસના ચાલકો બેફામ રીતે બસ હંકારવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ડ્રાઇવર અને કંડકટર બંને પીધેલી હાલતમાં બસને લઈને ડેપોમાં જમા કરાવવા માટે જઈ રહ્યાં હતા. આ દરમિયાન બસના ડ્રાઈવરે રસ્તે જતી કારને ટક્કર મારી બસ ખાડીમાં ખાબકી ગઈ હતી. અકસ્માત સર્જાતાની સાથે જ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્રીત થઈ ગયા હતા. જેમાં ડ્રાઇવર અને કંડકટર નશાની હાલતમાં હોવાનું જણાઈ આવતા ધોલાઈ કરી પોલીસને સોંપ્યા હતા. સદનસીબે બસમાં કોઈ મુસાફર સવાર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

કારને ટક્કર મારી બસ ખાડીમાં પડી
સુરત સિટી બસ સુરતથી ઓલપાડ સુધીના રૂટ ઉપર પણ દોડે છે. જેમાં ગતરાત્રે ઓલપાડથી સુરત પરત ડેપોમાં સિટી બસ જઈ રહી હતી. તે દરમિયાન બસનો ડ્રાઇવર નશાની હાલતમાં હોવાના કારણે રસ્તે જતી કારને બસનાચાલકે ટક્કર મારી હતી. ત્યારબાદ સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા સિટીબસ રોડની સાઈડની ખાડીમાં કાબકી હતી. કારને ટક્કર મારતાની સાથે જ લોકોનું ધ્યાન તે અકસ્માત તરફ ગયું હતું અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. આ દુર્ઘટના પહેલા ઓલપાડ-સુરત રોડ પર અન્ય વાહન હંકારનારાઓએ પણ જોયું હતું કે બસનો ડ્રાઇવર ગફલત ભરી રીતે બસને હંકારી રહ્યો હતો.

લોકોએ મેથીપાક ચખાડ્યો
બસ ખાડીમાં પડતા લોકો ભેગા થઈ ગયા હતા. જે બાદ લોકોએ નાસી ગયેલા કંડકટર અને ડ્રાઇવરને ખેતરમાંથી શોધીને માર માર્યો હતો. જ્યારે ડ્રાઇવર હાથે લાગ્યો ત્યારે તે ફૂલ નશાની હાલતમાં હોય તેવું જણાય આવ્યું હતું. સિટી બસે અડફેટે લીધેલી કારમાં નાની બાળકી પણ સવાર હોવાને કારણે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ડ્રાઇવર અને કંડક્ટરને લોકોને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. જે બાદ એકત્રિત થયેલા લોકો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. જે બાદ ડ્રાઇવર અને કંડક્ટરને લોકોના મારથી બચાવી સ્ટેશને લઈ જઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

નશાની હાલતમાં બસ હંકારતો હોવાનો આક્ષેપ
સિટી બસમાં ચાલકો ઉપર લગામ લગાવવી ખૂબ જ જરૂરી છે. મોટી સંખ્યામાં મુસાફરો સિટી બસ અને બીઆરટીએસ બસનો ઉપયોગ કરે છે. ઓલપાડથી સુરત પરત ફરતી વખતે સિટી બસનો ચાલક દારૂના નશામાં ચકચૂર હતો. ડ્રાઇવર એટલો નશામાં હતો કે, તેને વાત કરવાની પણ ભાન ન હતી. દારૂના નશામાં બસની મોટી દુર્ઘટના પણ બની શકે છે. સદનસીબે રાત્રે ડેપોમાં બસ જમા થવા જઈ રહી હતી, તેને કારણે કોઈ પેસેન્જર અંદર સવાર ન હતું. પરંતુ આ રીતે નશાની હાલતમાં બસ હંકારવી એ ખૂબ જ લોકો માટે જોખમી છે. સુરત કોર્પોરેશનના અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ.

કાયદેસરની કાર્યવાહી શરૂ કરાય
આ મામલે સુરત કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકએ જણાવ્યું હતું કે, ઓલપાડથી સુરત ડેપોમાં બસ આવી રહી હતી, તે દરમિયાન આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. બસ ડેપોમાં જતી હોવાને કારણે અંદર કોઈ પેસેન્જર ન હતું. કારને ટક્કર માર્યા બાદ બસ ખાડીમાં પડી હતી. સ્થાનિક લોકો જે એકત્રિત થઈ ગયા હતા, તેમના આક્ષેપ હતો કે ડ્રાઇવર નશાની હાલતમાં છે. જો કે, આ બાબતે પોલીસને જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. તેમજ યોગ્ય જણાય તે બાબતની તપાસ પણ શરૂ કરશે.


Spread the love

Related posts

શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે સેવાનો મહાયજ્ઞઃ 58મા જન્મદિવસે દેશભરમાં 58થી વધુ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Team News Updates

ચા પીવા નીકળ્યો ‘ને પરત જ ન ફર્યો:સુરતમાં યુવકની ચપ્પુના ઘા મારી હત્યા, મિત્રની હાલત પણ ગંભીર; ઝઘડો જોઈ પરત પરતા મોતને ઘાટ ઉતાર્યો

Team News Updates

આપઘાત પહેલાં વીડિયો બનાવ્યો:સુરતમાં પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, સાસરિયાંએ ત્રાસ આપતાં પગલું ભર્યું, છેલ્લા વીડિયોમાં પતિને જવાબદાર ઠેરવ્યો

Team News Updates