News Updates
GUJARAT

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ:પાલનપુર-અમદાવાદ હાઈવે ઘૂંટણ સમા પાણી ભરાયા, થરાદમાં અતિભારે વરસાદ, પાટણમાં અનેક વૃક્ષો ધરાશાયી

Spread the love

બિપરજોય વાવાઝોડાને લઇને હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. જેને લઇને ગુરુવાર રાતથી પાટણ, પાલનપુર, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં વરસાદ પડી રહ્યો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર, રાધનપુર, સંતાલપુર, સમી, હારીજ, શંખેશ્વર અને સરસ્વતી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને અનેક ઝાડ ધરાશાયી થયા છે. તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, થરાદ, વાવ, દિયોદર અને સુઇગામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

અનેક વિસ્તારોમાં વીજળી ગુલ, થરાદમાં અતિભારે વરસાદ
બનાસકાંઠા જિલ્લાના થરાદના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે. તો થરાદ-ભાભર હાઇવે પર પણ પાણી ફરી વળતાં વાહન ચાલકોને ભારે હાલાકી સર્જાઇ રહી છે. અતિભારે વરસાદના કારણે થરાદમાં સોસાયટીઓ પાણીમાં પાણી ભરાઇ ગયું છે. થરાદની સોમનાથ સોસાયટીમાં તો ઘરોમાં ઘૂંટણસુધી પાણી ભરાતા ઘરવખરીનો સામાન પલળી ગયો છે. જિલ્લાના અનેક નાના માર્ગો નાના વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે. તો આ તરફ પાલનપુર-અમદાવાદ હાઇવે પર પાણી ભરાઇ ગયા છે. જેને લઇને એક બાજુનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. ભારે પવન અને વરસાદના કારણે અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતાં જિલ્લાના વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ છે. તો ધાનેરાના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નાના વોકળાઓમાં પાણી વહેતા થયા છે. જેને લઇને ઋણીથી અનાપુર રોડ પાણીમાં ગરકાવ થયો છે. દાંતા તાલુકાના મંડાલી-જશવંતપુરા વચ્ચે પ્રસાર થતી કીડી-મકોડી નદી વહેતી થઇ છે.

છેલ્લા 24 કલાકથી વીજળી ગુલ
રાધનપુરમાં ધોધમાર વરાસાદના લીધે મેઇન બજારના મસાલી રોડ, એસ.ટી. બસ સ્ટેન્ડ અને રેફરલ હોસ્પિટલ સહિત વિસ્તારમાં પાણી ભરાયા છે. અહીં છેલ્લા 24 કલાકથી વીજળી ગુલ છે. વૃક્ષો ધરાશાયી થતાં SDRF, નગરપાલિકા અને વન વિભાગની ટીમ દ્વરા પડેલા વૃક્ષોને દૂર કરવાની કામગીરી શરૂ કરાઇ છે.

સાબરકાંઠામાં અત્ર તત્ર સર્વત્ર વરસાદ
હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સર્વત્ર વરસાદ નોંધાયો છે અને ભારે પવન સાથે વરસાદ વરસવાને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેને લઈને સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 29 મિમીથી 88 મિમી વરસાદ નોંધાયો હતો. એટલે કે સવા ઇંચથી લઈને પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વડાલીમાં 88 મિમી, તો સૌથી ઓછો વરસાદ તલોદમાં 29 મિમી નોંધાયો હતો. આજે વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો અને બે કલાકમાં આઠમાંથી ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

અંબાજીમાં ગતરાતથી સતત મુશળધાર વરસાદ
બિપરજોય વાવાઝોડાની અસર બનાસકાંઠા જિલ્લામાં વર્તાઈ રહી છે. ત્યારે બનાસકાંઠાના અંબાજીમાં ગત મોડી રાતથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેને લઇ સમગ્ર અંબાજી પાણી પાણી થઇ જવા પામ્યું છે. હાલ સુધી 3 ઇંચ જેટલો વરસાદ અંબાજીમાં ખાબક્યો છે અને હજી પણ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની માહિતી અનુસાર આજે દિવસભર વરસાદ વરસી શકે છે. વરસાદને લઇને અંબાજીના જન જીવનમાં પણ અસર પડી રહ્યો છે. અંબાજીના બજારો પણ આ વરસાદને લીધે બંધ જોવા મળ્યા હતા. દાંતા તાલુકામાં સતત વરસી રહેલા વરસાદના લીધે દાંતા તાલુકામાં આવેલા નદી નાળાઓમાં નવા નિર જોવા મળી રહ્યા છે. ત્યારે અંબાજી અને દાંતાના અનેકો વિસ્તારોમાં ઠેર-ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. યાત્રાધામ અંબાજીમાં મુખ્ય માર્ગો અને બજારના માર્ગો પર ભારે વરસાદના લીધે નદીની જેમ પાણી વહેતા જોવા મળી રહ્યા છે. અંબાજી અને આજુબાજુના વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદના લીધે લોકોના જનજીવન પણ પ્રભાવિત થયા છે.

હવામાન વિભાગ દ્વારા અરવલ્લીમાં આજે રેડ એલર્ટ
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકથી ભારે પવન સાથે સાથે વરસાદની પણ ધમાકેદાર શરૂઆત થઈ હતી. જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી હતી. મેઘરજ, ધનસુરા, મોડાસા, બાયડ તાલુકાઓમાં ભારે પવનના કારણે છાપરા ઉડવાની ઘટનાઓ સામે આવી છે. વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ જોવા મળી છે. ત્યારે 24 કલાક દરમિયાન જિલ્લામાં ધમાકેદાર વરસાદ ચાલુ છે. જિલ્લામાં ખાસ કરીને મોડાસામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. ધનસુરામાં પણ 2.5 ઇંચ વરસાદ, બાયડ અને ભિલોડા માં 1થી 1.5 ઇંચ અને માલપુર અને મેઘરજમાં પણ સરેરાશ વરસાદ નોંધાયો છે. આજે પણ અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ અપાયું છે. ત્યારે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ રહેવાની પૂરેપૂરી શકયતા છે. ત્યારે 24 કલાકમાં ખાબકેલા વરસાદથી ખેડૂતોને વાવણી લાયક વરસાદ થવાથી વાવેતરની તૈયારીઓમાં જોતરાયા છે.

સાંતલપુર પંથકમાં જળબંબાકારની સ્થિતિ
પાટણ જિલ્લાના સાંતલપુર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સાંતલપુર તાલુકાના મઢુત્રા, રોઝુ, ગરામડી સહિતનાં ગામોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અવિરત વરસાદને લઈ ગામનાં બજારોમાં પાણી ઘૂસ્યાં હતાં. સુસવાટા મારતા પવન સાથે અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે બસ સ્ટેશન પર ઢીંચણસમાં પાણી ભરાયાં હતાં. બીજી તરફ હારીજમાં પણ વરસાદ વરસી રહ્યો છે. પાટણ શહેરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. શહેરના રેલવે ગરનાળામાં પાણી ભરાયાં હતાં. જેને લઈ વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાટણ ઉપરાંત સિદ્ધપુર, હારીજ રાધનપુર, સંતાલપુર સરસ્વતી સહિત વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જેને લઈ રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં.

માણસામાં વધુ 37 મિમી વરસાદ
​​​​​​​ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે કરી છે. ત્યારે ગઈકાલ સવારથી બિપોરજોય વાવાઝોડાના લેન્ડફોલ પછીથી રાજયના પાટનગર ગાંધીનગરમાં પણ અસર જોવા મળી હતી. વહેલી સવારથી જ સુસવાટા મારતાં પવનો ફૂંકાવાની સાથે વરસાદનું આવન જાવન ચાલુ રહ્યું હતું. ત્યારે સ્ટેટ ઈમરજન્સી સેન્ટરના સત્તાવાર આંકડા પર નજર કરીને તો ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન માણસા, દહેગામ, કલોલ અને ગાંધીનગરમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. તો ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ પડ્યો હતો. સ્ટેટ ઈમરજન્સી સેન્ટરના આંકડા મુજબ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં સૌથી વધુ 37 મી.મી વરસાદ નોંધાયો છે. એજ રીતે દહેગામ તાલુકામાં 32 મી.મી, કલોલ તાલુકામાં 31 મી.મી તેમજ ગાંધીનગર તાલુકામાં 20 મી.મી વરસાદ છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન નોંધાયો છે. જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ઠંડો પવન ફુકાયો હતો. દિવસ દરમ્યાન અને ખાસ કરીને બપોર પછી પવનની ગતિ વધી ગઇ હતી. ભારે પવનના કારણે 28 વૃક્ષો અને 28 વીજ પોલ પડી ગયા હતા. જોકે, આજે સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે.​​​​​​​

અગરિયાઓની આઠ મહિનાની મહેનત પર પાણી ફળી વળ્યું
પાટણ જિલ્લાના સાંતલપુર ગામે અવિરત વરસાદના કારણે લાખો ટન મીઠું પાણીમાં ગરકાવ થયું હતું. સાંતલપુર તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદને લઈ અગરિયાયો ચિંતિત બન્યા છે. ત્યારે લાખો ટન મીઠું રણમાં જ રહી જતા કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ અગરિયાઓ સતાવી રહ્યા છે. અગરિયાઓની આઠ મહિનાની મહેનત પર પાણીમાં ગઈ હતી. સરકાર પાસેથી સહાય મળે તેવી અગરિયાઓએ માંગ કરી છે.

પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

  • સંતાલપુર 84 મિમી
  • રાધનપુર 90 મિમી
  • સિદ્ધપુર 55 મિમી
  • પાટણ 62 મિમી
  • હારીજ 88 મિમી
  • સમી 74 મિમી
  • ચાણસ્મા 35 મિમી
  • સરસ્વતી 51 મિમી
  • શંખેશ્વર 34 મિમી

બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

  • વાવ 43 મિમી
  • થરાદ 52 મિમી
  • ધાનેરા 109 મિમી
  • દાંતીવાડા 24 મિમી
  • અમીરગઢ 60 મિમી
  • દાંતા 58 મિમી
  • વડગામ 111 મિમી
  • પાલનપુર 66 મિમી
  • ડીસા 78 મિમી
  • દિયોદર 94 મિમી
  • ભાભર 83 મિમી
  • કાંકરેજ 38 મિમી
  • લાખણી 47 મિમી
  • સુઇગામ 79 મિમી

Spread the love

Related posts

પાંજરાપોળના હચમચાવી નાખતા દૃશ્યો:અનેક ગાયો તરફડતી જોવા મળી, પાંજરાપોળની બાજુમાં ફેંકી દેવાયેલા મૃતદેહના અવેશેષો મળ્યા; સંચાલક પર ગૌરક્ષકોએ લગાવ્યા ગંભીર આક્ષેપ

Team News Updates

AI શશિ થરૂરે અસલી થરૂરનો ઈન્ટરવ્યુ લીધો, બંનેની જુગલબંધી જોઈ દંગ રહી ગયા લોકો

Team News Updates

ભાવનગર ખાતે પધારેલા કેંન્દ્રિય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયાનું એરપોર્ટ ખાતે સ્વાગત કરાયું

Team News Updates