નિયમના અમલના કારણે ગુનાખોરી ઘટી, ઘરકંકાસ પણ ઓછા થયા: ગ્રામજનો
હરેન્દ્રસિંહ બારડ દારૂબંધી રાજ્યભરમાં લાગુ હોવા છતાં દારૂની બદીથી ઘણા ઓછા ગામો બાકાત છે. આ વાસ્તવિકતા વચ્ચે બારડોલી તાલુકાનાં કેટલાક ગામોમાં સ્વયંભૂ દારૂબંધીનો અમલ કરાવવામાં આવી રહ્યો છે. બારડોલીના કડોદ નજીક આવેલ મસાડ ગામમાં છેલ્લા પાંચ વર્ષથી સ્વયંભૂ દારૂબંધી છે. આ ઉપરાંત સરભોણની આજુબાજુ આવેલા વાઘેચ, નોગામા,તાજપોર બુજરંગ, પારડીવાઘા, તરભોણ, છીત્રા, ખરડ અને કુવાડિયા સહિતના ગામોમાં પણ છેલ્લા સાતેક વર્ષથી દારૂબંધી અમલમાં હોય આ ગામડાઓમાં કોઈ પણ વ્યક્તિ દારૂનું વેચાણ કે ઉત્પાદન કરી શકતો નથી અને જો કોઈ વ્યક્તિ આવી ગેરકાયદે પ્રવૃતિ કરતાં પકડાય તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. ગામની નવી પેઢી દારૂની બદીથી દૂર રહે તે માટે તે માટે આ ગામોના યુવાનોએ સર્વસંમતિથી આ નિર્ણય લીધા છે.
સ્થાનિકોનું કહેવું છે કે, ગામમાં દારૂ વેચાણ બંધ થતા ઘર-પરિવારમાં લડાઈ ઝઘડા ઓછા થયા છે. આ ગામડાઓએ સ્વયંભૂ દારૂબંધીનો અમલ કરી પોલીસ અને સરકારનું કામ તો ઓછું કર્યું જ છે સાથે સાથે અન્ય ગામો માટે પણ પ્રેરણા પૂરી પાડી છે. જો આ રીતે ગામડાઓમાં સ્વયંભૂ દારૂબંધીનો અમલ કરવામાં આવે તો ગુનાખોરીનો ગ્રાફ પણ ઓટોમેટિક નીચે આવી જાય તેમ છે.સામાજિક પ્રસંગો અને તહેવારો પણ શાંતિપૂર્ણ રીતે ઉજવાઇ છે. ચૂંટણીમાં પણ દારૂબંધીને કારણે ભાઈચારો જળવાઈ રહે છે. આ ઉપરાંત દારૂ પીવાની ટેવથી યુવાનો મોતના ખપ્પરમાં હોમાતા હતા તેમાં ઘટાડો નોંધાયો છે. જયેશ પટેલ, સરપંચ તરભોણ
નજીકના ગામોમાં જ્યાં દારૂ વેચાણ થતું હોય છે આવા ગામડાઓમાં દારૂ પીને આવવા પર પ્રતિબંધ ના હોય લોકો નજીકના ગામોમાં જ્યાં દારૂ વેચાણ થતું હોય છે ત્યાં દારૂ પીને આવતા હોય છે. જો કે આ માટે પણ નિર્ણય લેવાય એવી ગામના લોકોની લાગણી છે. ખાસ કરીને પોલીસ વિભાગ આવા ગામડાઓમાં પણ કડક દારૂબંધીનો અમલ કરાવે તેવી માગ ઉઠી રહી છે.