દિલ્હીના ગાઝીપુર લેન્ડફિલ સાઈટમાં રવિવાર સાંજથી ભીષણ આગ ફાટી નીકળી છે. છેલ્લા 12 કલાકથી ડમ્પિંગ યાર્ડમાંથી આગની જ્વાળાઓ સાથે ધુમાડાના ગોટેગોટા ઉઠી રહ્યા છે. ફાયર બ્રિગેડની 10 ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
દિલ્હી ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે તેમને રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે આગની માહિતી મળી હતી. શરૂઆતમાં બે ફાયર એન્જિન મોકલવામાં આવ્યા હતા. બાદમાં વધુ 8 વાહનોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 4 વાહનો ડમ્પીંગ યાર્ડના ઉપરના ભાગે છે.
આગનું કારણ ગરમ અને શુષ્ક હવામાન હોવાનું જણાવવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભીનો ભંગાર દટાઈ જાય છે અને ગરમી ઉત્પન્ન કરે છે. પછી તેમાં ગેસ બને છે, જે આગનું કારણ બને છે. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
કચરાના ઢગલામાંથી નીકળતા ધુમાડાના કારણે આસપાસની વસાહતોમાં રહેતા લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. લોકોએ સરકાર અને વહીવટીતંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.
ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે આગ બુઝાવવામાં સમય લાગી શકે છે. ઉપરથી આગ ઓલવાઈ ગયા પછી પણ લેન્ડફિલની અંદરની આગ લાંબા સમય સુધી સળગતી રહી શકે છે. પોલીસે લેન્ડફિલ સાઇટની આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો છે. ફાયર એન્જિન સરળતાથી પહોંચી શકે તે માટે રસ્તાઓ પણ સાફ કરવામાં આવ્યા છે. સામાન્ય લોકોને ત્યાં ઊભા રહેવાથી કે વીડિયો બનાવવાથી અટકાવવામાં આવ્યા છે.
એક સ્થાનિક રહેવાસીએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે ધુમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. અહીં રહેતા લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. દુર્ગંધ એટલી ખરાબ છે કે અહીં ઊભા રહેવું પણ મુશ્કેલ છે. સરકારનું ધ્યાન માત્ર ચૂંટણી પર છે. અમે જે સમસ્યાઓનો સામનો કરીએ છીએ તેના પર કોઈ ધ્યાન આપતું નથી.
દિલ્હીના મેયર શેલી ઓબેરોયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આગ ગાઝીપુર લેન્ડફિલ સાઇટના નાના ભાગમાં લાગી હતી. તમામ અધિકારીઓ સ્થળ પર હાજર છે. સ્થિતિ નિયંત્રણમાં છે.
ગાઝીપુર લેન્ડફિલ સાઈટમાં લાગેલી આગને લઈને પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. ભાજપે દિલ્હી સરકાર પર નિશાન સાધતા આરોપ લગાવ્યો હતો કે AAPએ ગયા વર્ષે 31 ડિસેમ્બર સુધીમાં ગાઝીપુર લેન્ડફિલ સાઇટ ખાલી કરવાનું વચન આપ્યું હતું, પરંતુ હજુ સુધી કંઈ થયું નથી.
દિલ્હી બીજેપી પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે કહ્યું કે લેન્ડફિલ સાઈટ પર લાગેલી આગને કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો છે. જેના કારણે ત્યાં રહેતા લોકોને મુશ્કેલી પડી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 2022ની MCD ચૂંટણી પહેલા ગયા વર્ષે 31 ડિસેમ્બર સુધીમાં લેન્ડફિલ સાઇટ ખાલી કરવાનું વચન આપ્યું હતું. જોકે, કચરો સાફ કરવાને બદલે વધુ ઉમેરવામાં આવ્યો હતો.
ગાઝીપુર લેન્ડફિલની ઊંચાઈ 2019માં 65 મીટર હતી, જે કુતુબ મિનાર કરતાં માત્ર આઠ મીટર ઓછી હતી. 2017 માં, ડમ્પિંગ યાર્ડમાંથી કચરાનો એક ભાગ બાજુના રોડ પર પડ્યો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા.
2022માં ગીઝીપુર લેન્ડફિલમાં આગની ત્રણ ઘટનાઓ બની હતી. આમાં 28 માર્ચે લાગેલી આગનો પણ સમાવેશ થાય છે, જેને બુઝાવવામાં 50 કલાકથી વધુ સમય લાગ્યો હતો.