એક તરફ ક્ષત્રિય સમાજનું આંદોલન ભાજપ માટે ચિંતા બની ગયું છે. તે સમયે રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ આવતીકાલે ગુજરાત સ્થિત રજવાડાઓના રાજવીઓની રાષ્ટ્ર પ્રથમ ચિંતન બેઠક બોલાવી છે. રણજીતવિલાસ પેલેસ ખાતે સવારે 8.45 કલાકે બેઠક યોજાશે. ક્ષત્રિય સમાજનું આંદોલન ભાજપ સામે પડકાર ફેંકી રહ્યું છે અને તેમાં ડેમેજ કંટ્રોલના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે તે સમયે સૌરાષ્ટ્ર-ગુજરાતના રાજવીઓની બેઠક મહત્વની બની રહેશે. રાજકોટના રાજવી માંધાતાસિંહજી દ્વારા આ બેઠકમાં ક્ષત્રિય સમાજના લોકોને ભારતીય જનતા પક્ષની સાથે રહેવા અપીલ કરવામાં આવે તેવી શક્યતા છે.
મહાપાલિકાના તંત્ર દ્વારા એક નવી પહેલ અપનાવવામાં આવી છે. જેમાં મહિલા ગાર્ડન રેસકોર્ષ ખાતે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર પાર્ક’ બનાવવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના વાહનોના ટાયર જેવા કે, ટ્રેક્ટર, મોટરસાયકલ, રીક્ષા, સ્કૂટર વગેરે વાહનોના બિનઉપયોગી ટાયરનો વૃક્ષ ઉગાડવાના કુંડા રૂપે ઉપયોગ કરી તેમાં વિવિધ ફૂલ છોડના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે અને આ વૃક્ષારોપણ કુંડાઓ મહિલા ગાર્ડન રેસકોર્સ ખાતે રાખવામાં આવ્યા છે. આ ‘વેસ્ટ ટુ વન્ડર પાર્ક’માં ગુલાબ, બેગમ બહાર, બારમાસી, યુંફોરબીયા, ડ્રેસીના, ઓફિસ ટાઈમ, પોટેટો ક્રીપર, ગોગન વેલીયા, ફાયક્સ, પામ, એન્થુરિયમ, શ્યામ તુલસી, રિકોમાં અને રવિના પ્રકારના ફૂલ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે.
રાજકોટ મનપા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત સ્વચ્છતામાં મહિલાઓની સહભાગીતા અને નેતૃત્વને મજબુત કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેમાં આજે પ્રોજેક્ટ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન મીટીંગ હોલમાં સ્લમ વિસ્તારમાં કાર્યરત સ્વ-સહાય જુથની બહેનો દ્વારા 3આર(રીડ્યુઝ, રીયુઝ અને રીસાઈકલ) અંતર્ગત બિન ઉપયોગી વસ્તુઓમાંથી નવીનતમ વસ્તુઓ બનાવવામાં આવી હતી. જેમાં ઘરમાં રહેલ બિનજરૂરી પ્લાસ્ટિક બોટલ્સ,જૂના બિનઉપયોગી કપડાઓ, પેપર કપ્સ, નાળિયેરના રેસા, બિનઉપયોગી જ્વેલરી આઈટમ, જૂના પૂઠા-પસ્તી, સીડી-ડીવીડી વગેરેમાંથી અન્ય ઉપયોગી અને સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં સ્વ-સહાય જુથની બહેનો દ્વારા બનાવેલ વેસ્ટમાથી બેસ્ટ પ્રોડક્ટનું નિદર્શન યોજવામાં આવ્યું હતું.
પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અન્વયે ત્રણે ઝોનમાં ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તેમજ ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 109 આસામી પાસેથી 7.96 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી, ગંદકી કરતા આસામી પાસેથી 28,567નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર 36 આસામી પાસેથી 2.56 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી તેમજ ગંદકી કરતા આસામી પાસેથી 7800, વેસ્ટ ઝોનમાં પ્લાસ્ટિકનું વેચાણ કરતા 44 આસામી પાસેથી 3.6 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી 12,000નો વહીવટી ચાર્જ તેમજ ઈસ્ટ ઝોનમાંથી 29 આસામી પાસેથી 1.8 કિલો પ્લાસ્ટિક જપ્ત કરીને ગંદકી કરતા આસામી પાસેથી 8767નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.