મોરબી શહેરના વિસીપરા વિસ્તારમાં બાળક શેરીમાં રમતું હોય ત્યારે રીક્ષા ચાલકે ગલફતભરી રીતે રીક્ષા ચલાવતા રીક્ષાના પાછળના ટાયરમાં આવી જતા 9 વર્ષના માસુમ બાળકનું મોત થયું હતું. તો અકસ્માત બાદ રીક્ષા મૂકી રિક્ષાચાલક નાસી ગયો હતો. મોરબી બી-ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબીના વિસીપરા સુમરા સોસાયટીમાં રહેતા નાજીયાબેન સુમરાએ રીક્ષાના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે નાજીયાબેન બહાર શેરીમાં બેઠા હતા અને દીકરો સુલતાન શેરીના છોકરાઓ સાથે રમતો હતો અને દોડાદોડી કરતો હતો. ત્યારે શેરીમાં એક રીક્ષા નીકળી હતી ત્યારે ફરિયાદીનો દીકરો અને અન્ય બાળકો રમતા હોય રીક્ષા વાળાએ દીકરા સુલતાનને ટાયરમાં હડફેટે લેતા બાળક વ્હીલમાં આવી ગયું હતું. જેથી દીકરા સુલતાનને શરીરે ગંભીર ઈજા પહોંચતા લોહી નીકળવા લાગ્યું હતું. તો અકસ્માત બાદ રીક્ષા ચાલક રીક્ષા મૂકી ચાલક નાસી ગયો હતો. બાળકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં બાળકનું મોત થયું હતું. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.