રાજ્યમાં હવામાન વિભાગની આગાહી આપવામાં આવી છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓ આજે રેડ એલર્ટ ઉપર છે. તો અમરેલી જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગતરાત્રીના વરસાદ વરસ્યા બાદ દિવસભર વરસાદી માહોલ વચ્ચે અમરેલી જિલ્લામાં મેઘરાજાએ કેટલાક તાલુકામાં બેટિંગ કરતા પાણી પાણી જોવા મળી રહ્યું છે.
અમરેલી જિલ્લામાં વડીયા કુંકાવાવ પંથકમાં અવિરત વરસાદના કારણે સુરવોડેમમાં નવા નીરની આવક જોવા મળી રહી છે. અહીં 4 ફૂટ પાણીની આવક જોવા મળી રહી છે. આ ડેમ ખાલી હતો તેવા સમયે પાણી આવતા ધરતીપુત્રોમાં ઉત્સાહ છવાયો છે. અહીં આસપાસના મોટાભાગના ગામડામાં વરસાદ સતત અવિરત પડી રહ્યો છે. બગસરા શહેર અને ગ્રામ્ય મોટા મુંજીયાસર,નાના મુંજીયાસર, રફાળા,સુડાવડ, સહિત ગામડામાં વરસાદ પડી રહ્યો છે. અમરેલી શહેરમાં સતત સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેના કારણે શહેરનું જનજીવન ખુશખુશાલ જોવા મળી રહ્યું છે સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ પંથકના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ તો ક્યાંક ઝાપટા વચ્ચે વરસાદ ધીમીધારે પડી રહ્યો છે.
ખાંભા શહેરમાં ધોધમાર વરસાદ પડવામાં કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા અને ખાંભાના બોરાળા, ચકરાવા,કટાળા, સહિત ગીર જંગલ નજીક આવેલ ગામડાઓમાં વરસાદ પડી રહ્યો છે. આમ સમગ્ર જિલ્લામાં ભારે વરસાદી માહોલ છવાયો છે. જે રીતે હવામાન વિભાગની આગાહી જાહેર કરવામાં આવી રહી છે તે રીતે વરસાદ અહીં પડી રહ્યો છે.
અમરેલી તાલુકાના મોટાભાગના ગામડામાં વરસાદ પડ્યો હતો જેમાં માચિયાળા ગામ નજીકથી પસાર થતી ઠેબી નદીના કોઝવે પર પાણી ફરી વળ્યાં હતા. જેના કારણે ભીમનાથ મહાદેવ મંદિર તરફ જવાનો માર્ગ બંધ થયો છે. સમગ્ર ગ્રામ્ય વિસ્તારના જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.