છોટા ઉદેપુર જિલ્લામાં બે દિવસથી મેઘ મહેર શરૂ થતાં જિલ્લાની બીજી સૌથી મોટી હેરણ નદી બે કાંઠે થઈ છે, જેને લઇને હેરણ નદી પરનો રાજવાસણા આડબંધ ઓવરફ્લો થયો છે.
છોટા ઉદેપુર જિલ્લામાં દશેક દિવસના વિરામ બાદ બે દિવસથી ફરીથી મેઘ મહેર શરૂ થઈ છે અને છોટા ઉદેપુર જીલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે, ઉપરાંત ઉપરવાસના મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદ પડતાં જિલ્લામાંથી વહી રહેલી નદીઓમાં પુર આવ્યા છે. જેમાં જિલ્લાની બીજી સૌથી મોટી હેરણ નદીમાં પુર આવતા બે કાંઠે થઈ છે.
હેરણ નદી બે કાંઠે થતાં રાજ વાસણા આડબંધ ઓવરફ્લો રહ્યો છે. સીઝનમાં પાંચમી વખત હેરણ નદી બે કાંઠે થઈ છે. જેને લઇને રાજવાસના ખાતેનો આડબંધ ઓવરફ્લો થતાં આહલાદક દૃશ્યો જોવા મળી રહ્યા છે. અને આ આહલાદક દ્રશ્યો જોવા માટે વહેલી સવારથી લોકો રાજ વાસણા ખાતે ઉમટી પડ્યા છે.