હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે ગુજરાત રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે. જેમાં આજે રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે જ વીજળીના ચમકારા પણ અનુભવાશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તથા ઉત્તર-સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટા છવાયા વાદળો છવાશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં જે ડિપ્રેશન સર્જાયું હતું તે નબળું પડતા હાલમાં વેલમાર્ક લો પ્રેશર બન્યું છે તથા તે ઓમાન તરફ ગતિ કરી રહ્યું છે અને તેને કારણે ગુજરાત ઉપર કોઈપણ પ્રકારે અને કોઈપણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા નથી. ફક્ત સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તદુપરાંત રાજ્યના અન્ય ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. ઉલ્લેખનીય છે કે, વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગના રહેવાસીઓને બફરાનો પણ અનુભવ થશે. પરંતુ આગામી ચાર દિવસ બાદ રાજ્યભરના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે.
મહત્વનું છે કે, છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ બંધ થવાથી ધીમે ધીમે તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી સેલ્સસિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતાં એક ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 25.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય લઘુત્તમ તાપમાન કરતા 3.7 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું.