નેવી ચીફ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીએ સોમવારે જણાવ્યું હતું કે, ફ્રાન્સ સાથે નેવી વેરિઅન્ટના 26 રાફેલ-એમ (મરીન) માટેનો સોદો ફાઈનલ થવાનો છે. આ સાથે 3 સ્કોર્પિન સબમરીન માટે ડીલ પર પણ વાતચીત છેલ્લા તબક્કામાં છે. જાન્યુઆરી 2025 સુધીમાં આ ડીલ ફાઇનલ થવાની શક્યતા છે.
નેવી ચીફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ કહ્યું કે, આગામી 10 વર્ષમાં 96 જહાજો અને સબમરીનને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે. 62 જહાજો અને એક સબમરીન હાલમાં નિર્માણાધીન છે. ડિસેમ્બર 2025 સુધી દર મહિને એક જહાજ નેવલ ફ્લીટમાં સામેલ કરવામાં આવશે.
જુલાઈ 2023 માં, સંરક્ષણ મંત્રાલયે ફ્રાન્સ પાસેથી રાફેલ-એમ જેટ ખરીદવાની મંજૂરી આપી હતી, જે સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે.
પાકિસ્તાનના 50 જહાજોના નૌકાદળના કાફલાના સવાલ પર એડમિરલ ત્રિપાઠીએ કહ્યું કે, પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને જોતા આશ્ચર્ય થાય છે કે તેમને જહાજ અને સબમરીન કેવી રીતે મળી રહી છે. અમે ચીન-પાકિસ્તાનના દરેક સંભવિત ખતરાનો સામનો કરવા તૈયાર છીએ.
નૌકાદળના વડાએ કહ્યું કે, ભારતમાં બનેલી પ્રથમ ન્યુક્લિયર પાવર્ડ સબમરીન (SSN) 2036-37 સુધીમાં કાર્યરત થઈ જશે. તેના બાંધકામની મંજૂરી 2 મહિના પહેલા જ સરકાર તરફથી મળી હતી. બીજી સબમરીન પણ પ્રથમ સબમરીનના કમિશનિંગના બે વર્ષમાં કાર્યરત થઈ જશે. ભારતીય નૌકાદળ આવી 6 સબમરીન બનાવશે.
ન્યુક્લિયર પાવર્ડ સ્ટ્રાઇક સબમરીન લાંબા સમય સુધી પાણીની અંદર રહી શકે છે. આ સિવાય ભારતમાં ડીઝલ ઈલેક્ટ્રીક અને ડીઝલ સંબ્રીન છે. ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીનને બેટરી ચાર્જ કરવા માટે દિવસમાં ઓછામાં ઓછું એક વખત સપાટી પર આવવું પડે છે. આ દરમિયાન સબમરીન પર હુમલાનો ભય રહે છે.
હવા-સ્વતંત્ર પ્રોપલ્શનથી સજ્જ ડીઝલ સબમરીન લાંબા સમય સુધી પાણીની અંદર રહી શકે છે, પરંતુ આ સબમરીનને ઓનબોર્ડ હથિયારો તેમજ ઝડપમાં સમાધાન કરવું પડે છે. તેથી નેવીએ પરમાણુ સંચાલિત સ્ટ્રાઈક સબમરીનની માંગણી કરી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ ઓડિશાના પુરીમાં 4 ડિસેમ્બરે આયોજિત નૌકાદળ દિવસની ઉજવણીમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ, સબમરીન, જહાજો અને હેલિકોપ્ટર પુરી બ્લુ બીચના કિનારે 15થી વધુ જહાજો, 40થી વધુ એરક્રાફ્ટ, ઘણા હેલિકોપ્ટર, સબમરીન અને ડ્રોન પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. આ પછી લેસર અને ડ્રોન શો પણ થશે.