સુરતમા 2700 કરોડની મસમોટી GST ચોરીનો મુખ્ય સુત્રધાર સુફિયાનની ધરપકડ કરવામાં આવી છે. સુરત ઇકોસેલે સુફિયાન કાપડિયાની ધરપકડ કરી છે. અગાઉ 18 આરોપીની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સુફિયાન 19મો આરોપી છે. સુફિયાને જ GST ચોરીની શરૂઆત કરી હતી. ખોટા દસ્તાવેજના આધારે બોગસ પેઢી ખોલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી આ ગ્રુપ GST ચોરી કરતું હતું. કરોડોની GST ચોરી કઈ જગ્યાએ વાપરી તે અંગે તપાસ ચાલુ છે.
સુરતમાં 8 જેટલી નવી પેઢી ઉભી કરી હતી
પોલીસના જણાવ્યા પ્રમાણે સુરતના DCB પોલીસ સ્ટેશન ખાતે આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં સુરત ઇકો સેલને એવી માહિતી મળી હતી કે, સુરતમાં 8 જેટલી નવી પેઢી ઉભી કરવામાં આવી છે, જેમાં બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ થયો છે. જેના દ્વારા કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન કરીને સરકાર સાથે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને છેતરપિંડી કરવામાં આવી છે.
કુલ 1500 જેટલી કંપની નકલી બનાવી
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આ હકિકતના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરતા તેનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું. સંયુક્ત પણે છ શહેરમાં છ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે ભાવનગર, અમદાવાદ, મોરબી, સુરત, જુનાગઢમાં કોન્સન્ટ્રેશન કરવામાં આવ્યું હતું. તેમજ એકસાથે 14 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસ આગળ વધતી ગઈ અને અત્યારસુધીમાં 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ જે ટ્રાન્જેક્શન છે તે 2700 કરોડ રૂપિયાનું છે. કુલ 1500 જેટલી કંપની નકલી બનાવ્યાનું સામે આવ્યું હતું. તેમાં 1300 જેટલી કંપની ગુજરાતમાં રજિસ્ટર્ડ થયેલી છે.