આજે શુક્રવારે વૈશાખી પૂનમ નિમિત્તે ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર અને વડતાલમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ખાસ દર પૂનમ ભરવા દુર દુરથી આવતાં ભક્તોમાં આજે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડાકોરમાં તો ભગવાન ભક્તો માટે વહેલા ઉઠ્યા હતા અને ભક્તોને દર્શન આપ્યા હતા.
વૈશાખ સુદ પૂનમ નિમિત્તે ભક્તો ભગવાનના દ્વારે દર્શન કરવા પહોંચ્ય છે. જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આજે વહેલી સવારની મંગળા આરતીથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારે 5:15 વાગ્યે મંગળાઆરતી, જે બાદ 8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહ્યા હતા. આ બાદ 8:30 ભગવાનને 3 ભોગ ધરાવવામાં આવ્યા હતા. આ પછી 12:30 સુધી ઠાકોરજીના રાજભોગ દર્શન પછી 4 વાગ્યે મંદિર ખુલશે. આ દરમિયાન ઠાકોરજીને કેરીનો રસ અને દૂધભાત ધરાવાયા હતા.
દુર દુર પગપાળા દર્શન કરવા આવેલા ભક્તોમાં દર્શન કરી રાજીપો વ્યક્ત કર્યો હતો. દર્શન કરવા આવનાર દર્શનાર્થીઓ માટે ભંડારાની પણ સુવિધા ભક્તો દ્વારા કરાઈ છે. આ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય રાજધાની વડતાલ ખાતે પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભગવાન શ્રી હરીના દર્શન કરવા ભક્તો સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાંથી લોકો ઉમટ્યા છે. આમ વૈશાખી પૂનમ ભરવા ઠેકઠેકાણેથી ડાકોર અને વડતાલમાં આવતાં ભક્તિમય વાતાવરણ સર્જાયું છે.