વન-ડે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે. વન-ડે વર્લ્ડ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાવાની છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અમદાવાદમાં ભારત-પાક મેચ યોજવાનું આયોજન કરી રહ્યું છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIએ અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ યોજવાનો નિર્ણય લીધો છે.
છેલ્લી વખત પાકિસ્તાન 2016માં ઈડન ગાર્ડન્સમાં આવ્યું હતું
પાકિસ્તાનની ટીમ છેલ્લે T20 વર્લ્ડ કપ દરમિયાન 2016માં ઈડન ગાર્ડન્સમાં રમી હતી. પાકિસ્તાનનો મેચ ભારત સામે હતો. જેમાં ભારતે 6 વિકેટે જીત મેળવી હતી.
12 સ્થળો શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે
તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે અને તેના માટે 12 સ્થળોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં ચેન્નાઈ અને કોલકાતાનો પણ સમાવેશ થાય છે. બાકીના 10 સ્થળો અમદાવાદ, લખનઉ, મુંબઈ, રાજકોટ, બેંગલુરુ, દિલ્હી, ઈન્દોર, ગુવાહાટી, હૈદરાબાદ અને ધર્મશાલા છે.
PCBએ ચેન્નાઈ અને કોલકત્તાને ફેવરિટ ગણાવ્યા છે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICCને સુરક્ષા કારણોસર કોલકાતાના ઈડન ગાર્ડન્સ અને ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં વન-ડે વર્લ્ડ કપ દરમિયાન તેની તમામ મેચ રમાડવાની વિનંતી કરી છે.
ભારત-પાકિસ્તાને છેલ્લે 2019માં વન-ડે મેચ રમી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી વન-ડે મેચ 2019 વર્લ્ડ કપ દરમિયાન ઇંગ્લેન્ડના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાઈ હતી. બન્ને ટીમ અત્યાર સુધી વન-ડેમાં 132 વખત સામસામે આવી ચુકી છે. તેમાંથી 55માં ભારતે જીત મેળવી છે. જ્યારે પાકિસ્તાને ભારતને 73 વખત હરાવ્યું છે. તો, 4 મેચ અનિર્ણિત રહી છે.
વન-ડે વર્લ્ડ કપમાં રમાયેલી તમામ મેચ ભારતે જીતી લીધી છે
વન-ડે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન સાત વખત આમને સામને આવી ચૂક્યા છે. ભારતે તમામ મેચ જીતી છે. 1992ના વન-ડે વર્લ્ડ કપમાં પ્રથમ વખત ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ હતી.