રાજકોટ મનપાની ટીપી શાખા દ્વારા આજે વેસ્ટ ઝોન વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બે પ્લોટ અને ટીપીના રોડ પરથી 12 મકાન, 2 ઓરડી, કમ્પાઉન્ડ વોલ સહિતના બાંધકામ તોડી પાડયા હતા. અને રૂ. 84.80 કરોડની કિંમતની 5326 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં હતી. આશારામ આશ્રમના રસ્તે 12 આસામી ગેરકાયદે મકાન બાંધીને રહેતા હતા જે નોટીસો આપ્યા બાદ આજે તોડી પાડવામાં આવ્યા છે. આજે કમિશ્નર આનંદ પટેલની સુચનાથી ટીપી શાખાએ વોર્ડ નં. 1, 9 અને 11માં બુલડોઝર ફેરવ્યા હતા.
પાટીદાર ચોક પાસે બુલડોઝર ફરી વળ્યાં
મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ વોર્ડ નં.1માં આવેલ ટીપી સ્કીમ નં. 22 રૈયાના અંતિમ ખંડ નંબર 39/બીમાં પાર્કિંગ હેતુનો પ્લોટ આવેલો છે. રૈયા રોડ ઉપર ન્યારા પેટ્રોલ પંપ પાછળ કૈલાસધારા પાર્કમાં આ પ્લોટમાં એક ઓરડી ખડકાઇ હતી. જે તોડી 192 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. અહીં રૂા.60 હજાર પ્રતિ ચો.મી. ભાવ લેખે 1.11 કરોડનો પ્લોટ ખુલ્લો કરાવવામાં આવ્યો છે. તો ન્યુ રાજકોટમાં જ વોર્ડ નં.9માં રૈયા ટીપી સ્કીમ નં. 16માં વાણીજય વેચાણ હેતુનો અંતિમ ખંડ નં. 59/એનો પ્લોટ આવેલો છે. પાટીદાર ચોક પાસે નોવા સ્કુલ બાજુમાં રહેલા પ્લોટમાં એક ઓરડી અને મોટી કમ્પાઉન્ડ વોલ કોઇએ બાંધી દીધા હતા. બંને દબાણો હટાવીને 1195 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. રૂા.70 હજારના ભાવ લેખે 83.65 કરોડની કિંમતી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
12 રહેણાંક મકાન ખડકાયેલા હતા
આ રીતે વોર્ડ નં. 11માં કણકોટ રોડ પર પણ ડિમોલીશન કારરવામાં આવ્યું હતું. જેમાં ટીપી સ્કીમ નં. 16 મોટામૌવામાં કાલાવડ રોડ પર હાઉસીંગ બોર્ડ પાછળ આશારામ આશ્રમ તરફ 12 મીટરનો ટીપી રોડ કણકોટ તરફ જાય છે. આ જગ્યામાં લાંબા સમયથી 12 રહેણાંક મકાન ખડકાયેલા હતા. તેમાં પરિવારો રહેતા પણ હતા. આ આસામીઓને રોડ ખાલી કરવા તબકકાવાર ત્રણ વખત નોટીસ આપવામાં આવી હતી. પરંતુ તેઓ મકાન છોડતા ન હતા. છેલ્લે તાજેતરમાં રૂબરૂ પણ દબાણ હટાવવા નોટીસ આપવામાં આવી હતી. બાદમાં આજે ટીપીઓની સુચનાથી સ્ટાફે બુલડોઝર સહિતના સાધનો સાથે સ્થળ ઉપર જઇ 12 મકાન અને કમ્પાઉન્ડ વોલ હટાવાયા હતા. તો 3938 ચો.મી. જગ્યામાં અને 354 રનીંગ મીટર લંબાઇમાં રોડ પરનાં આ બાંધકામ પણ દૂર કરવામાં આવ્યા હતા.