News Updates
NATIONAL

ઓનલાઇન કામવાળી શોધતાં પહેલાં ચેતજો:રાજકોટમાં યુવતીએ મેઈડ સર્વિસમાંથી કામવાળી બોલાવી, બે દિવસમાં નોકરાણી 7.24 લાખનો મુદ્દામાલ લઈને રફુચક્કર, દિલ્હીથી ઝડપાઈ

Spread the love

જો આપ જસ્ટ ડાયલમાંથી ઘરના કે ઓફિસનાં કામ માટે કામવાળાની શોધ કરતા હોય તો સાવધાન થઇ જજો. કારણ કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એક એવી મહિલાની ધરપકડ કરી છે જે પોતે જસ્ટ ડાયલમાં મેઈડ પ્લેસમેન્ટ એજન્સી થકી કામ કરતી હતી. કોઈ પણ જગ્યાએ ઘરકામ માટે રહી નોકરાણી તરીકે કામ કરી બાદમાં મકાનમાલિકનો વિશ્વાસ કેળવી એ જ મકાનમાં ચોરીને અંજામ આપીને ફરાર થઈ જતી હતી. આ મહિલા ઝડપાતાં રાજ્યવ્યાપી ગેંગનો પર્દાફાશ થયો છે.

બે સાગરીતની શોધખોળ શરૂ
રાજકોટ શહેરના નિર્મલા રોડ પર સિલ્વર આર્ક એપાર્ટમેન્ટ 202 નંબરના ફ્લેટમાં દિલ્હીથી નોકરાણી તરીકે આવીને માત્ર બે દિવસ ઘરકામ કરી લાખોની મતા લઈને ફરાર થઈ ગયેલી પરપ્રાંતિય મહિલાને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એક મહિના બાદ અંતે દિલ્હી ખાતેથી વેશપલટો કરીને ઝડપી પાડી છે. જસ્ટ ડાયલ થકી મેઈડ પ્લેસમેન્ટ એજન્સીના નામે કર્ણાટકના બેંગલુરુ, ઉતરાખંડના હરિદ્રાર, યુ.પી.ના મોરાદાબાદ સહિતના સ્થળે પણ ઘરોમાં ચોરી કર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે મુખ્ય સૂત્રધાર દિલ્લીની મહિલાની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તેમજ તેમના સાથી બે સાગરીતોની શોધખોળ હાથ ધરી છે.

કમિશન પણ આપ્યું હતું
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર સિલ્વર આર્ક એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી પ્રાંચીબેન ગૌરાગભાઇ કોટેચાએ જસ્ટ ડાયલ થકી દિલ્હીની મેઈડ પ્લેસમેન્ટ એજન્સીનો ઓનલાઈન સંપર્ક કર્યો હતો. અને તેમાંથી મહિલા અનુદેવી ઉર્ફે કલવતી ઉર્ફે સોની શકિતકુમોર મિશ્રાને ગત મહિને કામ પર રાખવામાં આવી હતી. જેમાં મેઈડ પ્લેસમેન્ટ એજન્સીને મહિલાને કામ પર રાખવા અંગે કમિશન પણ ચૂકવવામાં આવ્યું હતું. બે દિવસ ઘરકામ કર્યા બાદ મકાનમાલિક મહિલા બહાર ગયાં હતાં અને તેનો પતિ બહારગામ હતો જેથી મોકાનો ફાયદો ઉઠાવી ઘરમાંથી સોનાના દાગીના-વીંટી સહિતનો મુદ્દામાલ ઉઠાવીને ગત તારીખ 15-04-2023ના અનુદેવી ફરાર થઇ ગઇ હતી. જેને લઈ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

રહેણાક બદલતી રહેતી હતી
ક્રાઈમ બ્રાંચની ટીમે અલગ અલગ વિસ્તારમાં CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી દરમિયાન ક્રાઈમ બ્રાંચના ASI ફિરોઝભાઈ શેખ, વિક્રમભાઇ લોખીલ, મોહિલરાજસિંહ ગોહિલને મહિલા દિલ્હી હોવાની માહિતી મળી હતી જેના આધારે PI બી.ટી.ગોહિલ, PSI એ.એન.પરમારની ટીમ તપાસમાં દિલ્હી ખાતે પહોંચી હતી. દિલ્હીમાં પણ મહિલા સતત પોતાનું રહેણાક બદલતી રહેતી હતી અને કોઈ પુરાવાઓ છોડતી નહોતી. એ દરમિયાન મહિલાના રહેણાકની ચોક્કસ માહિતી મળી હતી. જે વિસ્તાર પણ સંવેદનશીલ હોવાથી રાજકોટથી પહોંચેલી ક્રાઈમ બ્રાંચની ટીમે સ્થાનિક પોલીસની મદદ લીધી હતી અને થોડા દિવસ વેશપલટો કરીને એ વિસ્તારમાં રોકાણ કર્યુ હતું અને મોકો મળતા આરોપી મહિલા અનુદેવીને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

ઝારખંડની વતની છે
આરોપી મહિલા મૂળ ઝારખંડ રાજ્યના રામગઢ જિલ્લાના દુદુઆ ગામની વતની છે. તે દિલ્હીમાં તેના સાગરીત શ્યામ અને વિશાલ સાથે મળી અલગ અલગ રાજ્યોમાં ઘરકામ માટેની મહિલા બનીને હાથફેરો કરવાની મોડેસ ઓપરેન્ડી ધરાવતી હતી. વિશાલ અને શ્યામ બન્ને પ્લેસમેન્ટ એજન્સી ચલાવતા હોવાનો અને જસ્ટ ડાયલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેથી કોઇને કામવાળાની જરૂર હોય અને મદદ માટે જસ્ટ ડાયલમાં કોલ કરે તો ત્યાંથી નંબર મળતો હતો. નંબર પર સંપર્ક કરનારાઓને કામવાળી તરીકે અનુદેવીને મોકલી દેવાતી હતી.

આ રાજ્યોમાં પણ ચોરી કરી છે
મહિલાની પૂછતાછ હાથ ધરાતાં મહિલા ચારથી પાંચ માસ પહેલાં કર્ણાટકના બેંગલુરુમાં કામવાળી તરીકે રહી હતી ત્યાંથી એક મોબાઇલ ફોન અને 87000 રૂપિયાની ચોરી કરી હતી જ્યાં નાણાં ગૂગલ પેથી તેના એજન્ટના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ અંગે બેંગલુરુમાં ફરિયાદ નોંધાઈ છે. આ પછી ઉત્તરાખંડના હરિદ્રારમાં બે-ત્રણ માસ પહેલાં ઘરકામના બહાને રહી બે-ત્રણ દિવસ કામ કરીને ચોરી કરી નીકળી ગઈ હતી અને પછી ત્યાંથી યુપીના મોરાદાબાદમાં કામે ગઇ અને ત્યાંથી પણ ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

7.24 લાખનો મુદામાલ કબજે
હાલ પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 19,000 રોકડ તેમજ 30,000 કિંમતના બે મોબાઈલ અને સોના ચાંદીના દાગીના મળી કુલ 7.24 લાખનો મુદામાલ કબજે કરી તેના બે સાગરીતની શોધખોળ હાથ ધરી છે. પોલીસને હજુ વધુ ગુનાના ભેદ ઉકેલાય તેવી આશંકા છે જેના આધારે મહિલાના રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.


Spread the love

Related posts

Go First બાદ શું હવે બંધ થશે સ્પાઈસ જેટ? NCLTએ મોકલી નોટિસ

Team News Updates

સુરતનું ટેક્સ કલેક્શન આકાશ આંબશે:ડાયમંડ બુર્સ શહેરના ટેક્સનો ખજાનો વધારશે વાર્ષિક 1900 કરોડના ક્લેક્શનથી પરોક્ષ લાભ

Team News Updates

PM મોદી આજે દક્ષિણ ભારતના પ્રવાસે, તામિલનાડુ, કેરળ અને તેલંગાણામાં જનસભાને સંબોધિત કરશે

Team News Updates