આઝાદીના 75 વર્ષ પછી પણ અરવલ્લી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાના કાયમી નિકાલ માટે પ્રાંત કચેરીએ ધરણાં કરવા પડે તે કેટલી શરમજનક બાબત કહેવાય….???
આ આજની પરિસ્થિતિની વરવી વાસ્તવિકતા છે…!!!
બાયડ તાલુકાના પેન્ટરપુરા ગામે સોલંકી પરિવારના રહીશોને ઘરથી મુખ્ય માર્ગ સુધી પહોંચવાના રસ્તાના મુદ્દે આ બીજી વખત આંદોલન કરવું પડ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
પેન્ટરપુરાના ગ્રામજનોએ બુધવારના રોજ પ્રાંત કચેરીએ રસ્તાના કાયમી સુખદ નિકાલ માટે ઘરણાં કાર્યક્રમ યોજ્યો છે.
ડેમાઈ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા પેન્ટરપુરા ગામના સોલંકી પરિવારને વર્ષોથી તેમની વસ્તીથી પેન્ટરપુરા ગામમાં મુખ્ય માર્ગે પ્રવેશવાના રસ્તાનો પ્રશ્ન પેચીદો બનેલો છે.
આ અગાઉ પણ ગ્રામજનોએ આંદોલન કરતાં અધિકારીઓએ સમજાવટ કરી રસ્તા માટે કાયમી સમાધાન કરેલ પરંતુ ફરીથી પાછું રસ્તા વચ્ચે આવતી મિલકતના માલિકોએ રસ્તા વચ્ચે આડશો ઉભી કરી દેતાં ગામમાં લગ્ન પ્રસંગ હોઈ ગ્રામજનોને રસ્તાની ફરીથી પાછી મૂંઝવણ ઊભી થતાં ના છૂટકે બાયડ પ્રાંત કચેરીએ આજરોજ ધરણાંનો કાર્યક્રમ કરવો પડ્યો હતો.
પેન્ટરપુરાના ગ્રામજનોએ રસ્તા બાબતે પ્રાંત કચેરીએ ધરણાંનો કાર્યક્રમ કરતાં સફાળા જાગેલા તંત્રએ સર્કલ, તલાટી અને તંત્રને દોડતું કરી દીધું હતું.
મામલાની જાણ થતાં પ્રાંત કચેરીએ આવી પહોંચેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ સોલંકી પરિવારના તેમના ઘરથી બહાર નીકળવાના રસ્તાના પ્રશ્ને પ્રાંત અધિકારી બાયડ, મામલતદાર બાયડને તાત્કાલિક કાયમી સુખદ નિકાલ લાવવા તાકીદ કરી હતી.
આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી પેન્ટરપુરાના સોલંકી પરિવારના તેમના ઘરથી બહાર નીકળી ગામમાં પ્રવેશવાના માર્ગનો કોઈ ઉકેલ આવ્યો હોય તેમ જણાતું નથી.
અહેવાલ : જગદીશ પ્રજાપતિ (અરવલ્લી)