વડોદરાના પાદરામાં હિન્દુ નામ ધારણ કરીને સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચારનાર વિધર્મી પરિણીત યુવાનની પાદરા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
સગીરા કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે
પાદરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આ બનાવની વિગત એવી છે કે, સગીરા મિતલ (નામ બદલ્યું છે) વડોદરાની કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. સંગીતમાં અભ્યાસ કરી રહેલી મિતલ એક વર્ષ પહેલાં પાદરમાં રહેતી અને સાથે અભ્યાસ કરતી સહેલી ટીના (નામ બદલ્યું છે)ના ઘરે મળવા માટે ગઇ હતી. જ્યાં ટીનાને મળવા માટે તેનો મિત્ર સાહિલ વ્હોરા હાજર હતો. તે સમયે હાય..હેલો..નો પરિચય થયો હતો. ત્યારે સાહિલે પોતાનું નામ જણાવ્યા વગર મિતલને પૂછ્યું કે, તું બ્યુટી પાર્લરનું કામ કરે છે? જેના જવાબમાં મિતલે ના, હું અભ્યાસ કરું છું, કહીને જતી રહી હતી.
સગીરાનો નંબર મેળવી વાત કરવાનું શરૂ કર્યું
દરમિયાન, સાહિલે તેની મિત્ર ટીના પાસેથી બ્યૂટીપાર્લરના કામના નામે મિતલનો ફોન નંબર લીધો હતો. ફોન નંબર લીધા બાદ સાહિલે હું વિકી બોલું છું, આપડે ટીનાના ઘરે મળ્યા હતા, હું પાદરમાં જ રહું છું. તેવી ઓળખ આપી મિત્રતા કરી હતી. તે બાદ અવારનવાર ફોન કરી મિત્રતા ઘાઢ બનાવી હતી. એકવાર મિતલને કહ્યું કે, તું મને બહુ ગમે છે, મારે તારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે, તું કરીશ? ત્યારે મિતલે ફ્રેન્ડશીપ કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. જો કે, સાહિલે તેનો પીછો છોડ્યો નહોતો અને મિતલને પ્રેમભરી વાતો કરી ફ્રેન્ડશીપ કરવા માટે મજબૂર કરી દીધી હતી. બાદમાં બંનેએ ફોન ઉપર વાતો કરવાનું અને હરવા-ફરવાનું શરૂ કર્યું હતું. સમય જતાં સગીર મિતલ વિકીના પ્રેમજાળમાં બરાબર ફસાઇ ગઇ હતી. વિકી ઉર્ફ સાહિલ જ્યારે મિતલને કહે ત્યારે ફરવા જતી હતી.
લગ્નની લાલચે સાહિલ જેમ કહેતો તેમ કરતી
પાદરામાં ઝંડા બજારમાં રહેતા 26 વર્ષીય પરિણીત સાહિલ સલીમ વ્હોરાએ વિકી નામ ધારણ કરીને સગીર મિતલને પ્રેમજાળમાં ફસાયા બાદ મિતલને લગ્ન કરવાની લાલચ આપી હતી. અવારનવાર પાદરા નજીક દરાપુરા ગામની સીમમાંથી પસાર થતા હાઇવે પાસે લઈ જતો હતો અને દુષ્કર્મ આચરતો હતો. મિતલ પણ વિકી સમજીને અને લગ્નની લાલચમાં સાહિલ જેમ કહે તેમ કરતી હતી.
તહેવારના દિવસે ધર્મની સગીરાને ખબર પડી
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મિતલ 10 માસ પહેલા પાદરામાંથી પસાર થઈ રહી હતી. તે સમયે મુસ્લિમ સમાજનો તહેવાર હતો. ત્યારે વિકી નામ આપીને અને લગ્નની લાલચ આપીને અવારનવાર દુષ્કાર્મ આચારનાર સાહિલને એને મુસ્લિમ પોશાકમાં જોતા ચોકી ઉઠી હતી અને તે દિવસે તેને ફોન કરવાનું ટાળ્યું હતું. દરમિયાન બીજા દિવસે મિતલે વિકી નામ આપીને ફસાવનાર સાહિલને ફોન કરીને જણાવ્યું કે “તું મુસ્લિમ છે ને ? ત્યારે સાહિલે જણાવ્યું હતું કે, તને હવે ખબર પડી જ ગઈ છે તો શા માટે પૂછે છે” ત્યારે મિતલે સાહિલને કહ્યું કે, “આજ પછી આપણા બંને વચ્ચેના પ્રેમ સંબંધ રહેશે નહીં, તું તારા રસ્તે અને હું મારા રસ્તે. મને હેરાન કરીશ નહીં મારી સાથે વાત કરીશ નહીં.”
રસ્તે પસાર થતા લોકોએ મારથી બચાવી
જે બાદ પણ સાહિલે મિતલનો પીછો છોડ્યો ન હતો અને મિતલને છેલ્લી વખત મળવાના નામે બોલાવી દરાપુરા ગામ પાસેથી પસાર થઈ રહેલા નવીન હાઈવે પાસે લઈ ગયો હતો. ત્યાં મિતલને લગ્નની લાલચ આપીને પ્રેમ સંબંધ રાખવા માટે મજબૂર કરવા પ્રયાસ કર્યો હતો. તે વખતે સાહિલે મિતલને એમ પણ જણાવ્યું હતું કે “હું પરિણીત છું અને મારે સંતાનો પણ છે, પરંતુ હું તને પ્રેમ કરું છું, તું મારી સાથે સંબંધ રાખ” પરંતુ મિતલે સ્પષ્ટ ઇન્કાર કરી દેતા સાહિલ રોષે ભરાયો હતો અને સગીરાને ઢોર માર માર્યો હતો. તે સમયે પસાર થઈ રહેલા લોકોએ સાહિલના મારથી મિતલને બચાવી હતી.
જાનથી મારી નાખવાની ધમકી
દરમિયાન સાહિલે મિતલને જણાવ્યું હતું કે, જો તું મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ અને તારા ઘરે આવીને તારી આબરૂના ધજાગરા ઉડાવી દઈશ. સાહિલની ધમકીથી ગભરાયેલી મિતલે સમગ્ર બાબત પોતાની વિધવા માતા અને ભાઈને જણાવી હતી. તે બાદ મિતલે પાદરા પોલીસ મથકમાં હિન્દુ નામ વિકી ધારણ કરીને પ્રેમની જાળમાં ફસાવી તેમજ લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચારનાર સાહિલ સલીમ વ્હોરા સામે ફરિયાદ નોંધાવી હતી.
વધુ તપાસ ડીવાયએસપી કરી રહ્યા છે
પાદરા પોલીસ મથકના પી.આઈ એલ. બી. તડવીએ જણાવ્યું હતું કે, સાહિલ વ્હોરા સામે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો દાખલ કરી, ગણતરીના કલાકોમાં સાહિલ વ્હોરાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવની વધુ તપાસ એસટી-એસસી સેલના ડીવાયએસપી બી.એચ.ચાવડા કરી રહ્યા છે.