મહાશિવરાત્રિના પાવન દિવસે વડોદરાના યુવાને એક પૈડાની સાઇકલ ઉપર સવારી કરી શિવજીનું ચિત્ર બનાવતાં 7 કિલોમીટરનું અંતર કાપી વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. 7 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ તેણે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાના 8મા વિશ્વ રેકોર્ડ માટેની દાવેદારી નોંધાવી હતી.
શિવજીનું રેખાચિત્ર બનાવ્યું
શહેરના હરણી રોડ ઉપર આવેલા નાથીબાનગરમાં રોનિત રાજેશભાઇ જોષી પરિવાર સાથે રહે છે. 20 વર્ષીય રોનિત એમ.એસ. યુનિવર્સિટીમાં બી.એ. વિથ સાઇકોલોજીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે અને 7 વિશ્વ રેકોર્ડ્સ ધરાવે છે. આજે મહાશિવરાત્રિના પાવન પર્વે પોતાની યુનિસાઇકલ (એક પૈડાની સાઇકલ) ઉપર સવાર થઈને 7 કિલોમીટરના અંતરમાંથી કાગળ ઉપર શિવજીનું રેખાચિત્ર (સ્કેચ) અંકિત કર્યું હતું.
આઠમા વિશ્વ રેકોર્ડ માટે દાવેદારી નોંધાવી
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ રોનિતે યુનિસાઇકલ ઉપર સવાર થઈને ક્યૂબ સોલ્વ કરેલા છે, આપણો રાષ્ટ્રધ્વજ લઈને પણ યુનિસાઇકલ ઉપર રેકોર્ડ્સ બનાવેલો છે. આજે મહાશિવરાત્રિના દિવસે તેણે વડોદરા-હાલોલ રોડ ઉપરના વડોદરા ટોલનાકાથી સવારે 6-30 વાગ્યે નીકળીને આમલિયારા ગામ સુધીની સાઇકલયાત્રા દરમિયાન શિવજીનું ચિત્ર બનાવ્યું હતું. એ બાદ તેણે લગભગ 8 વાગ્યા સુધીમાં અને એમ.એસ. યુનિવર્સિટી પેવેલિયન ગ્રાઉન્ડ, ફતેગંજ, વડોદરા સ્થળે “યોગ શિબિર” માં પહોંચી ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાના આઠમા વિશ્વ રેકોર્ડ માટેની દાવેદારી નોંધાવી હતી.
મારા જીવનમાં મહિલાઓનો સિંહફાળો રહ્યો છે
એમ.એસ. યુનિવર્સિટી ખાતે ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ શિબિરમાં એક પૈડાની સાઇકલ લઇને આવી પહોંચેલા રોનિતનું માજી ધારાસભ્ય સીમાબહેન મોહિલે અને યોગ શિબરના શિક્ષકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેણે પોતાની સિદ્ધિ અંગે જણાવ્યું હતું કે આજે વુમન્સ ડે છે. મારા જીવનમાં મહિલાઓનો સિંહફાળો રહ્યો છે.