અલીબાબા ગ્રુપે મંગળવારે સક્સેસન પ્લાનની જાહેરાત કરી હતી. તે મુજબ, ઈ-કોમર્સ એક્ઝિક્યુટિવ એડી યોંગમિંગ વુ કંપનીના સીઈઓ તરીકે ડેનિયલ ઝાંગનું સ્થાન લેશે. ઝાંગ ક્લાઉડ ઇન્ટેલિજન્સ ગ્રુપ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઝાંગ અલીબાબા ગ્રુપના સીઈઓ અને ચેરમેન તેમજ અલીબાબાના ક્લાઉડ ઈન્ટેલિજન્સ યુનિટના વડા તરીકે સેવા આપી રહ્યા છે. એક્ઝિક્યુટિવ વાઈસ ચેરમેન જોસેફ ત્સાઈ ચેરમેન પદ સંભાળશે.
ઝાંગ 2015માં અલીબાબાના સીઈઓ બન્યા હતા. તેમણે 2019માં કંપનીના સહ-સ્થાપક જેક માને બદલે ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો. ઝાંગે કહ્યું, ‘મારા માટે પરિવર્તન કરવાનો આ યોગ્ય સમય છે. સીમલેસ ટ્રાન્ઝિશન સુનિશ્ચિત કરવા માટે હું આગામી મહિનાઓમાં જો અને એડી સાથે કામ કરવા માટે આતુર છું.
આ ફેરફારો 10 સપ્ટેમ્બરથી લાગુ થશે
જોસેફ ત્સાઈએ કહ્યું, ‘કંપનીના ટેક્નોલોજી-આધારિત પ્લેટફોર્મને વિકસાવવામાં એડીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.’ કંપનીમાં કરવામાં આવેલા આ ફેરફારો 10 સપ્ટેમ્બરથી લાગુ થશે. બે વર્ષની ગરબડ પછી, આ વર્ષની શરૂઆતમાં કંપનીએ કહ્યું હતું કે તે કંપનીને છ અલગ એકમોમાં પુનર્ગઠન કરશે. દરેક યુનિટનું અલગ બોર્ડ અને સીઈઓ હશે.
એડી યોંગમિંગ અલીબાબાના સહ-સ્થાપકોમાંના એક છે
એડી યોંગમિંગ વુ અલીબાબાના સહ-સ્થાપકોમાંના એક છે. જ્યારે 1999માં કંપનીની સ્થાપના થઈ ત્યારે વુ કંપનીના ટેક્નોલોજી ડિરેક્ટર પણ હતા. તેમણે ડિસેમ્બર 2005થી Alipayના મુખ્ય તકનીકી અધિકારી તરીકે સેવા આપી હતી, નવેમ્બરમાં અલીબાબાના મુદ્રીકરણ પ્લેટફોર્મ અલીમામાના બિઝનેસ ડિરેક્ટર બન્યા હતા અને ડિસેમ્બર 2007માં તેમના જનરલ મેનેજર તરીકે બઢતી આપવામાં આવી હતી.
2008માં, તેમણે તાઓબાઓના ચીફ ટેક્નોલોજી ઓફિસરની ભૂમિકા સંભાળી અને ઓક્ટોબર 2011માં, અલીબાબા ગ્રુપના સર્ચ, એડવર્ટાઈઝિંગ અને મોબાઈલ બિઝનેસના વડા. વુએ એપ્રિલ 2015થી ઓક્ટોબર 2021 સુધી અલીબાબા હેલ્થ ઈન્ફોર્મેશન ટેકનોલોજી લિમિટેડના ડિરેક્ટર અને એપ્રિલ 2015થી માર્ચ 2020 સુધી અલીબાબા હેલ્થના ચેરમેન તરીકે સેવા આપી હતી. સપ્ટેમ્બર 2014થી સપ્ટેમ્બર 2019 સુધી, તેઓ અલીબાબા ગ્રુપના બોર્ડના અધ્યક્ષના વિશેષ સહાયક હતા.