ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) બોમ્બેને રૂ. 315 કરોડનું દાન આપ્યું છે. નંદન નીલેકણીએ સંસ્થામાંથી પાસ થવાનાં 50 વર્ષ પૂરાં થવા પર આ દાન આપ્યું છે. આ માહિતી ખુદ નંદન નીલેકણીએ ટ્વિટર પર શેર કરી છે.
નીલેકણીએ અત્યારસુધીમાં IIT બોમ્બેને 400 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે
નંદન નિલેકણી IIT બોમ્બેને 85 કરોડ રૂપિયાનું દાન આપી ચૂક્યા છે. જો તેમનાં બંને દાન ઉમેરવામાં આવે તો IIT બોમ્બેને દાનમાં આપેલી રકમ 400 કરોડ રૂપિયા થાય છે. દેશની કોઈપણ સંસ્થાને તેના પૂર્વ વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલું આ અત્યારસુધીનું સૌથી મોટું દાન છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડીગ્રી મેળવવા નીલેકણી 1973માં IIT બોમ્બેમાં જોડાયા હતા.
તેમના દાનનો ઉદ્દેશ વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીના ઊભરતાં ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહિત કરવાનો છે અને IIT બોમ્બેમાં શ્રેષ્ઠ ટેક સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ વિકસાવવામાં મદદ કરવાનો છે, એમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
IIT-Bombay મારા જીવનનો પાયો રહ્યો છેઃ નંદન નીલેકણી
તેમણે કહ્યું હતું, ‘આઈઆઈટી-બોમ્બે મારા જીવનનો આધાર રહ્યો છે. આ સંસ્થાએ મારાં રચનાત્મક વર્ષોને આકાર આપ્યો અને મારી યાત્રાનો પાયો નાખ્યો. હું આ પ્રતિષ્ઠિત સંસ્થા સાથેના મારા જોડાણનાં 50 વર્ષની ઉજવણી કરી રહ્યો છું. હું આગળ વધવા અને એના ભવિષ્યમાં યોગદાન આપવા બદલ આભારી છું.
આ દાન IIT બોમ્બેને મારું ટ્રિબ્યુન છે
નીલેકણીએ વધુમાં કહ્યું હતું કે ‘આઈઆઈટી બોમ્બેને આ દાન માત્ર નાણાકીય યોગદાન નથી. આ એ સ્થાન માટે મારું ટ્રિબ્યુન છે, જેણે મને ઘણું બધું આપ્યું છે અને એ વિદ્યાર્થીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા છે, જે આવતીકાલે આપણી દુનિયાને આકાર આપશે.’