જ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. જેને લઇને લોકો સહિત પ્રાણીઓએ પણ ગરમીથી રાહત અનુભવી છે. ત્યારે રાજુલાના કોવાયા ગામમાં સિંહ પરિવાર વરસાદી માહોલની મજા માણવા રસ્તા પર ઉતરી આવ્યાના દૃશ્યો કેમરામાં કેદ થયા છે.
સિંહ પરિવારની લટાર કેમરામાં કેદ
અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જમાવટ કરી છે, જેના કારણે સિંહો ખુલ્લા વાતાવરણમાં વધુ જોવા મળતા હોય છે. ત્યારે ગત રાત્રે સિંહ પરિવારે રાજુલાના કોવાયા ગામમાં વરસાદી માહોલની મજા માણી હતી. કોવાયા નજીક આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના કોલોની ગેટ નજીક 5 જેટલા સિંહો ખુલ્લામાં લટાર મારવા નીકળ્યા હતા. જે દૃશ્યો કોઇએ મોબાઇલના કેમરામાં કેદ કર્યા છે.
અહીં વારંવાર સિંહો નાઈટ પેટ્રોલિંગ કરતા જોવા મળે છે
આ વિસ્તારમાં સિંહોનો વસવાટ હોવાને કારણે વાંરવાર સિંહો જોવા મળતા હોય છે. જ્યારે આ કંપનીના રોડ ઉપર તો સિંહો નાઈટ પેટ્રોલિંગ કરતા હોય તેમ વારંવાર જોવા મળતા હોય છે. જોકે, સદનસીબે હજી કોઇ રાહદારીને કે બાઇક ચાલકને નુકસાન પહોંચાડ્યું નથી. બીજી તરફ સિંહોના વારંવાર આંટાફેરાના કારણે સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળે છે.
ચોમાસાની ઋતુમાં સિંહો મચ્છરોથી પરેશાન
ચોમાસાની ઋતુમાં બાવળની કાટો અને ખેતરોમાં મોટા વૃક્ષોમાં મચ્છરોનો ઉપદ્ર વધુ પડતો જોવા મળતો હોય છે. જેના કારણે સિંહ પરિવારો પરેશાન થતા હોય છે. જેના કારણે સિંહો ખુલ્લામાં ગ્રામ્ય વિસ્તાર અને ખાસ કરી ટેકરા ડુંગરાળ વિસ્તારમાં વધુ સિંહો જોવા મળતા હોય છે.
દરિયો નજીક હોવાના કારણે સિંહોના વધુ આંટાફેરા
થોડા દિવસો પહેલાં પણ અહીં એક સાથે 7 સિંહો ધોળા દિવસે રસ્તો ક્રોસ કરી રહ્યા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. આ વિસ્તાર નજીક દરિયા કાંઠો હોવાને કારણે દરિયાઈ ખાડી પણ છે અને ઠંડુ વાતાવરણ વધુ જોવા મળે છે. જેને કારણે સિંહો વધુ પ્રમાણમાં આટાંફેરા કરે છે. જેના વીડિયો પણ સામે આવતા હોય છે.