પાટણવાવના પ્રસિદ્ધ ઓસમ ડુંગર પર ભારે વરસાદને કારણે ફસાયેલા ત્રણ લોકોનું પાટણવાવ ગામના સરપંચ, ફાયર બ્રિગેડ, પોલીસ તથા જિલ્લા વહીવટી તંત્રની સમય સૂચકતાથી રેસ્ક્યુ કરાયું હતું. ત્રણ અણમોલ માનવ જિંદગીને બચાવાઇ હતી. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓસમ ડુંગર પરથી વરસાદી પાણીનો ધોધ વરસી રહ્યો હતો. તેને લઈને નીચે ઉતરી શક્યા ન હતા.
ધોરાજીના મામલતદાર એમ.જી. જાડેજાએ જણાવ્યું હતું કે, ઈદની જાહેર રજાને દિવસે ઉપલેટાના ભાવિનગીરી અપારનાથી, ક્રિશ્નાબેન ભાવિનગીરી અપારનાથી તથા પાટણવાવના અરૂણાબેન જયદીપભાઈ અપારનાથી ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલા ઓસમ ડુંગર પર ફરવા ગયા હતા, પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદ થવાને કારણે આ ત્રણેય વ્યક્તિઓ ડુંગર પરથી નીચે ઉતરી શકે તેમ નહોતા. આથી તેમણે પાટણવાવના સરપંચ પ્રવીણ પેથાણીને બચાવગીરી માટે ફોન કર્યો હતો.
સરપંચ પ્રવીણ પેથાણીએ મામલતદાર એમ.જી. જાડેજાને તાત્કાલિક સમગ્ર બાબતની જાણ કરતા ધોરાજી નગરપાલિકાના ફાયર ફાઈટર તથા પાટણવાવના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.કે. કોઠીયા તાત્કાલિક ઓસમ ડુંગર પર પહોંચ્યા હતા. જરૂરી તમામ સાધન સામગ્રીની મદદ લઇ ઉપરોક્ત તમામનું રેસ્ક્યુ કર્યું હતું.