વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યા છે. સરસ્વતી વંદના સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને સંબોધશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી હતી. પીએમ મેટ્રોમાં બેસીને દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યા હતા. દિલ્હી યુનિવર્સિટીના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શતાબ્દી સમારોહમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીએ ટિકિટ કાઉન્ટર પરથી ટોકન લીધું અને ત્યાર બાદ તેઓ પ્લેટફોર્મ પર પહોંચ્યા હતા. વડાપ્રધાને મેટ્રોમાં મુસાફરો સાથે પણ વાતચીત કરી હતી.
‘આવા વડાપ્રધાન ક્યાં મળે છે…’ – DU VC
દિલ્હી યુનિવર્સિટીના VC પ્રોફેસર યોગેશ સિંહે વડાપ્રધાન મોદીને આવકારવા માટે એક ખાસ કવિતા વાંચી હતી. તેમણે કહ્યું, ‘આવા વડાપ્રધાન ક્યાં મળે છે…’. તેમણે વડાપ્રધાન મોદીને અદ્ભુત રીતે અસરકારક, મહેનતુ અને દેશભક્ત પણ હોવાનું જણાવ્યું હતું. તેમણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું પણ સ્વાગત કર્યું હતું.
દિલ્હી યુનિવર્સિટીના સ્પોર્ટ્સ પરિસરને સજાવીને તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે. સમારોહ માટે એક ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું છે, જ્યાંથી પીએમ મોદી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધન કરશે.
DUમાં કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનની સુરક્ષા માટે હજારથી વધુ જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા. PM અહીં 3 બિલ્ડીંગનો વર્ચ્યુઅલ પાયો નાખશે. દિલ્હી યુનિવર્સિટીની કોલેજોએ કાર્યક્રમ માટે ગાઈડલાઈન પણ જાહેર કરી છે. વિદ્યાર્થીઓને કાળા કપડા પહેરીને ન આવવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ છે.
આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન દિલ્હી યુનિવર્સિટીના કોમ્પ્યુટર સેન્ટર અને ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી અને યુનિવર્સિટીના નોર્થ કેમ્પસમાં બનાવવામાં આવનાર એકેડેમિક બ્લોકની ઇમારતનો શિલાન્યાસ કરશે. દિલ્હી યુનિવર્સિટીની સ્થાપના 1 મે 1922ના રોજ થઈ હતી. છેલ્લા 100 વર્ષમાં તેના 86 વિભાગો, 90 કોલેજો, 6 લાખથી વધુ વિદ્યાર્થીઓ છે.