News Updates
NATIONAL

સાબરમતી જેલમાં બેઠાં-બેઠાં લોરેન્સે કેનેડામાં હત્યા કરાવી!:બિશ્નોઈ તિહાર જેલમાંથી શાર્પશૂટરના કોન્ટેક્ટમાં હતો; અતીક અહેમદે પણ સાબરમતી જેલમાંથી ISI એજન્ટને ફોન કર્યો હતો

Spread the love

ખૂનખાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અત્યારે અમદાવાદની સાબરમતી જેલની હાઈસિક્યોરિટી બેરેકમાં છે. છતાં સાબરમતી જેલમાં બેઠાં-બેઠાં લોરેન્સ બિશ્નોઈએ પંજાબી ગેંગસ્ટર સુખા દુન્નાકેની કેનેડાના વિનીપેગ શહેરમાં ગોળી મારીને હત્યા કરાવી નાંખી. હત્યા થયાના બે કલાકમાં લોરેન્સ બિશ્નોઈએ પોતાના ફેસબુક પેજ પર આ હત્યાની જવાબદારી લીધી. એનો સીધો અર્થ એ થયો કે લોરેન્સ બિશ્નોઈએ અમદાવાદની સાબરમતી જેલમાં બેઠાં બેઠાં એકાદ ફોન ઘુમેડીને સુખાનું મર્ડર કરાવ્યું.

આ હત્યાની જવાબદારી લોરેન્સે સ્વીકારી તો લીધી પણ તેણે જ ત્રણ દિવસ પહેલાં 18 સપ્ટેમ્બરે અમદાવાદની સેશન્સ કોર્ટમાં એવી અરજી કરી કે મને ‘ગેંગસ્ટર’ કે ‘આતંકવાદી’ કહેવામાં ન આવે. આ અરજીના ત્રણ દિવસમાં અમદાવાદથી જ કેનેડામાં મર્ડર કરાવી નાંખ્યું. આ ઘટનામાં બે સવાલ સામે આવે છે, સાબરમતી જેલમાંથી લોરેન્સે આ કાંડ કેવી રીતે કરાવ્યો? સાબરમતી જેલ સામે અગાઉ પણ આંગળી ચિંધાઈ છે તો શું લોરેન્સને મોબાઈલ સહિતની ફેસેલિટી મળી છે? કારણ કે અગાઉ ગેંગસ્ટર અતીક અહેમદે સાબરમતી જેલમાંથી ISI એજન્ટ સાથે મોબાઈલમાં વાત કરી હતી.

કેનેડામાં આજે શું ઘટના બની?
સુખા દુન્નાકે નામનો ગેંગસ્ટર મૂળ બંબીહા ગેંગ સાથે સંકળાયેલો હતો. કેનેડા ગયા પછી તરત જ તેણે ભારતમાં પોતાનું નેટવર્ક વિસ્તારવાનું શરૂ કર્યું. ત્યાં તે આતંકવાદી અર્શ ડલ્લાની નજીક આવ્યો હતો. તેણે રાજ્યમાં હથિયારોનું સ્મગલિંગ અને ખંડણીનું કામ શરૂ કર્યું.
કેનેડા ભાગી ગયા બાદ તેની સામે ચાર હત્યા સહિત અગિયાર વધુ કેસ નોંધવામાં આવ્યા હતા અને કુલ કેસની સંખ્યા 18 થઈ ગઈ હતી. દુન્નાકે દવિન્દર બંબીહા ગેંગનો સહયોગી છે અને તે મુખ્યત્વે માલવા જિલ્લામાં કામ કરે છે. કેનેડા રહેતા સુખા દુન્નાકે નામના ગેંગસ્ટરની આજે 21 સપ્ટેમ્બરે સવારે કેનેડામાં જાહેરમાં ગોળીઓ મારીને હત્યા થઈ. હત્યાના બે કલાકમાં જ લોરેન્સ બિશ્નોઈએ જવાબદારી લીધી કે આ મર્ડર તેણે જ કરાવ્યું છે.

લોરેન્સ બિશ્નોઈનું ગુજરાત કનેક્શન શું છે?
તપાસ એજન્સીઓ પ્રમાણે લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાનમાંથી હેરાઈન મંગાવીને સાઉથ આફ્રિકા મોકલવાનું ગુનાહિત કાવતરું રચ્યું હતું. આ કેસમાં લોરેન્સના આદેશથી પાકિસ્તાનના કરાચીથી અબ્દુલ્લા અને જામિલ નામના શખસે હેરાઈનનું કંસાઈન્મેન્ટ બલુચિસ્તાનના એક બંદરથી બોટમાં કચ્છના મીઠા પોર્ટ ખાતે મોકલ્યું હતું. ATSએ બાતમીના આધારે કોસ્ટગાર્ડના સહયોગથી તે 39 કિલો જેટલું હેરોઈન ઝડપી પાડ્યું હતું. સાથે જ છ પાકિસ્તાની આરોપી મોહમ્મદ સફી, ઈમરાન અબ્દુલ, મોહસીન શહેઝાદ, જૌહર અહેમદ, કામરાન મુસા અને મોહમ્મદ સોહેલને પણ ઝડપી પાડ્યા હતા.

લોરેન્સ બિશ્નોઈએ આ પાર્સલ આફ્રિકા મોકલવાનું કામ સરતાજ સલીમ મલિક અને મોહમ્મદ સફીને સોંપ્યું હતું. જે બંનેને પણ ઝડપી લેવાયા છે. આ સાથે જ એક નાઈજિરિયન નાગરિકની અને મિરાજ રહેમાનીની પણ ધરપકડ કરાઈ હતી. આ તમામ આરોપીઓને જેલ હવાલે કરાયા હતા. લોરેન્સ બિશ્નોઈ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના લોકોની મદદથી ભારતમાં ડ્રગ્સ લાવીને આફ્રિકા મોકલવાનો હતો.

લોરેન્સનું ડ્રગ સ્કેન્ડલ 200 કરોડનું હતું. એક વર્ષ પહેલાં કચ્છના સમુદ્રમાંથી પકડાયેલા રૂ.200 કરોડના ડ્રગ્સમાં લોરેન્સ મુખ્ય ભેજાંબાજ હોવાનું સામે આવ્યું હતું. આ કૌભાંડ બહાર આવ્યું ત્યારે લોરેન્સ તિહાર જેલમાં હતો. પછી ગુજરાત ATS દ્વારા તિહાર જેલમાંથી કસ્ટડી મેળવીને ગુજરાતમાં લવાયો હતો. નલિયા કોર્ટમાં તેના પર કેસ ચાલતાં કોર્ટે તેને કસ્ટડીમાં રાખવા આદેશ આપ્યો હતો.

લોરેન્સને કચ્છને બદલે સાબરમતી જેલમાં કેમ રખાયો?
કાયદા પ્રમાણે નલિયા કોર્ટ દ્વારા લોરેન્સને જેલમાં મોકલવાનો હુકમ કરવામાં આવતા પશ્ચિમ કચ્છની ખાસ પાલારા જેલમાં તેને મોકલવો પડે.ભૂતકાળમાં અહીં ગુજસીટોકના કુખ્યાત ગુંડા નિખિલ દોગાને રખાયો હતો જેને હાલમાં જ સાબરમતી મોકલાયો છે તો પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સહિત અનેક હાઈપ્રોફાઈલ કેસમાં કેદીઓ સજા કાપી રહ્યા છે પણ લોરેન્સ કુખ્યાત ગેંગસ્ટર હોઈ તેની સુરક્ષા માટે સરકારે પણ તાકીદ કરી છે જેથી હાઈસિક્યુરિટી ઝોનમાં રાખવો પડે અને પાલારા જેલમાં આવી કોઈ વ્યવસ્થા નથી.સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને જ તેને પાલારાના બદલે સાબરમતી જેલમાં લઇ જવાયો છે.

લોરેન્સે અગાઉ તિહાર જેલમાંથી પણ શાર્પશૂટર સાથે ફોનમાં વાત કરી હતી
પંજાબી સિંગર સિદ્ધૂ મુસેવાલાના હત્યા કેસમાં પણ લોરેન્સનું નામ છે અને તે અનેકવાર એક્ટર સલમાન ખાનને મારી નાંખવાની ધમકી આપી ચૂક્યો છે. પંજાબી સિંગર સિદ્ધૂ મુસેવાલાની હત્યા પછી તેના શાર્પશૂટરે તિહાર જેલમાં બેઠેલા ગેંગસ્ટર લોરેન્સને કોલ કર્યો હતો. તેની દોઢ મિનિટનો વાતચીતનો ઓડિયો સામે આવ્યો હતો. જેમાં શૂટર લોરેન્સને ફોન કરીને કહે છે, જ્ઞાની ચઢાતા ગડ્ડી, મૂસેવાલા મારતા.
શૂટર લોરેન્સને મિશન સફળ થવાની વાત કરે છે. આ કોલ પછી પંજાબ પોલીસે શુક્રવારે મોહાલીમાં ગેંગસ્ટર લોરેન્સનું વોઈસ સેમ્પલ લીધું. તેના દ્વારા તેના અવાજને આ વોઈસ રેકોર્ડિંગ સાથે મેચ કરવામાં આવ્યું.

અતીક અહેમદે પણ સાબરમતી જેલમાંથી ફોન કર્યો હતો
ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની આજથી 6 મહિના પહેલાં પૂછપરછ કરવામાં આવી ત્યારે અતીકે કબૂલાત કરી હતી કે તે પાકિસ્તાનથી હથિયારો મગાવતો હતો. તેણે અમદાવાદ જેલમાંથી ISI એજન્ટને ફોન કર્યો હતો. એટલું જ નહીં, અતીકે ઉમેશ પાલ હત્યા કેસમાં ષડયંત્રનો ગુનો પણ કબૂલી લીધો હતો. અશરફે પોલીસને જણાવ્યું હતું કે કોઈ ચેનલ દ્વારા હથિયાર પંજાબના એક ફાર્મહાઉસ સુધી પહોંચાડવામાં આવતાં હતાં.

માફિયા અતીક અહેમદે પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તેની પાસે ક્યારેય હથિયારોની અછત નહોતી. ISI એજન્ટો ડ્રોન દ્વારા પાકિસ્તાનથી ભારતની સરહદમાં હથિયારો પહોંચાડવામાં આવતાં હતાં. અશરફ તે હથિયારોની ડિલિવરી કરાવતો હતો અને તેના બદલામાં રૂપિયા આપતો હતો. અતીકે કહ્યું હતું કે તે પંજાબમાં એ જગ્યા બતાવી શકે છે જ્યાં તે હથિયારોનો સંગ્રહ કરતો હતો. જો કે યુપીમાં અતીક અને અશરફની 15 એપ્રિલ 2023એ માથામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

સાબરમતી જેલમાંથી 6 વર્ષમાં મોબાઈલ અને સીમકાર્ડ સાથે 221 આરોપી ઝડપાયા
છેલ્લા 6-7 વર્ષથી જેલમાંથી મોબાઈલ સહિતની અનેક ગેરકાયદેસરની વસ્તુઓ ઝડપાઈ છે. જેમાં વર્ષે 2014માં 18 ગુના દાખલ થયા અને 23 મોબાઈલ અને 8 સિમ કાર્ડ સાથે 49 આરોપી પકડાયા હતા. 2015માં 25 ગુનામાં 35 મોબાઈલ અને 11 સીમકાર્ડ સાથે 62 આરોપીઓની ધરપકડ થઈ હતી. 2016માં 24 ગુના, 53 આરોપી અને 30 મોબાઈલ અને 5 સીમ કાર્ડ મળી આવ્યા. 2017માં 37 ગુના, 10 આરોપી, 43 મોબાઈલ અને 21 સીમકાર્ડ મળ્યા હતા.

જ્યારે 2018માં 34 ગુનામાં 65 આરોપીઓની ધરપકડ થઈ જેમાં 50 મોબાઈલ અને 42 સીમ કાર્ડ મળી આવ્યા હતા. 2019માં 22 ગુનામાં 33 આરોપી અને 27 મોબાઈલ અને 12 સીમકાર્ડ મળી આવ્યા હતા. જ્યારે 2020માં 24 ગુના દાખલ થયા હતા અને 24 આરોપી પકડાયા હતા અને 30 મોબાઈલ અને 5 સીમ કાર્ડ મળી આવ્યા હતા.


Spread the love

Related posts

Rath Yatra 2024:નિજમંદિરે લવાયું મામેરું, વાજતે – ગાજતે અને ભવ્ય શોભાયાત્રા સાથે

Team News Updates

Ola Electric Bike હવે આવી રહ્યું છે Ola Scooter બાદ

Team News Updates

રીંગણની આ ત્રણ જાતો આપશે 27 ક્વિન્ટલ સુધી ઉત્પાદન, 70 દિવસમાં તૈયાર થશે પાક

Team News Updates